Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

મુંબઈ : પત્રકાર પરિષદ દરમિયાન મમતા બેનર્જીએ રાષ્ટ્રગીત બેઠા બેઠા ગાયું

બીજેપી નેતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરી

મુંબઇ તા. ૨ : મુંબઈના પ્રવાસે ગયેલા ટીએમસી ચીફ મમતા બેનર્જીને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં મમતા પર મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો આરોપ છે. હવે મુંબઈ ભાજપના નેતાએ કહ્યું છે કે તેઓ મમતા વિરૂદ્ઘ એફઆઈઆર દાખલ કરશે. આ મામલે ભાજપના નેતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બીજેપી નેતાનો આરોપ છે કે મમતાએ બેસીને રાષ્ટ્રગીત ગાયું હતું અને ૨-૪ લાઈન પૂર્ણ કર્યા વિના ગાવાનું બંધ કરી દીધું હતું. મમતા બેનર્જી બુધવારે મુંબઈની મુલાકાતે હતા.

આ દરમિયાન ભાજપના પશ્ચિમ બંગાળ એકમે પણ રાષ્ટ્રગીતના અપમાન બદલ મમતા પર નિશાન સાધ્યું હતું. બીજેપી બંગાળે ટ્વીટ કર્યું, 'મમતા બેનર્જી પહેલા નીચે બેઠા, પછી ઉભા થયા અને વચ્ચે રાષ્ટ્રગીત ગાવાનું બંધ કરી દીધું. મુખ્યમંત્રી તરીકે તેમણે બંગાળની સંસ્કૃતિ, રાષ્ટ્રગીત અને દેશ તેમજ ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરનું અપમાન કર્યું છે.'

મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મમતાનો એક વીડિયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તે રાષ્ટ્રગીત શરૂ કર્યાની થોડીક સેકન્ડ બાદ ખુરશી પરથી ઉઠે છે. એટલું જ નહીં, 'દ્રવિડ ઉત્કલ બેંગ' પછી તે જય મહારાષ્ટ્ર, જય બિહાર અને જય ભારતનો નારા લગાવીને રાષ્ટ્રગીત ગાવાનું બંધ કરે છે. હવે ભાજપના નેતાઓ પણ મમતા બેનર્જીના આ વીડિયોને ટ્વીટ કરી રહ્યા છે અને તેમના પર રાષ્ટ્રગીતના અપમાનનો આરોપ લગાવી રહ્યા છે.

(10:21 am IST)