Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

હવે નોકરી છોડવી પણ મોંઘી થશેઃ નોટિસ પીરિયડમાં ભરવો પડશે GST

નોટિસ પીરિયડના કેસમાં કંપની એક કર્મચારી લેવા લઈ રહી છેઃ તેથી તેના પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ લાગુ કરવો જોઈએઃ GST

નવી દિલ્હી, તા.૨: નોકરિયાત વર્ગને વધુ એક ઝટકો લાગી શકે છે. નોકરી છોડતી વખતે નોટિસ પીરિયડમાં જીએસટી ભરવો પડી શકે છે. આવકવેરા વિભાગના ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગે એક આદેશ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નોટિર પીરિયડમાં કર્મચારીના કામ કરવના પગાર પર, ગ્રુપ ઈંશ્યોરન્સ પોલિસી માટે વધારાનું પ્રીમિયમ ભરવા તથા મોબાઇલ ફોન બિલના પેમેન્ટ કરવા વધારે જીએસટી આપવો પડશે.

આદેશમાં કહેવામાં આવ્યું છે કે નોટિસ પીરિયડના કેસમાં કંપની એક કર્મચારીની લેવા લઈ રહી છે. તેથી તેના પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ લાગુ કરવો જોઈએ. જીએસટીના નિયમો મુજબ, જેને સેવા માનવામાં આવતી હોય તેવી દરેક ગતિવિધિ પર ટેકસ લગાવી શકાય  છે.

એક કર્મચારી પોતાની નોકરી છોડતી વખતે સંસ્થામાં કેટલાક દિવસો નોટિસ પીરિયડ પર કામ કરતો હોય છે. કંપની અન્ય કોઈ વ્યકિતની ભરતી કરી શકે તે માટે આ સમય આપવામાં આવતો હોય છે. સામાન્ય રીતે નોટિસ પીરિયડ એક મહિનાનો હોય છે. આ માટે કંપની કર્મચારીને પગાર પણ ચૂકવે છે. તેથી હવે ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગના નવા નિયમો અંતર્ગત આ રકમ પર જીએસટી ચુકવવો પડશે.

એક અંગ્રેજી વેબસાઇટમાં છપાયેલા રિપોર્ટ મુજબ કંપનીએ ગ્રુપ ઈન્શ્યોરન્સ પોલિસી લીધી હોય ઉપરાંત પ્રીમિયમનો એક હિસ્સો કર્મચારી પાસેથી વસૂલતી હોય તો આ વધારાની રકમ પર કંપનીને જીએસટી ચુકવવો પડશે. ઉપરાંત જો સંસ્થા મોબાઇલ બિલની ચૂકવણી કરતી હોય તો તેના પર પણ જીએસટી આપવો પડશે.

કર્મચારીઓ પર શું પડશે અસર

ઓથોરિટી ફોર એડવાન્સ રૂલિંગના આદેશ મુજબ જીએસટીની ચૂકવણી કંપનીએ કરવી પડશે. પરંતુ મોટાભાગની સંસ્થાઓ આ પ્રકારની સર્વિસનો બોજ કર્મચારીઓ પર નાંખી દે છે. તેથી કર્મચારીઓ પર પણ આદેશની અસર થશે.

(10:43 am IST)