Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ખેડૂત આંદોલનથી રેલવેને થયું ૨૨ કરોડ ૫૮ લાખ રૂપિયાનું નુકસાન

આ વર્ષે ઓકટોબર સુધીના મહિનામાં ઉત્તર રેલવેના વિસ્તારમાં ૧૨૧૨ ધરણાં-પ્રદર્શન થયા હતા

નવી દિલ્હી, તા.૨: લગભગ એક વર્ષથી ચાલી રહેલા ખેડૂતોના વિરોધને કારણે રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. રેલવેના જુદા જુદા ઝોનમાં આ નુકસાન થયું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી. એવું કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ૧ ડિસેમ્બર સુધી જે ઝોનમાં સૌથી વધુ નુકસાન થયું છે, તેમાં ઉત્તર રેલવે પ્રથમ નંબરે છે.

રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે ઓકટોબર સુધીના મહિનામાં ઉત્ત્।ર રેલવેના વિસ્તારમાં વારંવાર ધરણાં-પ્રદર્શન થયા હતા. જેના કારણે રેલવેને લગભગ ૨૨ કરોડ ૫૮ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. દિલ્હી, પંજાબ, હરિયાણા તાજેતરના સમયમાં ખેડૂતોના આંદોલનના સૌથી મોટા વિસ્તારો છે. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો. જેની અસર રેલ્વેની આવક પર પડી છે અને તેને મોટું નુકસાન થયું છે.

રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે, સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર ગુનાને રોકવા, શોધવા, નોંધવા અને તપાસ કરવા અને કાયદો જાળવવા માટે જવાબદાર છે. રેલ્વેએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧ દરમિયાન રેલ્વેને જે પણ અંદાજિત નુકસાન થયું છે તેના માટે અન્ય સંગઠનોના આંદોલન સાથે ખેડૂતોનું આંદોલન જવાબદાર છે. જેના કારણે ટ્રેનોનું સંચાલન ભારે ખોરવાઈ ગયું છે.

રેલ્વે દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, પૂર્વીય રેલ્વેને રૂ. ૩,૩૪,૦૦,૦૦૦, પૂર્વ મધ્યને રૂ. ૧૫,૧૧,૬૦૨ પૂર્વ તટીય રેલ્વેને રૂ. ૬,૭૮, ૯૧, ૮૨૪, ઉત્તર મધ્યને ૯, ૩૭, ૯૫૧, ઉત્તર પૂર્વને ૧૪, ૦૭, ૨૧૭, ઉત્તર પશ્ચિમને ૧,૧૦,૪૪,૨૫૬ દક્ષિણ પૂર્વીયને રૂ. ૨૬૦૦, દક્ષિણ પૂર્વીયને રૂ. ૨૬૩, દક્ષિણ પૂર્વીયને રૂ. ૫, ૭૯, ૧૮૫ રૂપિયાનું નુકસાન થયું છે.

રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે અલગ-અલગ આંદોલનોને કારણે મોટી સંખ્યામાં મુસાફરોએ તેમના બુકિંગ કેન્સલ કર્યા છે. જેના કારણે રેલવેએ મુસાફરોનું ભાડું પરત કરવું પડ્યું હતું. આ સાથે આંદોલનને કારણે દ્યણી જગ્યાએ ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. દ્યણી ટ્રેનો થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી.

રેલવેએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે મધ્ય રેલવેમાં ૨, ઉત્તર પૂર્વ સરહદ રેલવેમાં ૨૮, દક્ષિણ મધ્યમાં ૩, પશ્ચિમમાં ૭ અને પશ્ચિમ મધ્યમાં અલગ-અલગ કારણોસર ૨૦ પ્રદર્શન થયા હતા. આમ છતાં કોઈ ટ્રેન કેન્સલ કરવી પડી નથી કે તેનો રૂટ બદલવો પડ્યો નથી. એટલે કે તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.

(10:46 am IST)