Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તાર રાજૌરી કદલમાં આતંકવાદીઓનો હુમલો:એક પોલીસકર્મી શહીદ

શહીદ થયેલા ટ્રાફિક પોલીસકર્મીની ઓળખ મોહમ્મદ અબ્દુલ્લા તરીકે થઈ જે રાજૌરી કદલ ખાતે પોતાની ફરજ બજાવતા હતા

શ્રીનગર :જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સતત સુરક્ષા દળો અને પોલીસ કર્મચારીઓને નિશાન બનાવી રહ્યા છે. શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તાર રાજૌરી કદલમાં આતંકવાદીઓના ગોળીબારમાં એક ટ્રાફિક પોલીસકર્મી શહીદ થયો હતો. હુમલા બાદ સમગ્ર શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર વિશેષ ચોકીઓ લગાવવામાં આવી છે.અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.

શહીદ થયેલા ટ્રાફિક પોલીસકર્મીની ઓળખ મોહમ્મદ અબ્દુલ્લા તરીકે થઈ છે, જે રાજૌરી કદલ ખાતે પોતાની ફરજ બજાવતા હતા. આતંકવાદી હુમલામાં એક પોલીસ જવાન શહીદ થયા બાદ સમગ્ર શહેરમાં સુરક્ષા વધારવાની સાથે શહેરમાં આવવા-જવાના તમામ માર્ગો પર ખાસ નાકાબંધી કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ વિસ્તારોને કોર્ડન કરીને હુમલાખોરોની શોધખોળ તેજ કરી દીધી છે. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે બુધવારે કહ્યું કે પાકિસ્તાન શિયાળાની મોસમમાં નિયંત્રણ રેખા પાર વધુ આતંકવાદીઓને મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે અને જમ્મુ અને કાશ્મીરમાં શાંતિને ખલેલ પહોંચાડવા માટે તત્પર છે.

(11:24 am IST)