Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

જીએસટી ચોરી કરનારા પાસેથી હવે તંત્ર દંડ પેટે ૨૦૦ ટકા વસૂલાત કરશે

જીએસટી ચોરી પેટે ફટકારેલા દંડની રકમ ઇન્કમટેકસમાં બાદ નહીં મળે : જીએસટી ચોરી કરનારા ઘટે તેને ધ્યાનમાં રાખીને કરાયેલી કાર્યવાહી

નવી દિલ્હી તા. ૨ : જીએસટી ચોરી કરનારા પાસેથી અત્યાર સુધી જીએસટીના ટેકસની રકમ કરતા ૧૦૦ ટકા વધુ રકમ વસુલ કરવામાં આવતી હતી. હવે ૨૦૦ ટકા રકમ વસુલાત કરવામાં આવનાર છે. આ માટેનો કાયદો પણ બનાવી દેવામાં આવ્યો છે.

જોકે તેનુ સત્તાવાર નોટીફીકેશન આવ્યુ નહીં હોવાના કારણે હજુ સુધી તેનો અમલ થયો નથી. પરંતુ આગામી દિવસોમાં તેનો અમલ કરવામાં આવનાર છે. સાથે સાથે જીએસટી ચોરી કરવા બદલ દંડની વસૂલાત બમણી કરવાની સાથે વેપારીઓને ઇન્કમટેકસ રિટર્નમાંથી તે રકમ બાદ નહીં આપવાના કારણે બેવડો માર વેઠવો પડે છે. જોકે જીએસટી ચોરી કરનારાઓની સંખ્યા ઓછી થાય તેને ધ્યાને રાખીને જ આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે ચોરી કરનાર પાસેથી ટેકસની રકમ કરતા બમણો દંડ એટલે કે એક હજાર રૂપિયાનો ટેકસ થતો હોય તો બીજા એક હજાર રૂપિયા વસૂલ કરવામાં આવતા હોય છે. જયારે જીએસટી વિભાગે દંડની રકમમાં ૧૦૦ના બદલે ૨૦૦ ટકા વસૂલવાનો નિયમ લાગુ કરવામાં આવનાર છે. જેથી ઇ-વે બિલ બનાવ્યા વિનાની ગાડી પકડાય અથવા તો બોગસ બિલિંગમાં પકડાય તેવા કિસ્સામાં ૨૦૦ ટકા સુધીનો દંડ જ વસૂલ કરવામાં આવશે. જયારે જીએસટીની રકમ અલગથી વસૂલ કરવામાં આવતી હોય છે. જોકે, વેપારી દ્વારા ભરવામાં આવતા જીએસટીની રકમ ઇન્કમટેકસમાંથી બાદ મળતી હોય છે. જયારે વેપારીની ભૂલને કારણે ભરવાનો થતો દંડ ઇન્કમટેકસ રિટર્નમાં તે રકમની મુકિત મળતી નથી, કારણ કે એવી ગણતરી કરવામાં આવી રહી છે કે વેપારીઓ ચોરી કરવાના ઇરાદે જ આવું કરતા હોવાથી તે રકમ બાદ આપી શકાય નહીં. તેના કારણે વેપારીએ ભરેલો જીએસટી રિટર્નમાં દર્શાવી શકાય છે, પરંતુ તે માટે ભરપાઇ કરેલો દંડ રિટર્નમાં દર્શાવવામાં આવે તો પણ તેની ગણતરી થતી નથી.(૨૧.૧૯)

પ્રમાણિક વેપારીને ફાયદો, ટેકસચોરોને ફટકો

જીએસટી ચોરી કરનારાઓ નિયમ પ્રમાણે ટેકસ ભરપાઇ કરે અને ચોરી કરતા અટકે તે માટે જ સમયાંતરે જીએસટી વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. તેમ છતાં જીએસટી ચોરી અટકવાનું નામ લેતી નથી. આવા જ કારણોસર દંડની રકમ બમણી કરવાનો નિયમ તો લાગુ કરવામાં આવ્યો જ છે. જોકે તે રકમ ઇન્કમટેકસમાંથી બાદ નહીં આપવાના કારણે વેપારીઓને બેવડી તકલીફ વેઠવી પડવાની છે. જેથી પ્રમાણિકતાથી જીએસટી ભરપાઇ કરે તેવા આશયથી જ આવા આકરા પગલા ભરવામાં આવી રહ્યા છે.

(12:31 pm IST)