Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

દેશભરમાં કાતિલ ઠંડીનો રાઉન્ડઃ પારો ગગડશે

ઠંડી રંગ દેખાડશે પણ ફેબ્રુઆરી સુધી હવામાનમાં રહેશે થોડો ગરમાવો

નવી દિલ્હીઃ દેશમાં આગામી બે સપ્તાહ દરમ્યાન હવામાનમાં ઠંડક વધી શકે છે. હવામાન વિભાગ (આઇએમડી) અનુસાર, આ દરમ્યાન દક્ષિણ અને સેન્ટ્રલ કર્ણાટક અને પૂર્વોત્તર રાજયો સિવાય દેશના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં જોરદાર ઘટાડો થશે.

જો કે એવું પણ અનુમાન છે કે પહાડી રાજયો કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં શીતલહેરની સ્થિતી સામાન્યથી થોડી ઓછી થઇ શકે છે. પણ આ દિવસોમાં તે વિસ્તારોમાં ઠંડી રહેવાની શકયતા છે.

આઇએમડીના મેનેજીંગ ડાયરેકટરે કહ્યું કે આ વખતે શિયાળામાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય અથવા તેનાથી વધારે રહી શકે છે. દેશના પશ્ચિમોત્તર, મધ્ય અને પૂર્વોત્તરના મોટા ભાગના વિસ્તારો, હિમાલયની તળેટી અને દક્ષિણના વિસ્તારોમાં ડીસેમ્બરથી ફેબ્રુઆરી સુધી શિયાળામાં લઘુત્તમ તાપમાન સામાન્યથી વધારે અનુભવાશે. જો કે એ દરમ્યાન કેટલાક મહત્વની શીત લહેરોની જગ્યાઓમાં જોરદાર ઠંડીની સ્થિતી રહેશે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક અને તેલંગાણા સામેલ છે.

આંધ્રપ્રદેશ અને ઓરીસ્સામાં વાવાઝોડાનું જોખમ

હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત 'જવાદ' શનિવારે સવારે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના કાંઠાળ વિસ્તારોમાં પહોંચવાનું અનુમાન છે. થાઇલેન્ડ અને તેની આજુ બાજુ હળવા દબાણનું ક્ષેત્ર બનેલું છે. આજે આંદામાન સાગર થઇને દક્ષિણ પૂર્વ અને પાસેની બંગાળની ખાડીના મધ્ય ભાગમાં તેના ડીપ્રેશનમાં ફેરવવાની શકયતા છે. તેના પછીના ૨૪ કલાકમાં બંગાળની ખાડીના મધ્યમાં વાવાઝોડામાં ફેરવવાની શકયતા છે.

(12:31 pm IST)