Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગૃહમંત્રી શાહ સાથે વાત થઇ ગઇ છે : જલ્દી મોટી જાહેરાત કરીશ

અમરિન્દર સિંઘના નિવેદનથી કોંગ્રેસ-આપ ટેન્શનમાં : કેપ્ટન અને ભાજપ વચ્ચે ગઠબંધનની શરત પુરી : ટુંક સમયમાં ઔપચારિક જાહેરાતની શકયતા

નવી દિલ્હી,તા.૨: પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહ અને બીજેપી વચ્ચે વિધાનસભાની ચૂંટણી એક સાથે લડવા માટે સમજૂતી થઈ હોવાનું જણાય છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે, તેમણે ભાજપ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી શાહ સાથે ગઠબંધન અંગે વાત કરી છે. અમરિંદર સિંહનું કહેવું છે કે ભાજપ સાથે ગઠબંધન માટે તેમની જે શરત હતી તે પૂરી થઈ ગઈ છે. અમરિન્દર સિંહે કહ્યું કે, મારી શરત હતી કે જો ભાજપ ખેડૂતોના આંદોલનનો ઉકેલ લાવે તો હું સાથે મળીને ચૂંટણી લડવા તૈયાર છું. ભાજપે આ કર્યું છે. હું ગઠબંધન અંગે શાહ સાથે વાત કરી ચૂક્યો છું.

અમરિંદર સિંહે ટૂંક સમયમાં ભાજપ સાથે જોડાણ કરવા અંગે ઔપચારિક જાહેરાત કરવાનો સંકેત આપ્યો છે. પૂર્વ સીએમએ કહ્યું, ૅહું ટૂંક સમયમાં જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળવાનો છું. ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

કેપ્ટન અમરિન્દર સિંહે ભાજપ સિવાય શિરોમણી અકાલી દળથી અલગ થયેલા સુખદેવ ઢિંઢસા સાથે નવી પાર્ટી બનાવવા માટે ગઠબંધન કરવાનો વિકલ્પ રાખ્યો છે. અમરિંદર સિંહે કહ્યું કે મને અકાલી દળથી અલગ થયેલા નેતાઓ સાથે મળીને ચૂંટણી લડવામાં કોઈ સમસ્યા નથી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસથી અલગ થયા બાદ કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ લોક કોંગ્રેસ બનાવવાની જાહેરાત કરી છે. કેપ્ટન અમરિન્દર સિંહે દાવો કર્યો છે કે તેઓ ફરી એકવાર ભાજપ સાથે પંજાબમાં સત્તામાં આવશે.

(2:37 pm IST)