Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ઓમિક્રોન સામે લડવા સિરમ ઇન્સ્ટિટયુટે ભારતમાં વેકસીનના બૂસ્ટર ડોઝની મંજુરી માંગી

કોરોનાના નવા વેરીએન્ટ

નવી દિલ્હી,તા.ર : ઓમિક્રોન વેરિએન્ટના વધતા સંકટની વચ્ચે સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતમાં પોતાની કોરોના રસી કોવિશીલ્ડના બૂસ્ટર ડોઝ માટે દવા નિયામક પાસે મંજૂરી માંગી છે. મામલા સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓએ આ જાણકારી સમાચાર એજન્સી એએનઆઈને આપી છે. અધિકારીઓ મુજબ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે આ મંજૂરી માંગવામાં આવી છે.

સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારતની પહેલી કંપની છે જેણે કોરોનાના બૂસ્ટર ડોઝ લગાવવા માટે મંજૂરી માંગી છે. કેન્દ્ર સરકારે પણ સાંસદને આ જાણકારી આપી છે કે કોરોનાના રસીકરણ માટે બનેલા નેશનલ ટેક્નિકલ ગ્રુપ ઓફ ઈમ્યૂનાઈઝેશન અને નેશનલ એકસપર્ટ્સ ગ્રુપે પણ બુસ્ટર ડોઝના વૈજ્ઞાનિક પાસા પર વિચાર કરી રહ્યા છે.

રાજસ્થાન, છતીસગઢ, કર્ણાટક અને કેરળ જેવા રાજ્યોએ ઓમિક્રોન વેરિએન્ટ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર પાસે બૂસ્ટર ડોઝની મંજૂરી આપવા માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક ટીવી ચેનલના ઈન્ટરવ્યૂમાં સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ અદાર પૂનાવાલાએ કહ્યું હતુ કે શક્ય છે કે ઓકસફર્ડના વૈજ્ઞાનિક એક નવી રસીની શોધ કરી રહ્યા છે. જે આ નવા વેરિએન્ટની સામે બૂસ્ટર ડોઝની જેમ કામ કરશે.

(2:39 pm IST)