Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સ્વામિનારાયણ ભગવાને અંગ્રેજ ગવર્નરને આપેલ શિક્ષાપત્રીના લંડન લાઇબ્રેરીમાં દર્શન કરતા સંતો

વિદ્યાર્થીઓ માટે શિક્ષાપત્રી પ્રેરણારૂપ, અમારા માટે લંડન તીર્થયાત્રા થઇ ગઇ : પ્રભુ સ્વામી

લંડનની યુનિવર્સિટીમાં રાજકોટ ગુરૂકુળ સંસ્થાનના શ્રી પ્રભુ સ્વામી, શ્રી ભકિતતનયદાસજી સ્વામી, ભજનપ્રકાશદાસજી સ્વામી વગેરેએ શિક્ષાપત્રીના દર્શન કરી ધન્યતા અનુભવેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૨ : આજથી ૧૯૧ વર્ષ પહેલા રાજકોટમાં ભગવાન સ્વામિનારાયણ અને એ સમયના મુંબઈ પ્રાંતનાં અંગ્રેજ ગવર્નર સર જહોન માલ્કમ સાથે મુલાકાત થયેલ.  રાજકોટના કોઠી કમ્પાઉન્ડમાં થયેલ મુલાકાત વખતે સર જહોન માલ્કમે ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે સંપ્રદાયના કોઈ ગ્રંથની માંગણી કરેલ. કારણકે તેઓ ઇતિહાસકાર અને લેખક હતા. એ વખતે ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે લખેલ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ રૂપ શિક્ષાપત્રી આપેલ. તેઓએ બે હાથે શિક્ષાપત્રી સ્વીકારી,  મસ્તકે ચઢાવી કૃતાર્થતા અનુભવેલી.   પ્રભુ સ્વામીના જણાવ્યા મુજબ ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે પ્રાર્થના કરતા તેઓએ કહેલું કે 'અમારૃં અને અમારા શત્રુનું ભલુ થાય તેવી કૃપા વરસાવજો.'

તા.૨૭ ફેબ્રુઆરી ૧૮૩૦ ને શનિવારના રોજ સર માલકમને મળેલ શિક્ષાપત્રી તેઓ જયારે લંડન ગયા ત્યાં સાથે લેતા ગયેલા. નિત્ય તેનું દર્શન કરતાં.  આ શિક્ષાપત્રી  હાલમાં લંડન ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ઘ ઓકસફોર્ડ યુનિવર્સિટીની બોડલીયન લાઇબ્રેરીમાં સુરક્ષિત રીતે સચવાયેલી છે. 

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના શ્રી પ્રભુ સ્વામી, શ્રી ભકિતતનયદાસજી,  શ્રી ભજનપ્રકાશ દાસજી સ્વામી તથા યોગાચાર્ય શ્રી યોગ દર્શનદાસજી સ્વામીને શ્રી હિતેનભાઈ રાધવાણી તથા શ્રી લાખાભાઈએ  સંતોને દર્શન કરાવેલા. ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પણ આ શિક્ષાપત્રીના દર્શન ૧૯મી સપ્ટેમ્બર ૧૯૮૩માં કરેલા.

શિક્ષાપત્રીના દર્શન કરતાં જે શ્લોકનું ગુજરાતીમાં લખાણ હતું તેનું ટ્રાન્સલેશન તેની બાજુમાં સુવ્યવસ્થિત રીતે  તેઓએ અંગ્રેજીમાં મોટા અક્ષરે ટાઈપિંગ કરીને  લખેલું છે.  જેથી આ ગ્રંથ શું છે? કયાંથી મળેલ છે ? વગેરેનો ખ્યાલ લાયબ્રેરીની મુલાકાતે આવતા તથા સ્ટડી કરતાં દેશવિદેશના હજારો વિદ્યાર્થીઓને પણ આવે. આ શિક્ષાપત્રી ભગવાન શ્રી સ્વામિનારાયણે મુબઇના ગવર્નર સર જહોન માલ્કમને આપેલી છે એમ પણ લખેલું .  પ્રભુ સ્વામીએ ઓકસફોર્ડ યુનિવર્સિટીના વિઝીટર બુકમાં શિક્ષાપત્રીને સુરક્ષિત તેમજ સહુને દર્શન તથા સ્ટડી માટે રાખવા બદલ આભાર નોંધ લખેલ.

અંગ્રેજોને  આજે પણ ભારતીય સંસ્કૃતિના આ હિન્દુધર્મના ગ્રંથ વિશે કેટલો પૂજયભાવ છે એ જોઈને અમારું હદય પણ ગદગદિત થઈ ગયું. ઓકસફોર્ડ યુનિવર્સિટીની મુલાકાત એ અમારા માટે લંડનમાં તીર્થયાત્રા થઈ ગઈ એમ શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું.

સરજહોન માલ્કમ ભગવાન શ્રીસ્વામિનારાયણને મુંબઈથી શા માટે મળવા આવેલા ? એ અંગે પ્રભુસ્વામીએ કહ્યું હતું કે. તેઓએ મુંબઈમા સાંભળેલું કે ભગવાન સ્વામિનારાયણ સતીપ્રથા (પતિ પાછળ અગ્નિમાં બળીને મરી જવાની પ્રથા) તથા ભ્રુણ હત્યા કહેતા બાળકી જન્મે તો તેને દૂધમાં ડૂબાડીને મારી નાંખવાનો જે અમુક જ્ઞાતિઓમાં રિવાજ હતો તે બંધ કરાવેલ. તેમાં તે કેવી રીતે સફળ થયા છે એ જાણવાની ઇચ્છા હતી. કારણકે બ્રિટીશ સરકારે આ પ્રથા બંધ કરવાનું કાર્ય માલ્કમને સોંપલ.

સ્કોટલેન્ડમાં ૧૭૬૯માં ગરીબ ખેડૂતના ઘરે જન્મેલા પિતાને ૧૭ સત્તર સંતાનોમાંના આ એક હતા. ૧૩ વરસે ઘર, શાળા અને દેશ છોડી ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં ભારત ખાતે મદ્રાસમાં આર્મીમાં જોડાયેલા હતા.

(2:40 pm IST)