Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

કોંગ્રેસ છેલ્લા ૧૦ વર્ષમાં ૯૦% થી વધુ ચૂંટણી હારી છે વિપક્ષના નેતૃત્વના નિર્ણયને લોકતાંત્રિક રીતે મંજૂરી આપવી જોઈએ

પ્રશાંત કિશોરે ગાંધી પરિવાર પર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હી, તા.૨: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી બિન-કોંગ્રેસી વિપક્ષોને સાથે લાવીને દેશભરમાં પ્રવાસ કરીને નેતૃત્વ કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે હવે તેમના નજીકના રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પણ ગાંધી પરિવાર પર પ્રહારો કર્યા છે. એક દિવસ પહેલા મમતા બેનર્જીએ રાહુલ ગાંધીનું નામ લેતા તેમના પર પ્રહારો કર્યા હતા અને હવે પીકેએ પણ આવો જ ટોણો માર્યો છે. પ્રશાંત કિશોરે વિપક્ષના નેતૃત્વના સવાલ પર કહ્યું કે લોકતાંત્રિક રીતે નિર્ણય લેવો જોઈએ. કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર પ્રહાર કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, પાર્ટી છેલ્લા ૧૦ વર્ષમાં ૯૦ ટકાથી વધુ ચૂંટણી હારી છે.

પ્રશાંત કિશોરે કહ્યું, 'કોંગ્રેસ જે વિચાર અને અવકાશ રજૂ કરી રહી છે તે મજબૂત વિપક્ષ માટે મહત્વપૂર્ણ છે. પરંતુ કોંગ્રેસ નેતૃત્વ અને ખાસ કરીને કોઈ ચોક્કસ વ્યકિતને આ દિવ્ય અધિકાર નથી. તે પણ જયારે પાર્ટી છેલ્લા ૧૦ વર્ષમાં ૯૦% થી વધુ ચૂંટણી હારી છે. આવી સ્થિતિમાં વિપક્ષના નેતૃત્વના નિર્ણયને લોકતાંત્રિક રીતે મંજૂરી આપવી જોઈએ. નિષ્ણાતો માને છે કે મમતા બેનર્જીને વિરોધ પક્ષના નેતા તરીકે રજૂ કરવા પાછળ પ્રશાંત કિશોરનું મગજ છે. તેમના પ્રયાસોને કારણે ગોવાથી લઈને હરિયાણા સુધી મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ ટીએમસીમાં જોડાયા છે.

મમતા બેનર્જીએ બુધવારે NCP પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આટલું જ નહીં તેમણે સિવિલ સોસાયટીના એક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે યુપીએ કયાં છે. એટલું જ નહીં, ઈશારામાં રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કેટલાક લોકો અડધો સમય વિદેશમાં વિતાવે છે અને કશું કરતા નથી, આ સિવાય તેમણે પૂછ્યું હતું કે જો કોંગ્રેસ બંગાળમાં ચૂંટણી લડી શકે છે તો ટીએમસી ગોવામાં કેમ ચૂંટણી નથી લડી શકતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે TMC ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં મમતા બેનર્જીને વિપક્ષના ચહેરા તરીકે રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

(3:40 pm IST)