Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

USમાં વેરિઅન્ટથી સંક્રમિત વ્યકિતએ કોવિડ રસીના બંને ડોઝ લીધા છે

ન્યુયોર્ક, તા.૨: યુનાઇટેડ સ્ટેટ્સે પુષ્ટિ કરી છે કે, દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ નોંધાયો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં પહેલો કેસ જોવા મળ્યો છે. ચિંતાની વાત એ છે કે, દક્ષિણ આફ્રિકાના એક યાત્રીમાં કોરોનાના નવા પ્રકારની પુષ્ટિ થઈ છે. આ વ્યકિતએ રસીના બંને ડોઝ લીધા હતા. જોકે, આ વ્યકિતમાં સંક્રમણના હળવા લક્ષણો જોવા મળ્યા છે.

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, સંક્રમિત વ્યકિત ૨૨ નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો અને અત્યાર સુધી તેની સાથે નજીકના સંપર્કમાં આવેલા લોકો તપાસમાં નેગેટિવ મળ્યા છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન અમેરિકાના ઉચ્ચ આરોગ્ય અધિકારી એન્થોની ફૌસીએ કહ્યું કે, ૨૯ નવેમ્બરે આ દર્દી કોવિડ સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે કહ્યું, 'અમને સારું લાગે છે કે, દર્દીમાં માત્ર હળવા લક્ષણો દેખાઈ રહ્યા છે. આ સાથે જે લક્ષણો દેખાઈ રહ્યા હતા તેમાં પણ સુધારો થઈ રહ્યો છે.લૃ જોકે, તેમણે નવા વેરિઅન્ટ વિશે ચેતવણી પણ આપી અને કહ્યું કે, જયાં સુધી વધુ વિગતો જાણીતી નથી ત્યાં સુધી કંઈપણ કહેવું મુશ્કેલ છે.

નવા વેરિઅન્ટથી સંક્રમિત વ્યકિતએ કોવિડ રસીના બંને ડોઝ લીધા છે. આવી સ્થિતિમાં ફૌચીએ બૂસ્ટર ડોઝને વધુ સારો વિકલ્પ ગણાવ્યો. તેમણે કહ્યું કે, આનાથી રસી લેનારના શરીરમાં એન્ટિબોડીઝ વધશે અને કેટલાક અંશે કોરોનાના નવા વેરિઅન્ટ સામે લડવામાં સફળ પણ થઈ શકે છે.

(3:41 pm IST)