Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

આંધ્રપ્રદેશ અને ઓડિશામાં જવાદ વાવાઝોડુ ટકરાવાની શંકા

આગામી ર૪ કલાકમાં જવાદના મજબૂત થવાના આસાર : હવામાન મુજબ ચક્રવાતી તોફાન જવાદના કારણે પશ્ચિમ બંગાળના પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર જિલ્લાઓમાં ૪ ડિસેમ્બરના રોજ ભારે વરસાદ થઇ શકે છે

નવી દિલ્હી,તા.૨: ભારત સહિત દુનિયાભરના અનેક દેશોમાં હવામાનનો મૂડ બદલાયેલો છે. ક્યાંક પૂરથી તબાહી છે તો ક્યાંક જ્વાળામુખી ફાટી રહ્યો છે. ભારતના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદથી હાલાત બગડેલા છે. આ બધા વચ્ચે હવામાન ખાતાએ અલર્ટ જાહેર કરી છે અને આગાહી કરી છે કે આગામી ૨૪ કલાકમાં ચક્રવાતી તોફાન જવાદના મજબૂત થવાના આસાર છે.  બંગાળની ખાડીમાં બની રહેલા હળવા દબાણના કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશા પર ચક્રવાતી તોફાન જવાદનો સાયો મંડરાઈ રહ્યો છે. ચક્રવાતી  તોફાન જવાદના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં હવામાન બગડવાની આશંકા છે. હવામાન ખાતાએ આ રાજ્યોમાં પૂરપાટ પવન ફૂંકાવવાની સાથે સાથે  ભારે વરસાદ અંગે અલર્ટ જાહેર કરી છે. 

બંગાળની ખાડીમાં એક ચક્રવાતી સંરચના વિક્સિત થઈ રહી છે જે શનિવારે (૪ ડિસેમ્બર) સુધીમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કાંઠે પહોંચી શકે છે. ત્યારબાદ આ ચક્રવાતી તોફાન જવાદનું રૂપ લેશે. તેને લઈને સમુદ્રી કાંઠાની આજુબાજુ રહેનારા માછીમારોને અલર્ટ કરી દેવાયા છે અને તેમને સુરક્ષિત સ્થળો પર પહોંચવાનું કહેવાયું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ચક્રવાતી તોફાન જવાદના કારણે પશ્ચિમ બંગાળના પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર જિલ્લાઓમાં ચાર ડિસેમ્બરના રોજ ભારે વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત ઉત્તર ૨૪ પરગણા, દક્ષિણ ૨૪ પરગણા, ઝારગ્રામ અને હાવડા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ચક્રવાતી તોફાન અગાઉ ગુજરાતના ગીર સોમનાથમાં મોડી રાતેથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે ગીર સોમનાથના નવા બંદરમાં ૧૫ જેટલી બોટ ડૂબી છે. કહેવાય છે કે આ ઘટના બાદ ૮ ખલાસી ગૂમ થયા છે. જેમની ભાળ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

બંગાળની ખાડીમાં થઈ રહેલી હલચલના કારણે ભારત મૌસમ વિજ્ઞાન વિભાગએ આજથી ચાર દિવસ સુધી આ રાજ્યોમાં સતત ભારે વરસાદની ચેતવણી બહાર પાડી છે. આ સાથે જ હવામાન વિભાગે મુંબઈમાં પણ ભારે વરસાદની આશંકા જતાવી છે. આ ઉપરાંત ગુજરાત અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં પણ અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. ૈંસ્ડ્ઢએ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર ઉત્તર-મધ્ય ભારતમાં વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. આ કારણે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં પણ આવનારા દિવસોમાં વરસાદ પડી શકે છે.

(4:23 pm IST)