Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

નવજોત સિધ્ધુને આપમાં જોડાવું હતું, હવે કોંગ્રેસમાં ખુશ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો દાવો : આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી પદ માટેનો ઉમેદવાર પંજાબનો જ હશે અને તેની જાહેરાત બહુ જલ્દી કરાશે

નવી દિલ્હી, તા.૨ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિધ્ધુ આમ આદમી પાર્ટીમાં સામેલ થવા માંગતા હતા.જોકે હવે સિધ્ધુ આપમાં નહીં જોડાય તે ફાઈનલ છે.કારણકે તેઓ કોંગ્રેસમાં ખુશ છે. કેજરીવાલ પંજાબમાં વિધાનસભાની યોજાનારી ચૂંટણી માટે છાશવારે પંજાબ જઈને પ્રચાર કરી રહ્યા છે.

એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યુ હતુ કે, આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી પદ માટેનો ઉમેદવાર પંજાબનો જ હશે અને તેની જાહેરાત બહુ જલ્દી કરવામાં આવશે. કેજરીવાલે કહ્યુ હતુ કે, ૧૮ વર્ષથી વધારે વયની તમામ મહિલાઓને મહિને ૧૦૦૦ રુપિયાની મદદ આપવાનો વાયદો પંજાબ જ નહીં પણ દિલ્હીમાં પણ અમે લાગુ કરાવના છે.દિલ્હીમાં તૈયારીઓ થઈ રહી છે .

કેજરીવાલના વાયદાને આ પહેલા નવજોતસિંહ સિધ્ધુએ લોલીપોપ ગણાવ્યો હતો અને કહ્યુ હતુ કે, મહિલા સશક્તિકરણની વાતો કરતા કેજરીવાલના દિલ્હી સરકારના મંત્રી મંડળમાં જ એક પણ મહિલા નથી.દિલ્હીમાં કેજરીવાલ કેટલી મહિલાઓને દર મહિને એક હજાર રુપિયા આપી રહ્યા છે તે જાહેર કરે.

(7:39 pm IST)