Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

કેટલીક બેઠકોના ગણિત ખોરવાવા સાથે અણધાર્યા પરિણામની શક્‍યતા

પાયાના કાર્યકરો અને પેજ પ્રમુખો વધુ મતદાન કરાવશે તેવા દાવા હવાયા

નવી દિલ્‍હી,તા.૨ : વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો ઉપર ઓછા મતદાનના કારણે અનેક બેઠકોના ગણિત ખોરવાઇ જાય અને કેટલીક બેઠકો ઉપર રાજકીય પક્ષના અંદાજ કરતા અણધાર્યા પરિણામ આવે તેવી શકયતા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભાજપને તો સૌરાષ્‍ટ્રમાં કોંગ્રેસને ૨૦૧૭માં મોટો ફાયદો થયો હતો. જો કે આ વખતે મતદારોનું વલણ બેધારી તલવાર જેવું મનાઇ રહ્યું છે. અને તે કયા પક્ષને નુકસાન કરાવશે કે ફાયદો કરાવશે. તે પરિણામ વખતે જ ખબર પડશે.

ચૂંટણીમાં અત્‍યાર સુધી જે રીતનો માહોલ હતો તે જોતા કરંટ કંઇ દિશામાં છે તે જાણવાની મથામણ નેતાઓ કરતાં હતા પરંતુ પ્રથમ તબક્કામાં તો ઓછા મતદાનનો કરંટ મળતા નેતાઓ સાથે ઉમેદવારોના જીવ પર અધ્‍ધર થઇ ગયા છે. ઓછા મતદાનના કારણે પક્ષો દ્વારા વધુ મતદાન થાય તે માટે તેમના પાયાના કાર્યકરો સક્રિય છે અને પેજ પ્રમુખો બનાવ્‍યા છે તે દાવા પણ હવાઇ ગયા હોય તેવી સ્‍થિતી છે. પક્ષના મોવડીઓને આટલુ ઓછું મતદાન થશે તેવો અંદાજ ન હતો. પરંતુ છ ટકાથી ઓછા મતદાનના કારણે અણધાર્યા પરિણામની આશંકાઓ સર્જાઇ છે. જે બેઠકોની લીડ ઓછી હતી તેમાં પરિણામ અલગ આવી શકે છે.

ત્રિપાંખીયો જંગ કે ‘આપ'ને નો એન્‍ટ્રીના સંકેત ?

આ વખતે ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીની વિધાનસભા ચૂંટણી જંગમાં એન્‍ટ્રી થઇ છે. આપ દ્વારા ભાજપ અને કોંગ્રેસની સમાંતર જ મોટાપાયે પ્રચાર, રોડ-શો, જાહેર સભાઓ કરાઇ છે. તેના કારણે મતદાનમાં વધારો થશે અને આંશિક રીતે જે મતદારો ભાજપ કે કોંગ્રેસને પસંદ કરતા નથી તેઓ આપને મતદાન કરશે તેના કારણે વધુ મતદાન વધશે તેવી ગણતરી મુકાતી હતી. તો મતદારનો આંશિક વર્ગ સત્તા સ્‍થાનથી નારાજ હોય તો રોષ ઠાલવવા આપને મત આપી શકે તેવું પણ રાજકીય નિરીક્ષકો માનતા હતા પરંતુ ઓછા મતદાનના કારણે ભાજપ અને કોંગ્રેસના મતદારો ઉપરાંત એવા કેટલા મતદારો હશે જેમણે આપને મત આપ્‍યો હશે તે સવાલ છે. જો કે દક્ષિણ ગુજરાતમાં વરાછા અને દેદિયાપાડાની બેઠક ઉપર આપના ઉમેદવાર નોંધપાત્ર દેખાવ કરશે તેવી પક્ષને આશા છે

(10:41 am IST)