Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ઓછું મતદાન કરીને મતદારોએ ઉમેદવારો અને પક્ષો સામે રોષ સાથે નારાજગી દર્શાવી

ચૂંટણી સભાઓ મતદારને મતદાન મથક સુધી ખેંચી લાવવામાં નિષ્‍ફળ રહી : બીજા તબક્કામાં વધુ મતદાન માટે ઉમેદવારો દોડતા થઇ ગયા : દક્ષિણ ગુજરાતના આદિવાસી મતદારોમાં સૌરાષ્‍ટ્ર કરતાં વધુ જાગૃતિ

નવી દિલ્‍હી,તા. ૨ : ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી જ મતદારો કેટલા નિરસ છે. તેઓ પરચો રાજકીય પક્ષો અને તેમના મોવડીઓને મળી ગયો છે. ૨૦૧૭માં પ્રથમ તબક્કામાં ૬૬.૬૫ ટકા મતદાન થયું હતું. તેની સામે ૨૦૨૨માં ૬૨.૮૯ ટકા જેટલુ મતદાન થયું છે. તે સ્‍પષ્‍ટ દર્શાવે છે કે મતદારો ફકત નિરસ જ નથી પરંતુ ઉમેદવારો, પક્ષો અને તેમની નીતિઓ સામે ભારે નારાજ પણ છે. તમામ પક્ષના ટોચના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં હતા છતાં મોટી સંખ્‍યામાં મતદારોને ઘરની બહાર નીકળીને મતદાન મથક સુધી પહોંચવામાં નિષ્‍ફળ રહ્યા છે.

૨૦૨૨ની ચૂંટણીમાં અંદાજે ૩.૭૬ ટકા જેટલું પ્રથમ તબક્કાનું મતદાન ઓછું છે. સૌરાષ્‍ટ્ર કરતા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્‍તારોમાં થયેલા વધુ મતદાને ટકાવારી માંડ માંડ ૬૦ ટકાથી નજીક પહોંચાડી છે તેમ છતાં દક્ષિણ ગુજરાતના આદિજાતિ બહુમતીના જિલ્લાઓમાં પણ ગત વખત કરતા ઓછું મતદાન થવા પામ્‍યું છે. સામાન્‍ય રીતે જે તે પક્ષના સમર્પિત મતદારો મોટી સંખ્‍યામાં બહાર નિકળીને મતદાન કરતા હોય છે તે મુજબ બપોરે ત્રણ વાગ્‍યા સુધી એંકદરે યોગ્‍ય કહી શકાય તે રીતે મતદાન ચાલી રહ્યું હતું. પરંતુ તે પછી છેલ્લા બે કલાકમાં મતદાનમાં ભારે ઘટાડો થયો હોય તેમ મતદાનની ટકાવારીમાં નજીવો વધારો જ થયો હતો.

મતદારોએ દેખીતી રીતે જ ચૂંટણીમાં પોતે મતદાન કરવા પણ માંગતા નથી તેમ કહીને રોષ વ્‍યકત કર્યો છે. મતદારોના જૂથના કારણ અલગ અલગ છે. પરંતુ મતદારો મોટી સંખ્‍યામાં મતદાન મથક સુધી પહોંચ્‍યા નથી તે સ્‍પષ્‍ટ થયું છે.

મતદાનની ટકાવારી જે રીતે ઘટી છે તેના કારણે બીજા તબક્કાના મતદાનમાં નેતાઓ અને ઉમેદવારો અત્‍યારથી જ એલર્ટ થઇને દોડતા થઇ ગયા છે. સમગ્ર વિસ્‍તારમાં ફરીથી લોકસંપર્ક કરવો. પેજ પ્રમુખોને સક્રિય કરવા અને સમર્પિત મતદારોનો સંપર્ક કરીને તેમને મતદાન મથક સુધી લઇ જવાની કવાયતમાં લાગી ગયા છે. ચૂંટણી પંચ દ્વારા મોટાપાયે મતદાન વધારવા માટે ચલાવાયેલી ઝુંબેશની પણ કોઇ અસર દેખાઇ નથી. તે મતદાન પરથી સ્‍પષ્‍ટ થયું છે.

મતદારોની નારાજગીના સંભવિત કારણ

  •  ઉમેદવાર સામે નારાજગી
  •  મતદારોના કામ ન થવા
  •  મોંઘવારી
  •  બેરોજગારી
  •  પેપર લીંક
  •  નીતિઓ સામે રોષ
  •  ગ્રામ્‍ય અને આદિવાસી વિસ્‍તારના પ્રશ્‍નો ન ઉકેલવા
  •  ચૂંટાયેલા ઉમેદવારોની નિષ્‍ક્રિયતા
  •  સોશ્‍યલ મીડિયામાં નકારાત્‍મકતા
(11:06 am IST)