Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

હું તે પક્ષી છું, જેનો માળો કોઈ લઈ ગયું: રવીશ કુમાર

રવીશ કુમારે પોતે પોતાની યુટ્‍યુબ ચેનલ પર રાજીનામાની માહિતી આપી છે અને ભાવુક વિદાય સંબોધનમાં વિતેલા દિવસોને યાદ કર્યા છે

મુંબઇ,તા.૨: એનડીટીવી ચેનલના ગ્રુપ એડિટર અને સ્‍ટાર એન્‍કર રહેલા રવીશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પ્રણય રોય અને રાધિકા રોયે પહેલેથી જ NDTVની હોલ્‍ડિંગ કંપની RRPRમાંથી રાજીનામું આપી દીધું છે, ત્‍યારથી રવીશના રાજીનામા અંગે પણ અટકળો ચાલી રહી હતી. હવે રવીશ કુમારે પોતે પોતાની યુટ્‍યુબ ચેનલ પર રાજીનામાની માહિતી આપી છે અને ભાવુક વિદાય સંબોધનમાં વિતેલા દિવસોને યાદ કર્યા છે. એટલું જ નહીં, આ દરમિયાન તેણે એ પણ જણાવ્‍યું કે હવે તે યુટ્‍યુબ ચેનલ પર જ જોવા મળશે. આ દરમિયાન રવીશ કુમારે ટોણો મારતા કહ્યું કે, આજની સાંજ એવી સાંજ છે, જયાં પક્ષી પોતાનો માળો જોઈ શકતું નથી કારણ કે કોઈ અન્‍ય તે લઈ ગયું છે, પણ જયાં સુધી તે પક્ષી થાકી ન જાય ત્‍યાં સુધી આકાશ ચોક્કસપણે ખુલ્લું છે.

રવીશ કુમારે તેમની શરૂઆતની સફરથી લઈને આજ સુધીના દિવસોને યાદ કરતા કહ્યું કે, ‘NDTVમાં જ શક્‍ય છે કે કોઈ લેટર રીડર ગ્રુપ એડિટર બને, પરંતુ આજે હું રાજીનામું આપી રહ્યો છું.' પોતાના NDTV પ્રાઇમ ટાઈમ શો દ્વારા લોકપ્રિય બનેલા રવીશ કુમારે કહ્યું કે, ‘ભારતીય પત્રકારત્‍વમાં ક્‍યારેય સુવર્ણ યુગ નહોતો, પરંતુ આના જેવો ભસ્‍મ યુગ પણ નહોતો. આ દિવસ પણ આવવાનો હતો. મીડિયા ચેનલોની કોઈ કમી નથી, તેઓ પત્રકારત્‍વનો દાવો કરે છે. મીડિયા અને સરકાર પણ પોતાના પત્રકારત્‍વનો અર્થ તમારા પર થોપવા માગે છે. આ સમયે, હું મારી સંસ્‍થા વિશે કંઈ ખાસ કહેવા ઇચ્‍છતો નથી. કારણ કે તમે ભાવનાત્‍મકતામાં તટસ્‍થ રહી શકતા નથી.'

રવીશ કુમારે કહ્યું કે ‘મેં અહીં ૨૭ વર્ષ વિતાવ્‍યા છે અને આ સફરના પોતાના ઉતાર-ચઢાવ છે. હવે આ સ્‍મૃતિઓ મિત્રો વચ્‍ચે સાંભળવા અને વાંચવા માટે ઉપયોગી થશે. મને દરેક પાસેથી કંઈક ને કંઈક મળ્‍યું છે અને હું દરેકનો આભારી છું.'

વર્તમાન યુગના પત્રકારત્‍વ પર સવાલો ઉઠાવતા રવીશે કહ્યું હતું કે મારો વિશ્વાસ ઊંડો થઈ રહ્યો છે કે સિસ્‍ટમ ભલે ખતમ થઈ જાય, પરંતુ લોકો છે. એક દિવસ આ લોકો આના કરતાં વધુ સારી સિસ્‍ટમ બનાવશે. કેટલાક લોકો માને છે કે મીડિયા અને વિરોધને ખતમ કરીને જનતાને ખતમ કરી શકાય છે, પરંતુ તમે નફરતની ગુલામીમાંથી બહાર નીકળવાનો માર્ગ બનાવશો અને તમારે તે બનાવવો પડશે.

(10:44 am IST)