Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

‘એક પદ, એક વ્‍યક્‍તિ' ના સિદ્ધાંતની વિરૂદ્ધ જઇને કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજ્‍યસભામાં વિપક્ષના નેતા તરીકે ચાલુ રહી શકશે

મે મહિનામાં ચિંતન શિબીરમાં આ સિદ્ધાંત અમલમાં મુક્‍યો હતો

નવી દિલ્‍હીઃ ‘એક પદ, એક વ્‍યક્‍તિ'ના સિદ્ધાંતની વિરૂદ્ધ જઇને કોંગ્રેસના અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજ્‍યસભામાં વિપક્ષના નેતા તરીકે ચાલુ રહી શકશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે ચાલુ રહી શકે છે કારણ કે પાર્ટી હાલમાં તેમના સ્થાને શોધવા માટે સંઘર્ષ કરી રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની પાર્ટીની નીતિ હેઠળ રાજ્યસભામાં વિપક્ષના નેતા (રાજ્યસભામાં (Leader of Opposition in Rajya Sabha) પદ પરથી રાજીનામું આપ્યું હતું. જો ખડગે કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા બંને પદ જાળવી રાખશે તો તે કોંગ્રેસના ‘એક પદ, એક વ્યક્તિ’ના સિદ્ધાંતની વિરુદ્ધ હશે.

જ્યારે પાછલા દિવસોમાં અશોક ગેહલોત રાજસ્થાનના સીએમ સાથે કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવાની આશા રાખીને બેઠા હતા ત્યારે રાહુલ ગાંધીએ આ નીતિ જાળવી રાખવાનો આગ્રહ રાખ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે સોનિયા ગાંધીએ પાર્ટીના રણનીતિ જૂથની બેઠક બોલાવી છે. આ બેઠક માટે માત્ર ખડગે, જયરામ રમેશ અને રાજ્યસભાના કેસી વેણુગોપાલને આમંત્રણ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસે આ વર્ષે મે મહિનામાં તેના ઉદયપુર ચિંતન શિવિરમાં પાર્ટીમાં ‘એક વ્યક્તિ એક પદ’ના સિદ્ધાંતને અમલમાં મૂક્યો હતો. આ સિદ્ધાંતને કારણે ખડગેએ રાજીનામું આપવું પડ્યું હતું. રાજ્યસભામાં વિપક્ષના નેતા બનવા માટે કોંગ્રેસના ત્રણ નેતાઓના નામની ચર્ચા પણ કરવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતુ કે, પાર્ટીના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ, દિગ્વિજય સિંહ અથવા પ્રમોદ તિવારીમાંથી કોઈ એકને રાજ્યસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવી શકે છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાનો મામલો સામે આવ્યો ત્યારે પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાહેરમાં ‘એક વ્યક્તિ એક પદ’ના સિદ્ધાંતને લઈને નિવેદન આપ્યું હતું. જે બાદ રાજસ્થાનમાં નવા સીએમ બનાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જો કે, આને કારણે પાર્ટી રાજ્યમાં રાજકીય સંઘર્ષમાં ફસાઈ ગઈ અને અશોક ગેહલોત અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થઈ ગયા. મલ્લિકાર્જુન ખડગેના નામાંકન દરમિયાન અશોક ગેહલોતનું નામ પણ તેમના પ્રસ્તાવકોની યાદીમાં હતું.

(5:15 pm IST)