Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જે ખોટુ છે અને જે સત્‍ય છે તના માટે હું ફરીથી લડીશઃ દુષ્‍કર્મ પીડિતા બિલ્‍કીશ બાનોએ સુપ્રિમ કોર્ટમાં નિવેદન રજુ કર્યુ

અપરાધના આરોપીઓની સમય પૂર્વ રિહાઇને પડકાર્યા પછી નિવેદન

નવી દિલ્‍હીઃ બિલ્‍કીશ બાનોએ દુષ્‍કર્મ કેસ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં નિવેદન રજુ કર્યુ હતુ.

ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન સામૂહિક બળાત્કારની પીડિતા બિલકીશ બાનોએ સુપ્રીમ કોર્ટમાં તેમના સાથે થયેલા અપરાધના આરોપીઓની સમયપૂર્વ રિહાઈને પડકાર્યા પછી એક નિવેદન રજૂ કર્યું છે, ‘જે ખોટું છે અને જે સત્ય છે તેના માટે હું ફરીથી લડીશ’

2002ની તે ઘટના સમયે બાનો 21 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેમના 14 પરિજનો સાથે તેમની ત્રણ વર્ષની બાળકીને પણ હિંસા દરમિયાન મારી નાંખવામાં આવી હતી.

બાનોએ 2002ના સામૂહિક બળાત્કાર અને હત્યા કેસમાં આરોપીઓને સજામાં છૂટ આપવા તથા રિહા કરવાને પડકાત આપતા બુધવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે.

તેમણે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયની સમીક્ષાની પણ માંગ કરી છે, જેમાં ગુજરાત સરકારને ગુનેગારોની સજા અંગે નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી હતી.

તેમણે ગુરુવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, ‘મારા માટે એક વખત ફરીથી ઉભા થઈને ન્યાયનો દરવાજો ખટખટાવવાનો નિર્ણય સરળ ન હતો. મારા સમગ્ર પરિવાર અને મારા જીવનને બરબાદ કરનારા લોકોની મુક્તિ પછી હું લાંબા સમય સુધી આઘાતમાં હતી. હું મારા બાળકો, મારી પુત્રીઓ કોઇ જ આશા ન રહેવાના કારણે જડવત થઇ ગયા હતા.

બાનોએ કહ્યું કે તેના મૌન દરમિયાન તેને દેશના વિવિધ ભાગોમાંથી સમર્થનના અવાજો મળ્યા, જેણે તેને આશા આપી અને તેને અહેસાસ કરાવ્યો કે તે તેના દુઃખમાં એકલી નથી.

તેમણે ઉમેર્યું હતું કે તેમની પાસે આ સમર્થનનો અર્થ શું છે તેનું વર્ણન કરવા માટે તેમની પાસે શબ્દો નથી.

તેમણે કહ્યું કે દેશના જુદા જુદા ભાગોમાંથી મળેલા સમર્થનથી માનવતામાં તેમનો વિશ્વાસ ફરી પ્રસ્થાપિત થયો છે અને ન્યાયના વિચારમાં ફરીથી વિશ્વાસ કરવાની તેમની હિંમત જાગી છે.

બાનોએ કહ્યું, ‘તેથી, હું ફરી એકવાર ઊભી થઈશ અને શું ખોટું છે અને શું સાચું છે તેની સામે લડીશ. હું આજે આ મારા માટે મારા બાળકો માટે અને દરેક જગ્યાએ મહિલાઓ માટે કરી રહ્યો છું.

નોંધનીય છે કે ગુજરાતની ભાજપ સરકારે તેની માફી નીતિ હેઠળ 15 ઓગસ્ટના રોજ માફી આપ્યા બાદ બિલ્કીસ બાનો ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને 16 ઓગસ્ટે ગોધરામાં સબ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયોમાં જેલમાંથી બહાર આવ્યા બાદ બળાત્કાર અને હત્યાના દોષિત આ લોકોનું સ્વાગત મીઠાઈ ખવડાવીને અને હાર પહેરાવીને કરવામાં આવ્યું હતું. આ અંગે કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો. આ સિવાય સેંકડો મહિલા કાર્યકર્તાઓ સહિત 6,000 થી વધુ લોકોએ સુપ્રીમ કોર્ટમાં દોષિતોને માફ કરવાના નિર્ણયને રદ કરવા અપીલ કરી હતી.

નોંધનીય છે કે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના નેતા સુભાષિની અલી, સ્વતંત્ર પત્રકાર રેવતી લાલ અને લખનવ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપરેખા વર્માના દોષિતોની મુક્તિ વિરુદ્ધ PIL દાખલ કરવામાં આવી છે.

જ્યારે સર્વોચ્ચ અદાલતે આ સંદર્ભે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો, ત્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે દોષિતોને કેન્દ્રની મંજૂરીથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે કહ્યું હતું કે આ નિર્ણયને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હતી, પરંતુ CBI, સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ, મુંબઈ અને CBI કોર્ટે માફીનો વિરોધ કર્યો હતો.

તેના સોગંદનામામાં સરકારે જણાવ્યું હતું કે ‘તેમનુ (દોષિતોનું) વર્તન સારું હોવાનું જણાયું હતું’ અને તેઓને એ આધાર પર મુક્ત કરવામાં આવ્યા હતા કે તેઓએ ચૌદ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જો કે, ‘સારા વર્તન’ને કારણે મુક્ત કરાયેલા દોષિતોના નામે પેરોલ દરમિયાન ઘણા આરોપો નોંધાયા છે.

એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે 11માંથી કેટલાક દોષિતો પર ‘સ્ત્રીનું શીલ ભંગ કરવા’ માટે એફઆઈઆર નોંધવામાં આવી હતી જ્યારે તેઓ પેરોલ પર બહાર હતા અને પોલીસને બે ફરિયાદો પણ મળી હતી. તેના પર સાક્ષીઓને ધમકાવવાનો પણ આરોપ હતો.

આ દરમિયાન દોષિતોમાંના એક રાધેશ્યામ શાહે સજા માફી સામેની અરજીઓ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તે અરજીઓને ‘અવ્યવહારુ અને રાજકીય રીતે પ્રેરિત’ ગણાવી હતી.

આ જ રાધેશ્યામ શાહ પર થોડા દિવસ પહેલા કેસના મુખ્ય સાક્ષીને ધમકાવવાનો પણ આરોપ હતો. આ કેસના મુખ્ય સાક્ષી ઈમ્તિયાઝ ઘાંચીએ આ સંબંધમાં ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને પોતાના જીવને જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષાની માંગણી કરી હતી.

(5:17 pm IST)