Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ઇડીના ડિરેક્‍ટર સંજયકુમાર મિશ્રાના કાર્યકાળને બીજી વખત વધારવાના નિર્ણય સામે કોંગ્રેસ નેતા જયા ઠાકુરે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્‍યા

કેન્‍દ્ર સરકાર પોતાના રાજકીય વિરોધીઓ વિરૂદ્ધ અમલીકરણ એજન્‍સીઓનો દુરઉપયોગ કરે છે

નવી દિલ્‍હીઃ ઇડીના ડિરેક્‍ટર સંજયકુમાર મિશ્રાનો ત્રીજી વખત કાર્યકાળ વધારતા કોંગી નેતાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને ત્રીજી વખત વધારવાને પડકાત આપતા કોંગ્રેસ નેતા જયા ઠાકૂરે ગુરૂવારે ઉચ્ચતમ ન્યાયાલયનો દરવાજો ખખડાવ્યો.

તેમણે દલીલ આપી કે, વાંરવાર કાર્યકાળ વધારવાથી દેશની લોકતાંત્રિક પ્રક્રિયા નષ્ટ થઇ રહી છે. અરજીમાં તે પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર પોતાના રાજકીય વિરોધીઓ વિરૂદ્ધ અમલીકરણ એજન્સીઓનો દુરપયોગ કરીને લોકશાહીના પ્રાથમિક માળખાને નષ્ટ કરી રહી છે.

એડવોકેટ્સ વરુણ ઠાકુર અને શશાંક રત્નુ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મિશ્રાના કાર્યકાળનો વિવાદિત વિસ્તાર દેશની લોકશાહી પ્રકર્યાને નષ્ટ કરી રહ્યું છે, તેથી આ રિટ અરજી દાખલ કરવામાં આવી છે, જેને ન્યાયના હિતમાં સ્વીકારી શકાય છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે મિશ્રાના કાર્યકાળને વધુ લંબાવવામાં આવશે નહીં, પરંતુ કેન્દ્ર સરકારે તેમને 17 નવેમ્બર, 2021 થી 17 નવેમ્બર, 2022 સુધી બીજી વખત એક્સટેન્શન આપ્યું. આ પછી તેણે અરજી દાખલ કરી જેના પર નોટિસ જારી કરવામાં આવી.

પિટિશનમાં જણાવાયું છે કે આ રિટ પિટિશનની પેન્ડન્સી દરમિયાન પ્રતિવાદી નંબર 1એ (કેન્દ્ર સરકાર) પ્રતિવાદી નંબર 2ને (મિશ્રા) 18મી નવેમ્બર 2022 થી 18મી નવેમ્બર, 2023 સુધી ત્રીજું એક્સટેન્શન મંજૂર કર્યું હતું, જે દર્શાવે છે કે પ્રતિવાદી નંબર 1ને નિયમ અને કાયદાનું સન્માન નથી.

અગાઉ 18 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એસ કે કૌલે ED ડિરેક્ટરના કાર્યકાળને પાંચ વર્ષ સુધી લંબાવવાના સંશોધિત કાયદાને પડકારતી અરજીઓની સુનાવણીમાંથી પોતાને દૂર કર્યા હતા.

નોંધનીય છે કે તેના એક દિવસ પહેલા જ સંજય કુમાર મિશ્રાને ED ચીફ તરીકે ફરી એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

કૉંગ્રેસના નેતાઓ રણદીપ સિંહ સુરજેવાલા અને જયા ઠાકુર, તૃણમૂલ કૉંગ્રેસના મહુઆ મોઇત્રા અને સાકેત ગોખલે દ્વારા દાખલ કરાયેલી અરજીઓ સહિતની અરજીઓ સુનાવણી માટે બેન્ચ સમક્ષ આવી હતી.

કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર આદેશ અનુસાર, મિશ્રા 1984 બેચના ભારતીય રેવન્યુ સર્વિસ (IRS) અધિકારીને 18 નવેમ્બર, 2023 સુધી એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

61 વર્ષિય મિશ્રા આવકવેરા કેડરમાં 1984 બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી છે અને 19 નવેમ્બર 2018 ના રોજ ઓર્ડર દ્વારા બે વર્ષના સમયગાળા માટે ED ડિરેક્ટર તરીકે પ્રથમ વખત નિમણૂંક કરવામાં આવી હતી.

પાછળથી 13 નવેમ્બર 2020 ના રોજના કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વદર્શી અસરથી નિમણૂંક પત્રમાં સુધારો કરવામાં આવ્યો હતો અને તેમનો બે વર્ષનો કાર્યકાળ બદલીને ત્રણ વર્ષ કરવામાં આવ્યો હતો.

કેન્દ્રના આ 2020ના આદેશને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો, જેણે એક્સ્ટેંશનના આદેશને સમર્થન આપ્યું હતું, પરંતુ ઉમેર્યું હતું કે મિશ્રાને વધુ એક્સ્ટેંશન આપી શકાય નહીં.

જસ્ટિસ એલ. નાગેશ્વર રાવની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટતા કરી હતી કે નિવૃત્તિની વય પ્રાપ્ત કરી ચૂકેલા અધિકારીઓના કાર્યકાળને વિસ્તરણ દુર્લભ અને અસાધારણ કિસ્સાઓમાં થવો જોઈએ. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે મિશ્રાને વધુ સર્વિસ એક્સટેન્શન આપી શકાય નહીં.

જોકે, સરકારે નવેમ્બર 2021માં બે વટહુકમ બહાર પાડ્યા હતા જેમાં જણાવ્યું હતું કે ED અને CBIના ડિરેક્ટરનો કાર્યકાળ હવે બે વર્ષના ફરજિયાત કાર્યકાળ પછી ત્રણ વર્ષ સુધી લંબાવી શકાય છે.

વટહુકમ જણાવે છે કે બંને કિસ્સાઓમાં નિર્દેશકોને તેમની નિમણૂંકો માટે રચાયેલી સમિતિઓની મંજૂરી પછી ત્રણ વર્ષ માટે એક વર્ષનું એક્સ્ટેન્શન આપવામાં આવી શકે છે, ત્યારબાદ મિશ્રાને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.

ઉલ્લેખનિય છે કે સંજય કુમાર મિશ્રા વિપક્ષના નેતાઓ વિરૂદ્ધ મની લોન્ડરિંગના અનેક મામલામાં પણ તપાસ કરી રહ્યા છે. 2020માં તેમના વિસ્તરણ સમયે ધ વાયરે એક અહેવાલમાં જણાવ્યું હતું કે મિશ્રાના નેતૃત્વ હેઠળની ED દ્વારા વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓને સંડોવતા ઓછામાં ઓછા 16 કેસોની તપાસ કરવામાં આવી રહી છે.

(5:20 pm IST)