Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

સગીરનું યૌન શોષણ એ સમાજ સામે ગુનો: શું બંને પક્ષે સમજુતીથી કેસ રદ કરી શકાય? સુપ્રીમકોર્ટ કરશે સુનવણી

 કોર્ટે કહ્યું રાજસ્થાન હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર વિગતવાર સુનાવણી કરો

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સગીરનું યૌન શોષણ એ સમાજ સામે ગુનો છે. આવી સ્થિતિમાં તે જોવાનું રહેશે કે શું બંને પક્ષો વચ્ચેની સમજૂતીના આધારે જ તેનો કેસ રદ કરી શકાય છે. કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર વિગતવાર સુનાવણી કરવા જણાવ્યું છે. આ કેસમાં હાઈકોર્ટે અનુસૂચિત જાતિના સગીર વિદ્યાર્થીની સાથે અભદ્ર કૃત્યના આરોપી શિક્ષક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરી હતી.

આ વર્ષે 6 જાન્યુઆરીએ સવાઈ માધોપુરની એક સરકારી શાળાના શિક્ષક વિમલ કુમાર ગુપ્તા પર 11મા ધોરણની વિદ્યાર્થીનીએ અભદ્ર વર્તનનો આરોપ લગાવ્યો હતો. આ પછી તે તેના પિતા સાથે ગઇ અને સદર પોલીસ સ્ટેશન ગંગાપુર સિટીમાં IPC, POCSO એક્ટ અને SC/ST એક્ટની કલમો હેઠળ FIR નોંધાવી. વિદ્યાર્થીનીએ સીઆરપીસીની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ પણ આ જ નિવેદન આપ્યું હતું. પરંતુ પોલીસે આરોપીની ધરપકડ કરી ન હતી.

ઘટનાના 25 દિવસ બાદ આરોપી શિક્ષકે પીડિત યુવતી અને તેના પરિવાર સાથે રૂ.500ના સ્ટેમ્પ પેપર પર સમજોતા કરાર લખાવી લીધો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે અસમંજસમાંથી પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રામજનોએ તેને ફરિયાદ કરવા માટે ઉશ્કેર્યો હતો. હવે ફરિયાદ પક્ષ કોઈ કાર્યવાહી કરવા ઈચ્છતો નથી. આ કરારના આધારે આરોપીઓએ એફઆઈઆર રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. 4 ફેબ્રુઆરી 2022ના રોજ હાઈકોર્ટે CrPCની કલમ 482 હેઠળની સત્તાના આધારે FIR રદ કરી હતી. હાઈકોર્ટે માત્ર એટલું જ કહ્યું હતું કે અરજદાર કાનૂની સેવા સત્તામંડળમાં 20,000 રૂપિયા જમા કરાવી દે.

આ વિરુદ્ધ ગંગાપુર શહેરના એક વકીલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. જસ્ટિસ અજય રસ્તોગી અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે આ કેસની ટૂંકી સુનાવણી દરમિયાન સ્વીકાર્યું હતું કે કલમ 32 રિટ પિટિશન હેઠળ ફોજદારી મામલામાં થર્ડ પાર્ટી પિટિશનની સુનાવણી કરવી તે તકનીકી રીતે યોગ્ય નથી. પરંતુ ન્યાયાધીશોએ કહ્યું કે આ મામલાના મહત્વને ધ્યાનમાં રાખીને તેઓ તેને કલમ 136 હેઠળ વિશેષ અનુમતિ અરજીમાં પરિવર્તિત કરીને સુનાવણી કરશે. ન્યાયાધીશોએ આ મામલે જાન્યુઆરીમાં સુનાવણી કરવાનું કહ્યું છે.

જસ્ટિસ રસ્તોગીએ કહ્યું, “જઘન્ય અપરાધને સમાજ વિરૂદ્ધ ગુનો ગણવામાં આવે છે. બે પક્ષો બંધ દરવાજા પાછળ બેસીને કેવી રીતે કેસનો ઉકેલ લાવી શકે?” અગાઉ 2012માં ‘જ્ઞાન સિંહ વિરુદ્ધ પંજાબ રાજ્ય’ના કેસમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે જઘન્ય અપરાધની સુનાવણી સમાધાનના આધારે સમાપ્ત થઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઈકોર્ટ પાસે CrPC 482 હેઠળ FIR રદ કરવાની સત્તા છે. પરંતુ ફરિયાદી અને આરોપી વચ્ચેના કરારના આધારે ગંભીર કેસોમાં તેનો ઉપયોગ કરી શકાતો નથી.

(8:21 pm IST)