Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

PM ૨૧ વખત વિદેશ ગયા : જયશંકરે ૮૬ ટ્રિપ કરી : ૪૩ કરોડથી વધુનો ખર્ચ

વડાપ્રધાનની મુલાકાત પાછળ રૃા. ૨૨,૭૬,૭૬,૯૩૪નો ખર્ચ થયો : વિદેશ મંત્રી એસ જયશંકરની વિદેશયાત્રાનો ૨૦,૮૭,૦૧,૪૭૫ રૃપિયાનો ખર્ચ થયો હતો

નવી દિલ્હી તા. : સરકારે ગુરૃવારે સંસદમાં ટોચના નેતાઓની વિદેશ યાત્રાઓ પર થયેલા ખર્ચની વિગતો રાખી હતી. દરમિયાન, સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૨૦૧૯ થી, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૧ વિદેશ યાત્રાઓ કરી છે જેના પર ૨૨.૭૬ કરોડ રૃપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. વિદેશ રાજય મંત્રી વી મુરલીધરને રાજયસભામાં બજેટ સત્રની કાર્યવાહી દરમિયાન એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિએ ૨૦૧૯ થી આઠ વિદેશ પ્રવાસો કર્યા છે જેના પર .૨૪ કરોડ રૃપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.

મુરલીધરને માહિતી આપી હતી કે ૨૦૧૯ થી, સરકારે રાષ્ટ્રપતિની મુલાકાત માટે ,૨૪,૩૧,૪૨૪ રૃપિયા, વડાપ્રધાનની મુલાકાત માટે ૨૨,૭૬,૭૬,૯૩૪ રૃપિયા અને વિદેશ મંત્રીની મુલાકાત માટે ૨૦,૮૭,૦૧,૪૭૫ રૃપિયા ખર્ચ કર્યા છે.

મુરલીધરને કહ્યું કે ૨૦૧૯ થી, રાષ્ટ્રપતિએ આઠ વિદેશ પ્રવાસો કર્યા, જયારે વડા પ્રધાને ૨૧ અને વિદેશ પ્રધાન એસ જયશંકરે ૮૬ વિદેશ પ્રવાસો કર્યા. ૨૦૧૯ થી, વડા પ્રધાન મોદી ત્રણ વખત જાપાન, બે વાર યુએસ અને એક વખત સંયુકત આરબ અમીરાતની મુલાકાત લઈ ચૂકયા છે. રાષ્ટ્રપતિની આઠ મુલાકાતોમાંથી સાત મુલાકાતો રામ નાથ કોવિંદ દ્વારા લેવામાં આવી હતી જયારે વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગયા સપ્ટેમ્બરમાં યુકેની મુલાકાત લીધી હતી.

અગાઉ, કેનેડામાં ભારતીયો વિરુદ્ઘ દ્વેષપૂર્ણ ગુનાઓ અને સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ પર સરકારના વલણના જવાબમાં, વિદેશ રાજય મંત્રી વી. મુરલીધરને કહ્યું હતું કે કેનેડામાં ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારી તેની પ્રાથમિકતા છે. 'કેનેડામાં ભારતીય મિશનો અને કોન્સ્યુલેટ ભારતીય સમુદાય સાથે સતત સંપર્ક જાળવી રાખે છે, જેમાં તેમની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવાનાં પગલાં લેવાનો સમાવેશ થાય છે,' તેમણે કહ્યું.

મુરલીધરને જણાવ્યું હતું કે, 'મંત્રાલય અને કેનેડામાં અમારા મિશન અને કોન્સ્યુલેટ નિયમિતપણે ભારતીય સમુદાયને સંડોવતા કોઈપણ અપ્રિય ઘટનાને લગતા મુદ્દાઓ સંબંધિત કેનેડિયન સત્તાવાળાઓ સાથે ઉઠાવે છે અને ગુનેગારોની યોગ્ય તપાસ, ઓળખ અને અટકાયત સુનિશ્ચિત કરવા માટે તેમનો સહયોગ માંગે છે.'(૨૧.)

(11:01 am IST)