Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

હવે સસ્‍તો મળશે ઘઉંનો લોટ : કેન્‍દ્ર સરકારની મોટી જાહેરાત

સરકારી આઉટલેટ પર ઉપલબ્‍ધ કરાશે : મોબાઇલ વેન દ્વારા વેચાશે લોટ : ૬ ફેબ્રુઆરીથી ૨૯.૫૦ પ્રતિ કિલોનો ભાવ થશે લાગુ

નવી દિલ્‍હી તા. ૩ : કેન્‍દ્ર સરકારે ઘઉંના વધતા ભાવથી સામાન્‍ય માણસને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી છે. સરકારે નિર્ણય લીધો છે કે હવે ઓછ ભાવે સરકારી આઉટલેટ જેમ કે કેન્‍દ્રીય ભંડારો પર લોટ મળી શકશે. કેન્‍દ્રીય ભંડાર પર ઘઉંનો લોટ ફક્‍ત ૨૯.૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. આ લોટ ભારત આટા બ્રાન્‍ડનો હશે. અત્રે જણાવવાનું કે ખાદ્ય સચિવ સંજીવ ચોપડા તરફથી લોટના વધતા ભાવની સમીક્ષા કરાઈ હતી અને ત્‍યારબાદ આ નિર્ણય લેવાયો છે અને લોટનો સપ્‍લાય વધારવા માટે નિર્દેશ અપાયા છે. ખાદ્ય સચિવે એમ પણ કહ્યું કે લોકો સુધી લોટ મોબાઈલ વાન દ્વારા પહોંચાડવામાં આવશે. આ માટે વ્‍યવસ્‍થા કરાશે. ખાદ્ય સચિવના જણાવ્‍યાં મુજબ બોલ્‍ડ અક્ષરે નામ અને ભાવ લખવાનું રહેશે. ૬ ફેબ્રુઆરીથી NCCF અને NAFED પણ આ દરે ઘઉંનો લોટ વેચશે.

અત્રે જણાવવાનું કે કેન્‍દ્ર સરકારે ૨૩.૫૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે સહકારી સમિતિઓ, સરકારી પીએસયુ, સંઘો જેમ કે કેન્‍દ્રીય ભંડાર, NAFED અને NCCF ને ૩ લાખ ટન ઘઉંનો લોટ બનાવવા માટે રિઝર્વ કરી છે. સરકારી આઉટલેટ પર ભારત આટા વધુમાં વધુ ૨૯.૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી શકાશે.

નોંધનીય છે કે ખાદ્ય સચિવે કેન્‍દ્રીય ભંડાર, NAFED, FCI અને NCCF સાથે મુલાકાત કરી. ત્‍યારબાદ તેમણે નિર્ણય લીધો કે કે FCI ડેપોથી આ સંસ્‍થાન ૩ લાખ મેટ્રિક ટન સુધી ઘઉં ઉઠાવશે. ત્‍યારબાદ આ ઘઉંનો લોટ તૈયાર કરાશે. પછી ગ્રાહકોને અલગ અલગ રિટેલ દુકાનો અને મોબાઈલ વાન દ્વારા લોટ ૨૯.૫૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચવામાં આવશે.

અત્રે જણાવવાનું કે ઘઉંના ભાવ ઓછા કરવા માટે કેન્‍દ્ર સરકારે ઘઉંની હરાજી શરૂ કરી દીધી છે. ૨૨ રાજયોમાં હરાજીના પહેલા દિવસે ૮.૮૮ લાખ મેટ્રિક ટન ઘઉં વેચાયા. ગુરૂવારે રાજસ્‍થાનમાં પણ બોલી લગાવવામાં આવી. માર્ચ મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં સમગ્ર દેશમાં દર બુધવારે ઈ-હરાજી દ્વારા ઘઉંનું વેચાણ થશે

 

(3:27 pm IST)