Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

સંસદમાં અદાણી મામલે ધમાલ : બંને ગૃહ ઠપ્‍પ

વિપક્ષે JPC તપાસની માગ કરવાના નારા લગાવ્‍યા

નવી દિલ્‍હી તા. ૩ : અદાણીના નામે સંસદમાં  મહાભારત ચાલુ છે. આજે પણ બંને ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો મચાવ્‍યો હતો. સૂત્રોચ્‍ચાર વચ્‍ચે લોકસભા અને રાજયસભાની  સોમવાર સુધી કાર્યવાહી સ્‍થગિત કરવામાં આવી હતી. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની માર્કેટ વેલ્‍યુ સતત ઘટી રહી છે. આ મામલે વિપક્ષે એક થઈને ચક્રો ગતિમાન કર્યા છે. રાજયસભામાં વિપક્ષના નેતા અને વિપક્ષી પાર્ટીઓના ફલોર લીડર્સ કોંગ્રેસ અધ્‍યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ચેમ્‍બરમાં મળ્‍યા હતા. આમાં વધુ વ્‍યૂહરચના બનાવવામાં આવી હતી. વિપક્ષ આ અંગે સંસદમાં ચર્ચાની માંગ કરી રહ્યું છે. વિપક્ષના સભ્‍યોએ લોકસભા અને રાજયસભામાં ગૌતમ અદાણી સંબંધિત મુદ્દા પર ચર્ચા માટે નોટિસ આપી હતી.

આજે પણ સંસદમાં વિપક્ષ હોબાળો કર્યો છે. આ ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, BBC ડોક્‍યુમેન્‍ટરી અને ભારત-ચીન સરહદ વિવાદ મામલે પણ વિપક્ષની પાર્ટીઓ સરકારનો ઘેરાવ કર્યો હતો, સાથે જ સરકારનું કહેવું છે કે વિપક્ષ જે પણ મુદ્દા પર ચર્ચા કરવા માગે છે એના માટે અમે તૈયાર છીએ.

રાજયસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર નિશાન સાધ્‍યું હતું. તમામ પક્ષોના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે આર્થિક દૃષ્ટિકોણથી દેશમાં બની રહેલી ઘટનાઓ પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ, જેથી અમે નોટિસ આપી હતી. અમે આ નોટિસ પર ચર્ચા ઇચ્‍છતા હતા, પરંતુ જયારે પણ અમે નોટિસ આપીએ છીએ ત્‍યારે એને ફગાવી દેવામાં આવે છે.

અદાણી ગ્રુપ પર હિંડનબર્ગ રિસર્ચના આરોપો મામલે કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, એસપી, ડીએમકે, જનતા દળ અને ડાબેરીઓ સહિત ૧૩ વિપક્ષી પાર્ટીએ બેઠક કરી હતી. આ બેઠક રાજયસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્‍બરમાં થઈ હતી. તેમાંથી ૯ પક્ષે રાજયસભામાં સ્‍થગિત પ્રસ્‍તાવની નોટિસ આપી હતી. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે લોકોના પરસેવાના રૂપિયા બરબાદ કરવામાં આવી રહ્યો છે. લોકોને બેંક અને LIC પર વિશ્વાસ નહીં રહે.

સીપીઆઈના સાંસદ ઈલામારામ કરીમે રાજયસભામાં નિયમ ૨૬૭ હેઠળ અદાણી જૂથ સામે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરાયેલા આરોપો પર ચર્ચાની માંગ કરતી નોટિસ આપી છે. શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ LIC, SBI વગેરેના હોલ્‍ડિંગ્‍સના વધુ પડતા એક્‍સપોઝરની કથિત ઘટનાઓના પ્રકાશમાં તાત્‍કાલિક જાહેર મહત્‍વની બાબતની ચર્ચા કરવા નિયમ ૨૬૭ હેઠળ રાજયસભામાં સસ્‍પેન્‍શન ઓફ બિઝનેસ નોટિસ આપી છે.

 

(4:03 pm IST)