Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

આસામમાં બાળ લગ્ન મામલે અત્‍યાર સુધીમાં ૧૮૦૦ લોકોની ધરપકડ રાજ્‍યમાં બાળ લગ્નના ૪૦૦૪ કેસ નોંધાયા

લગ્નમાં શામેલ થનારની પણ ખેર નહીં

ગુવાહાટી, તા.૩: આસામ પોલીસે રાજ્‍યમાં બાળ લગ્નના મામલામાં ગુરુવારથી કાર્યવાહી તેજ કરી હતી. જણાવી દઈએ કે પોલીસે અત્‍યાર સુધીમાં ૧૮૦૦ લોકોની ધરપકડ કરી છે અને આસામના મુખ્‍યમંત્રી હિમંતા બિસ્‍વા સરમાએ પોતે આ જાણકારી આપી છે. જો કે આ પહેલા આસામના સીએમએ કહ્યું હતું કે રાજ્‍યમાં બાળ લગ્નના ૪૦૦૪ કેસ નોંધાયા છે. આસામના મુખ્‍યપ્રધાન હિમંતા બિસ્‍વા સરમાએ ગુરુવારે કહ્યું હતું કે તેમની સરકાર રાજ્‍યમાં બાળ લગ્નને સમાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે, એટલું જ નહીં આ મામલામાં ૩ ફેબ્રુઆરીથી કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે.

જણાવી દઈએ કે હિમંતા બિસ્‍વા સરમાએ ટ્‍વિટ કરીને જણાવ્‍યું હતું કે પોલીસ રાજ્‍યમાં બાળ લગ્નના ૪૦૦૪ કેસ નોંધ્‍યા કર્યા છે અને  ૩ ફેબ્રુઆરીથી પોલીસ કાર્યવાહી શરૂ થશે. આ માટે હું સૌને સહકાર માટે અપીલ કરું છું. નોંધનીય છે કે ગયા મહિને જ આસામ કેબિનેટે બાળ લગ્ન સામે પગલાં લેવાનો નિર્ણય લીધો હતો અને આ બાબતોમાં સહકાર માંગ્‍યો હતો. આ સાથે જ સરકારે ૧૪ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરનારા પુરૂષો સામે POCSO એક્‍ટ હેઠળ કાર્યવાહી કરવાના પ્રસ્‍તાવને પણ મંજૂરી આપી દીધી છે.

આસામના સીએમ હિમંતા બિસ્‍વા સરમાએ આ વિશે કહ્યું હતું કે, આવનાર ૫-૬ મહિનામાં આવા હજારો લોકોની ધરપકડ કરવામાં આવશે કારણ કે ૧૪ વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે સેક્‍સ કરવું એ ગુનો છે, પછી ભલે તે કાયદેસરનો પતિ હોય.  મહિલા માટે લગ્નની કાયદેસરની ઉંમર ૧૮ વર્ષ છે અને સગીર વયની છોકરીઓ સાથે લગ્ન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને આ માટે આજીવન કેદની સજા થઈ શકે છે.

નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વેના રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું હતું કે આસામમાં માતા અને બાળ મળત્‍યુ દર ઘણો ઊંચો છે. તેનું એક મુખ્‍ય કારણ બાળ લગ્ન છે. જણાવી દઈએ કે આ રિપોર્ટ પછી રાજ્‍ય સરકારે બાળ લગ્ન કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્‍યો હતો અને પોલીસને બાળ લગ્નની પ્રથા સામે ઝુંબેશ ચલાવવા માટે પણ કહેવામાં આવ્‍યું હતું.

(4:03 pm IST)