Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

હિંડનબર્ગ રિપોર્ટનો દરેક શબ્‍દ ગૌતમ અદાણીને ૨૭ કરોડ રૂપિયામાં પડ્‍યો

૬ જ દિવસમાં પોણાનવ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું: એમ્‍બ્‍યુલન્‍સના બૅક ડ્રાઇવરે મસમોટા અદાણી ગ્રુપને આઇસીયુમાં જ ધકેલી દીધું

અમદાવાદ, તા.૩: અદાણીની આફત વધતી જાય છે. શૅરના ભાવ રોજેરોજ તૂટી રહ્યા છે. વિદેશમાં જારી કરવામાં આવેલા બૉન્‍ડની હાલત ખરાબ થઈ રહી છે. સેબી પછી હવે રિઝર્વ બૅન્‍કે પણ તપાસ શરૂ કરી દીધી છે. ૨૦,૦૦૦ કરોડના વિક્રમી ફૉલોઑન ઇશ્‍યુની વાત જ થાય એવી નથી. રાતોરાત ધનપતિઓની ફૅન-ક્‍લબ ઊભી કરીને જે ભરણું ગણતરીના કલાકોમાં સફળ બનાવી દેવાયું હતું એને વળતા દિવસે રાતના અંધારામાં રદબાતલ કરાયું છે (કે પછી કરવું પડ્‍યું છે).

હિંડનબર્ગે એક જ રિપોર્ટમાં છઠ્ઠીનું ધાવણ યાદ અપાવી દીધું છે. ગ્રુપના શૅરો સતત ૬ દિવસથી ગગડતા જાય છે. એમાં કુલ મળીને ૮.૭૬ લાખ કરોડ રૂપિયા (એટલે કે કમસે કમ ૧૦૭ અબજ ડૉલર) સાફ થઈ ગયા છે. હિંડનબર્ગ રિસર્ચનો ફાઉન્‍ડર નૅથન ઍન્‍ડરસન એક સમયે ઇઝરાયલમાં ઍમ્‍બ્‍યુલન્‍સ વૅન ચલાવતો હતો. મતલબ કે ઍમ્‍બ્‍યુલન્‍સ વૅનના એક ડ્રાઇવરે આખેઆખા અદાણી ગ્રુપને હાલમાં તો આઇસીયુમાં ધકેલી દીધું છે. હિંડનબર્ગનો રિપોર્ટ ૧૨૯ પાનાંનો હતો. કહેવાય છે કે એમાં આશરે ૩૨,૦૦૦ શબ્‍દો હતા. અર્થાત્‌ રિસર્ચ રિપોર્ટનો પ્રત્‍યેક શબ્‍દ ગૌતમબાબુને લગભગ સવાસત્તાવીસ કરોડ રૂપિયામાં પડ્‍યો છે અને એ પણ હાલની તારીખે.

બહુ ઈમાનદારીથી કહું છું. આટલી હદે ખરાબી થશે એની કલ્‍પના અમને નહોતી. એમ લાગતું હતું કે બે ચાર દિવસના ઉત્‍પાત પછી બધું થાળે પડી જશે. ખાસ કરીને એફપીઓ ભરાઈ ગયો ત્‍યારે તો બધા મોઢામાં આંગળાં નાખતા રહી ગયા હતા. જે શૅર બજારમાં છૂટથી ૨૯૭૫માં મળતો હોય એને ૩૨૭૬માં લેવા માટે લોકો (મોટા એચએનવન અને ધનપતિઓ એમ વાંચો) લાઇનો લગાવી દે એ ભારે કહેવાય. ભરણું સવાગણું છલકાયેલું બતાવી અદાણીએ રીતસરના બધાને ચોંકાવી દીધા હતા. જોકે એના પછીના દિવસે કોણ જાણે શું થયું કે ક્રેડિટ સ્‍વિસ અને સિટી ગ્રુપ તરફથી અદાણીના ડૉલર બૉન્‍ડ સામે માર્જિન લોન આપવાનું બંધ કરાયું.

ફૉર્બ્‍સ'માં ફૉલોઑન ઇશ્‍યુ ભરાયો એની પાછળના તાણાવાણાની વાતો -સિદ્ધ થઈ અને મોડી રાતે અદાણી તરફથી ઇશ્‍યુ પાછા ખેંચી લેવામાં આવ્‍યો હોવાની જાહેરાત આવી. એ દરમ્‍યાન વિદેશી બજારોમાં અદાણી ગ્રીન, અદાણી પોર્ટ્‍સ તથા અદાણી ઇલેક્‍ટ્રિસિટીના ડૉલર બૉન્‍ડના ભાવ ફરીથી લથડી ગયા. ૩૦-૩૨ ટકાના યીલ્‍ડ થઈ ગયા, જે અતિજોખમી કૅટેગરીમાં આવે છે. બાય ધ વે, બૉન્‍ડના બજારભાવ તૂટે એટલે યીલ્‍ડ વધે એટલી વાત યાદ રાખજો. ઊંચું યીલ્‍ડ સારી વાત છે, પરંતુ યીલ્‍ડ જ્‍યારે અતિશય ઊંચે જાય ત્‍યારે જે-તે બૉન્‍ડમાંનું રોકાણ ભારે જોખમી બની ગયું હોવાના સ્‍પષ્ટ સંકેત મળે છે.

દરમ્‍યાન આ લખાય છે ત્‍યારે ફ્રૅન્‍કફર્ટ ખાતે અદાણી ગ્રીનના ૪.૩૭૫ ટકા વ્‍યાજવાળા ડૉલર બૉન્‍ડનો ભાવ બુધવારના ૭૮.૯ ડૉલરથી ૨૦ ટકા તૂટીને ૬૩.૧ ડૉલર ક્‍વોટ થતો હતો અને આ સેલર્સ રેટ હતો. બાયરનો ક્‍વોટ તો ૫૯.૯ ડૉલરનો હતો. આમ ૪૦-૪૫ ટકાનું યીલ્‍ડ થયું. આ બૉન્‍ડ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪માં પાકે છે અને એના પરના વ્‍યાજની ચુકવણીનો હપ્તો માર્ચમાં પાકે છે. અદાણી પોર્ટ્‍સના બૉન્‍ડની પણ આવી હાલત છે.

ઘરઆંગણે શૅરના ભાવ અને વિદેશોમાં બૉન્‍ડના ભાવમાં ખુવારીનું આ ચક્ર અદાણીને બહુ ભારે પડવા માંડ્‍યું છે. ગ્રુપનું લિવરેજ ઘણું ઊંચું છે. અર્થાત્‌ કમાણી એક રૂપિયાની છે તો સામે દેવું ૧૦-૨૦ ગણું કે એથીય વધુ કરી નાખ્‍યું છે. શૅર તેમ જ બૉન્‍ડના ભાવના કડાકાથી નવી લોન મેળવવાનું અને જૂની લોન ચૂકવવા નવી ઉધારી કરવાનું મુશ્‍કેલ બને છે. ચિઠ્ઠીનું ચક્કર તૂટવાનાં એંધાણ છે અને આવાં બંધાણ શૅર-બૉન્‍ડના ભાવમાં નવી ખરાબીનું કારણ બની રહ્યાં છે. ખરેખર ગૌતમબાબુ એક વિષચક્રમાં ફસાયા છે. જે માણસ આજથી ૭ દિવસ પહેલાં વિશ્વના ટોચના ત્રણ ધનકુબેરોમાં સામેલ થવાની હેસિયતથી મહાલતા હતા તેઓ માત્ર ૬ દિવસમાં ટૉપ-૧૦ તો ઠીક, ટૉપ-૧૫માં પણ નથી. વર્લ્‍ડનું છોડો, રિચેસ્‍ટ એશિયનનું સ્‍ટેટસ પણ જતું રહ્યું છે. ખુવારી વધશે. કોઈ ચમત્‍કાર જ આ માણસને ઉગારી શકે છે અને લાગે છે કે ચમત્‍કાર થશે. કેમ કે આ ન્‍યુ ઇન્‍ડિયા છે. ચમત્‍કાર માટે આટલો અવકાશ અગાઉ કયારેય નહોતો.

બજારમાં હાલમાં અનેક પડીકાં ફરી રહ્યાં છે, જેમાંથી એક છે અદાણીની ખરાબી પાછળ કટ્ટર હરીફનો હાથ! યસ, ઇશારો મુકેશ અંબાણી માટે કરવામાં આવ્‍યો છે. જોકે આ મામલે ત્રણ જ જણ જાણે છે; અદાણી, અંબાણી અને ઈશ્વર! બાકી બધું અફવા. પરંતુ જેનું પણ આ કામ હોય તેના કૅલિબર કે આવડતને સલામ કરવી પડે, દિલથી, કેમ કે અદાણી જેવી હસ્‍તીને આજના સમયમાં માત્ર એક સપ્તાહમાં આટલી હદે લાવી દેવા એ ખેલ કંઈ નાનોસૂનો તો નથી જ નથી. એટલે જો આ આખું પ્રકરણ એક ખેલ હોય તો એના ખેલાડીને સૅલ્‍યુટ તો કરવી જ પડે યાર..

 

(4:05 pm IST)