Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ૨૨માં નંબરે શેર ૬૦% સુધી લપસ્‍યા

થોડા સમય પહેલા તે વિશ્વના અમીરોની યાદીમાં ત્રીજા નંબરે હતાઃ હવે તે ટોપ ૨૦માં પણ નથી : ગૌતમ અદાણીએ એક જ દિવસમાં લગભગ $10 બિલિયનનું નુકસાન કર્યુ છે

નવી દિલ્‍હી, તા.૩: બ્‍લૂમબર્ગના બિલિયોનેર ઈન્‍ડેક્‍સ અનુસાર, ગૌતમ અદાણી ટોપ ૨૦ અમીરોની યાદીમાંથી બહાર થઈ ગયા છે અને હાલમાં તેઓ ૨૨માં નંબરે પહોંચી ગયા છે. ગૌતમ અદાણીએ એક જ દિવસમાં લગભગ $૧૦ બિલિયનનું નુકસાન કર્યું છે. બીજી તરફ, ફેસબુકના સંસ્‍થાપક ઝકરબર્ગની સંપત્તિમાં ૧૨.૫ અબજ ડોલરનો વધારો થયો છે અને તેઓ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ૧૩મા સ્‍થાને પહોંચી ગયા છે.

સપ્‍ટેમ્‍બરમાં અદાણીની નેટવર્થ $૧૫૫.૭ બિલિયન હતી. સોમવારે નેટવર્થ $૯૨.૭ બિલિયન હતું. ડિસેમ્‍બર સુધી, અદાણી વિશ્વના ટોચના અમીરોમાં એકમાત્ર અમીર હતા જેમની સંપત્તિમાં તે વર્ષે ઉછાળો આવ્‍યો હતો. અદાણી હવે વિશ્વના સૌથી ધનિકોમાં ૨૨મા નંબરે સરકી ગયા છે.

૨૫ જાન્‍યુઆરીના રોજ, હિંડનબર્ગે અદાણી ગ્રૂપ અંગે ૩૨,૦૦૦ શબ્‍દોનો અહેવાલ બહાર પાડ્‍યો હતો. રિપોર્ટના તારણોમાં ૮૮ પ્રશ્‍નોનો સમાવેશ થાય છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્‍યો છે કે જૂથ દાયકાઓથી સ્‍ટોક મેનીપ્‍યુલેશન અને એકાઉન્‍ટ ફ્રોડમાં સામેલ છે. અદાણી ગ્રૂપના સ્‍થાપક ગૌતમ અદાણીની સંપત્તિ શેરના ભાવમાં વધારો થવાને કારણે ત્રણ વર્ષમાં ૧ અબજ ડોલર વધીને ૧૨૦ અબજ ડોલર થઈ છે, એમ અહેવાલમાં જણાવાયું છે. આ સમયગાળા દરમિયાન જૂથની ૭ કંપનીઓના શેરમાં સરેરાશ ૮૧૯ ટકાનો વધારો થયો છે.

(4:06 pm IST)