Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

અદાણી - હિંડનબર્ગ કેસની તપાસ સમિતિના છ સભ્‍યોનો પરિચય

સમિતિનું નેતૃત્‍વ રિટાયર્ડ જસ્‍ટીસ અભય મનોહર સપ્રે કરશે : સપ્રે ઉપરાંત જસ્‍ટીસ દેવધર, કે.વી.કામથ, નંદન નીલકેણી, ઓ.પી.ભટ્ટ અને સોમશેખર સુંદરેશન છે અન્‍ય સભ્‍યો

નવી દિલ્‍હી તા. ૩ : સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપ અંગે હિંડનબર્ગના પ્રકાશિત થયેલ રિપોર્ટ સાથે સંકળાયેલી અરજીઓ પર સુનાવણી કરતા આ આખા મામલાની તપાસ માટે સમિતિ બનાવવાનો આદેશ આપ્‍યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલામાં સેબીને પણ પોતાની તપાસ ચાલુ રાખીને બે મહિનામાં રિપોર્ટ સોંપવા કહ્યું છે.  અદાણી હિંડનબર્ગ મામલામાં જે સમિતિ રચવામાં આવી છે તેમાં છ સભ્‍ય રહેશે અને તેની અધ્‍યક્ષતા રિટાયર્ડ જસ્‍ટીસ અભય મનોહર સપ્રે કરશે. જસ્‍ટીસ સપ્રેની સાથે આ સમિતિમાં જસ્‍ટીસ દેવધર, કે.વી.કામથ, નંદન નીલેકણી, ઓ.પી.ભટ્ટ અને સોમશેખર સુંદરેશન હશે. અમે આપને અદાણી - હિંડનબર્ગ મામલાની તપાસ કરનાર સમિતિના છ એ છ સભ્‍યો અંગે વિગતવાર જણાવીશું.

જસ્‍ટીસ અભય

મનોહર સપ્રે

જસ્‍ટીસ અભય મનોહર સપ્રે ૧૩ ઓગસ્‍ટ ૨૦૧૪ના દિવસે સુપ્રીમ કોર્ટના જજ નિયુકત થયા હતા. એ પહેલા તેઓ ગૌહતી હાઇકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશ હતા. મણીપુરની જ્‍યારે પોતાની હાઇકોર્ટ બની તો જસ્‍ટીસ સપ્રે ત્‍યાંના પહેલા મુખ્‍ય ન્‍યાયાધીશ બન્‍યા હતા. સુપ્રીમ કોર્ટમાં તેમનો તેમનો કાર્યકાળ ૨૭ ઓગસ્‍ટ ૨૦૧૯ સુધી રહ્યો હતો.  જસ્‍ટીસ સપ્રેએ મધ્‍યપ્રદેશ હાઇકોર્ટથી પોતાની વકીલાત શરૂ કરી હતી. જજ બન્‍યા પહેલા તેમણે અહીં ૨૦ વર્ષ સુધી સીવીલ અને બંધારણીય કેસો સાથે લેબર લોના ક્ષેત્રમાં કામ કર્યું હતું. ૨૦૧૭માં જસ્‍ટીસ સ્‍પ્રેને કાવેરી જળવિવાદ ટ્રીબ્‍યુનલના ચેરમેન બનાવાયા હતા. આ ટ્રીબ્‍યુનલ કર્ણાટક, તમિલનાડુ અને પોંડીચેરી વચ્‍ચે કાવેરી નદીના પાણીના હિસ્‍સા માટે ૧૯૯૦માં રચવામાં આવી હતી.

જસ્‍ટીસ

જે.પી.દેવધર

જસ્‍ટીસ જે.પી.દેવધરને પહેલુ પ્રમોશન ૧૨ ઓકટોબર ૨૦૦૧માં મળ્‍યું હતું. જ્‍યારે તેમને બોમ્‍બે હાઇકોર્ટના અધિક ન્‍યાયાધીશ બનાવાયા હતા. અહીંથી તેઓ ૮ એપ્રિલ ૨૦૧૩ના રોજ રીટાયર થયા હતા. ત્‍યાર પછી તેઓ જુલાઇ ૨૦૧૩થી જુલાઇ ૨૦૧૮ સુધી સીક્‍યોરીટીઝ એપેલેટ ટ્રીબ્‍યુનલ (એસએટી)ના અધ્‍યક્ષ રહ્યા હતા. તેમણે ૧૯૭૭માં બોમ્‍બે હાઇકોર્ટથી પોતાની વકીલાત શરૂ કરી હતી. અહીં તેમણે બંધારણીય અને સીવીલ લો માં પ્રેકટીસ કરી હતી. ખાસ તો કો-ઓપરેટીવ સોસાયટીઝ એકટ, સર્વીસ લો, રેન્‍ટ એકટ, કસ્‍ટમ અને એકસાઇઝ એકટના કેસોમાં તેમણે કામ કર્યું હતું. તેઓ ૧૯૮૨થી ભારત સરકાર અને ૧૯૮૫થી આવકવેરા વિભાગના કાઉન્‍સેલ રહ્યા હતા. તેઓ ચિન્‍મલ મિશન જેવા સામાજીક સંગઠનો સાથે પણ જોડાયેલા હતા. જે જે હોસ્‍પિટલમાં થયેલ મોતોની તપાસ કરી રહેલ લેન્‍ટીન કમિશનના પણ તેઓ સભ્‍ય રહ્યા હતા.

જસ્‍ટીસ

નંદન નીલેકણી

નંદન નીલેકણી ઇન્‍ફોસીસ ટેકનોલોજી લીમીટેડના સહ-સંસ્‍થાપક અને ચેરમેન છે. તેઓ યુનીક આઇડેન્‍ટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્‍ડિયાના સંસ્‍થાપક અધ્‍યક્ષ પણ રહી ચૂક્‍યા છે. આ હોદ્દાની સાથે તેમણે ૨૦૦૯ થી ૨૦૧૪ સુધી કેબીનેટ પ્રધાનનો દરજ્‍જો મેળવ્‍યો હતો.

૫૮ વર્ષના નંદન નીલેકણીએ ‘એક સ્‍ટેપ' નામના એનજીઓની પણ સ્‍થાપના કરી હતી જેના તેઓ ચેરમેન છે. આ સંસ્‍થા બુનિયાદી સાક્ષરતામાં સુધારાઓ માટે ટેકનીક આધારિત પ્‍લેટફોર્મ ઉપલબ્‍ધ કરાવે છે. આ વર્ષે જાન્‍યુઆરીમાં તેમને જી-૨૦ના ‘ડીજીટલ પબ્‍લીક ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર ફોર ઇકોનોમીક ટ્રાન્‍સફોર્મેશન, ફાઇનાન્‍સીયલ ઇન્‍કલુઝન એન્‍ડ ડેવલપમેન્‍ટ' ટાસ્‍કફોર્સના પ્રમુખ બનાવાયા હતા. ૨૦૦૬માં તેમને દેશના સર્વોચ્‍ચ નાગરિક સન્‍માનોમાંના એક પદ્મ વિભૂષણ બીઝનેસમેન ઓફ ધ યર જાહેર કર્યા હતા.

જસ્‍ટીસ

સોમશેખર સુંદરેશન

સોમશેખર સુંદરેશન શરૂઆતના દિવસોમાં એક પત્રકાર હતા. તેઓ કેન્‍દ્રની ઘણી સમિતિઓના પણ સભ્‍ય રહ્યા હતા. ખાસ કરીને સેબી અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયની સમિતિઓમ)ં તેમણે કાયદા અને રેગ્‍યુલેટરી સીસ્‍ટમની સમિક્ષા પર ફેરફારના સૂચનો આપ્‍યા. એક વકીલ તરીકે તેમણે ‘રેગ્‍યુલેટરી એન્‍ડ કોમ્‍પ્‍લાયન્‍સ'ના કેસો પર કામ કર્યું હતું. તેમને સીક્‍યોરીટી લો, કોર્પોરેટ ગવર્નન્‍સની સાથે મર્જર અને ટેકઓવર કેસોના નિષ્‍ણાંત માનવામાં આવે છે.

જસ્‍ટીસ

ઓમપ્રકાશ ભટ્ટ

ઓમપ્રકાશ ભટ્ટ સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાના ચેરમેન રહી ચૂક્‍યા છે. ત્‍યારપછી તેઓ ઘણી મલ્‍ટીનેશનલ કંપનીઓના બોર્ડમાં સ્‍વતંત્ર ડાયરેકટર તરીકે સામેલ રહી ચૂક્‍યા છે. આ કંપનીઓમાં હિંદુસ્‍તાન યુનિલીવર લીમીટેડ, ટાટા સ્‍ટીલ લીમીટેડ, ટાટા મોટર્સ લીમીટેડ સામેલ છે.

આ ઉપરાંત તેઓ ગ્રીનકો એનર્જી હોલ્‍ડીંગ્‍સ મોરેશ્‍યસ અને આધાર હાઉસીંગ ફાઇનાન્‍સ લીમીટેડ જેવી કંપનીઓના નોન એકઝીક્‍યુટીવ ચેરમેન પણ છે.

જસ્‍ટીસ

કે. વી. કામથ

કે.વી.કામથ દેશના એક અગ્રણી બેંકર છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત આઇસીઆઇસીઆઇ બેંક સાથે કરી હતી. તેમણે બ્રીકસની ‘ન્‍યુ ડેવલપમેન્‍ટ બેંક' પ્રમુખ સહિતના ઘણાં મહત્‍વપૂર્ણ હોદ્દાઓ પર કામ કર્યું છે. તેઓ ઇન્‍ફોસીસના ચેરમેન પણ રહી ચૂક્‍યા છે.

(4:07 pm IST)