Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

સેન્સેક્સમાં ૯૦૦ અને નિફ્ટીમાં ૨૭૨ પોઈન્ટનો જોરદાર ઊછાળો

અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો : અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, ભારતી એરટેલ અને એસબીઆઈ લાઈફના શેર તેજી સાથે બંધ થયા : તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ

મુંબઈ, તા.૩ : અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો અને બેક્નિંગ સહિત વિવિધ ક્ષેત્રોના શેરોમાં ખરીદીને કારણે શુક્રવારે સ્થાનિક શેરબજારો ૧.૫૦ ટકાથી વધુના ઉછાળા સાથે બંધ થયા હતા. બીએસઈ  સેન્સેક્સ ૮૯૯.૬૨ પોઈન્ટ એટલે કે ૧.૫૩ ટકાના વધારા સાથે ૫૯,૮૦૮.૯૭ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે એનએસઈ નિફ્ટી ૨૭૨.૪૫ પોઈન્ટ એટલે કે ૧.૫૭ ટકાના વધારા સાથે ૧૭,૫૯૪.૩૫ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે બંધ થયા છે.

એનએસઈ  નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઇઝે ૧૬.૬૦ ટકાનો સૌથી મોટો ઉછાળો જોયો હતો. આ સિવાય અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, ભારતી એરટેલ અને એસબીઆઈ લાઈફના શેર તેજી સાથે બંધ થયા હતા.

નિફ્ટીમાં સૌથી વધુ ૨.૦૯ ટકાના ઘટાડા સાથે ટેક મહિન્દ્રા સૌથી વધુ ઘટ્યો હતો. આ સિવાય અલ્ટ્રાટેક સિમેન્ટ, સિપ્લા, ડિવિસ લેબ અને નેસ્લે ઈન્ડિયાના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.

આ કારણોસર શેરબજારમાં ઉછાળો આવ્યો છેઃ એટલાન્ટા ફેડરલ રિઝર્વના વડા રાફેલ બોસ્ટિકની ટિપ્પણી પછી, વેપારીઓને વિશ્વાસ છે કે ફેડ રિઝર્વ આગામી સમયમાં પણ વ્યાજ દરોમાં ૦.૨૫ ટકાનો વધારો કરશે. આનાથી રોકાણકારોમાં વિશ્વાસ જાગ્યો છે કે આગામી સમયમાં વ્યાજદરમાં વધારો નીચો રહી શકે છે.

વોલ સ્ટ્રીટ પર રાતોરાત સેશનમાં ઉછાળા પછી એશિયન શેરબજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો. તેની અસર સ્થાનિક શેરબજારો પર જોવા મળી હતી.

અમેરિકી ડોલર સામે ભારતીય રૃપિયો મજબૂત થઈને એક મહિનાની ટોચે પહોંચ્યો છે. ડોલર સામે રૃપિયો ૦.૩૨ ટકા વધીને ૮૨.૩૩ના સ્તરે પહોંચ્યો છે. શુક્રવારે અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝમાં ૧૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તેના કારણે મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ઉછાળો આવ્યો હતો.

દલાલ સ્ટ્રીટ પર આજે બેંકોના શેરમાં ઘણો ઉછાળો આવ્યો હતો. નિફ્ટી બેક્નમાં બે ટકાનો ઉછાળો હતો.

(7:48 pm IST)