Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

રશિયાએ પાકિસ્તાનને ૫૦ હજાર ટન ઘઉંનો જથ્થો મોકલ્યો

પાકિસ્તાનના લોકો માટે સારા સમાચાર : ૯ જહાજોમાં ઘઉંનો માલ રશિયાથી પાકિસ્તાન પહોંચવાનો છે, હાલમાં પાકિસ્તાનમાં મોંઘવારી ૫૦ વર્ષની ટોચે પહોંચી

કરાચી, તા.૩ : આર્થિક સંકટ અને ડિફોલ્ટના ભય વચ્ચે બ્રેડ-બટર અને ઘઉં-રોટલી માટે લડી રહેલા પાકિસ્તાનના લોકો માટે સારા સમાચાર છે. પાકિસ્તાનની આજીજી બાદ હવે રશિયાથી ઘઉંનો પહેલો માલ ગ્વાદર પોર્ટ પર પહોંચી ગયો છે. કાર્ગો શિપ 'એમવી લીલા ચેન્નાઈ' ૫૦ હજાર ટન ઘઉં લઈને પાકિસ્તાન પહોંચી ગયું છે. આવા ૯ જહાજોમાં ઘઉંનો માલ રશિયાથી પાકિસ્તાન પહોંચવાનો છે. હાલમાં પાકિસ્તાનમાં મોંઘવારી ૫૦ વર્ષની ટોચે પહોંચી ગઈ છે અને લોટની કિંમત સરકારના ૧૦૫ના નક્કી કરેલા ભાવની સામે ૧૩૦ રૃપિયા પ્રતિ કિલોએ રાખી છે.

પાકિસ્તાનમાં લોટ માટે હોબાળો થયા બાદ શાહબાઝ શરીફ સરકારે રશિયાને ઘઉં માટે અપીલ કરી હતી. આ પછી બંને દેશો વચ્ચે ઘઉંના પુરવઠાને લઈને સમજૂતી થઈ હતી. આ અંતર્ગત પાકિસ્તાન રશિયા પાસેથી કુલ ૪,૫૦,૦૦૦ મેટ્રિક ટન ઘઉં ખરીદશે. આ ઘઉં કુલ ૯ જહાજોની મદદથી રશિયાથી પાકિસ્તાન લાવવામાં આવશે. યુક્રેન યુદ્ધ પછી ઘઉંની તીવ્ર અછતનો સામનો કરી રહેલા પાકિસ્તાનને રશિયા દ્વારા ઘઉં મોકલવાથી મોટી રાહત મળી છે.

રશિયાએ એવા સમયે પાકિસ્તાનને ઘઉંની સપ્લાય કરી છે જ્યારે દુનિયામાં ખાદ્યપદાર્થોની ભારે કટોકટી ચાલી રહી છે. તે જ સમયે, પાકિસ્તાને યુદ્ધની વચ્ચે યુક્રેનને બોમ્બ સપ્લાય કરીને રશિયાને મોટો ઝટકો આપ્યો હતો. આ ગદ્દારી પછી પણ રશિયાના રાષ્ટ્રપતિએ પાકિસ્તાન પ્રત્યે ઉદારતા દર્શાવતા ઘઉંની સપ્લાય કરી છે.

એક તરફ પાકિસ્તાન યુક્રેનને બોમ્બ વેચીને ડોલરો કમાઈ રહ્યું છે તો બીજી તરફ તે પાકિસ્તાની લોકોને ખવડાવવા માટે રશિયા સમક્ષ આજીજી કરી રહ્યું છે. પાકિસ્તાનના બજારમાં ઘઉંનો સ્ટોક ઘણો ઓછો થઈ ગયો છે અને લોકો લોટ માટે તરસી રહ્યા છે, લડી-મારી રહ્યાં છે.

પાકિસ્તાની નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે જો ઘઉંના પુરવઠામાં સુધારો નહીં થાય તો લોટના ભાવમાં વધુ વધારો થશે. દરમિયાન, પાકિસ્તાને આગામી નાણાકીય વર્ષમાં ગ્રાહકો પર પાવર સરચાર્જ લાદવાની આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની માંગ સાથે સંમતિ દર્શાવી છે.

 

(7:49 pm IST)