Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

સરસવનું ભેળસેળ યુક્ત તેલ ખાવાથી પરિવારનાં ૩નાં મોત

ઘરેલૂ સરસવના તેલમાં આર્જેમોનના બીજના અંશ મળ્યા : ઘરેલૂ તેલમાં આના હાજર હોવાના કારણોની તપાસ શરૃ, આસપાસના ઘરના આઠ સેમ્પલ પણ લેવામાં આવ્યા

લખનૌ, તા.૩ : પ્રયાગરાજમાં ડ્રૉપ્સીથી ૩ લોકોના મોત મામલે ઘરેલૂ સરસવના તેલમાં આર્જેમોનના બીજના અંશ મળ્યા છે. હવે ઘરેલૂ તેલમાં આના હાજર હોવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

આ માટે આસપાસના ઘરના આઠ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, જેનો તપાસ રિપોર્ટ આવવાનો બાકી છે. બીજી તરફ આરોગ્ય ડિરેક્ટોરેટ જનરલે સમગ્ર મામલે મુખ્ય તબીબી અધિકારી પાસે રિપોર્ટ માગ્યો છે.

પ્રયાગરાજમાં ડ્રૉપ્સીથી એક જ પરિવારના ૩ લોકોના મોતનો મામલો લખનૌ પહોંચ્યો તો હલચલ મચી ગઈ. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગ સક્રિય થયુ. ડેપ્યુટી કમિશનરે રિપોર્ટ મંગાવ્યો છે. પરિજનોએ જણાવ્યુ કે તેઓ તેમના ખેતરમાં તૈયાર થયેલા સરસવ પાકમાંથી બનાવેલા તેલનો ઉપયોગ કરે છે પરંતુ જ્યારે તેમના ઘરમાં પડેલા તેલની તપાસ કરવામાં આવી તો તેમાં આર્જીમોન મળ્યુ. હવે ઘરેલૂ તેલમાં આર્જીમોન આવવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે ગામના અન્ય આઠ ઘરોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. તેનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

આ છોડના બીજ સરસવના બીજની જેમ હોય છે. જેના ભેળસેળવાળુ સરસવનું તેલ ખાવાથી ડ્રૉપ્સીની બીમારી થાય છે. એક ગેસ્ટ્રોલોજિસ્ટના જણાવ્યા અનુસાર ડ્રોપ્સીમાં હાથ-પગ ફૂલી જાય છે. શરીર પર ચકામા પડી જાય છે. લોહીનુ દબાણ ઓછુ થઈ જાય છે. લિવર પ્રભાવિત થવાથી ઘણીવાર દર્દીના મોત થઈ જાય છે.

તબીબી અને આરોગ્યના ડાયરેક્ટર જનરલે જણાવ્યુ કે ૩ લોકોના મોત મામલે પ્રયાગરાજના સીએમઓ પાસે વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. વિભાગની ટીમે ઘટનાની મુલાકાત કરી છે.(સંપૂર્ણ સમાચાર સેવા)     

 

(7:49 pm IST)