Gujarati News

Gujarati News

News of Sunday, 3rd March 2024

વિવાદોથી બચો: સમજી વિચારીને નિવેદન આપો’: PM મોદીએ મંત્રીઓને આપી સલાહ

મે, 2024માં નવી સરકારની રચના બાદ તાત્કાલિક અમલીકરણ માટેના 100 દિવસના એજન્ડા પર પણ ચર્ચા કરવામાં આવી: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા આ બેઠક કદાચ આ છેલ્લી બેઠક છે.

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની (Loksabha Election 2024) તૈયારીઓ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (3 માર્ચ, 2024) કેન્દ્રીય મંત્રીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ PM મોદીએ મંત્રીઓને સમજી વિચારીને નિવેદન આપવા અને વિવાદાસ્પદ ટિપ્પણીઓથી બચવા કહ્યું છે.

મંત્રી પરિષદની બેઠક દરમિયાન PM મોદીએ મંત્રીઓને એમ પણ કહ્યું હતું કે અમારે સરકારી યોજનાઓની માહિતી જનતા સુધી પહોંચાડવાની છે. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનો લોકો સમક્ષ ઉલ્લેખ કરવા પણ સૂચના આપી છે.

એપ્રિલ-મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024ને) ધ્યાનમાં રાખીને આજે યોજાયેલી બેઠકને મહત્વની માનવામાં આવી રહી છે. આજની બેઠકમાં મે, 2024માં નવી સરકારની રચના બાદ તાત્કાલિક અમલીકરણ માટેના 100 દિવસના એજન્ડા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા આ બેઠક કદાચ આવી છેલ્લી બેઠક છે. આ બેઠક એવા સમયે થઈ જ્યારે ભાજપે શનિવારે (2 માર્ચ) ના રોજ 195 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી. આવી સ્થિતિમાં તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

મંત્રી પરિષદની બેઠકમાં મે મહિનામાં નવી સરકારની રચના પછી લેવાના પગલાઓ માટેના 100 દિવસના એજન્ડાના તાત્કાલિક અમલીકરણ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આગામી પાંચ વર્ષનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે. આ સિવાય 2047 સુધીમાં ભારત કેવી રીતે વિકસિત થશે? આ અંગે તમામ મંત્રાલયો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.

 

(9:23 pm IST)