Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

ટ્રેન અકસ્‍માતનો મૃત્‍યુઆંક ૨૮૮ : ૧૦૦૦ને ઇજા

કપાયેલા શરીર... ચોટી ગયેલા ડબ્‍બાઓ... ચીસો પાડતા લોકો... વેરવિખેર સામાન... ઘટના સ્‍થળે ભયાનક દ્રશ્‍યો મૃત્‍યુઆંક હજુ વધવાની શક્‍યતા : રાહત - બચાવકાર્ય પૂરજોશમાં: મૃતકોના પરિવારને ૧૨ લાખની સહાય : પીએમએ ૨-૨ લાખ આપવાની જાહેરાત કરી

બાલાસોર તા. ૩ : ઓડિશાના બાલાસોરમાં બહાનાગા બજાર સ્‍ટેશન પાસે બનેલો અકસ્‍માત હૃદયને હચમચાવી દેનારો છે. અકસ્‍માતના સમાચાર શુક્રવારે સાંજે ટુકડે ટુકડે બહાર આવ્‍યા હતા.આ પહેલા કોરોમંડલ એક્‍સપ્રેસ અને માલગાડી વચ્‍ચે અથડામણના સમાચાર હતા. આ પછી હાવડા એક્‍સપ્રેસ સાથે અથડામણનો મામલો પણ સામે આવ્‍યો હતો અને મોડી સાંજ સુધીમાં ત્રણ ટ્રેનો વચ્‍ચે ટક્કર થઈ હોવાનું સ્‍પષ્ટ થઈ ગયું હતું. અકસ્‍માતની જે તસવીરો સામે આવી છે તે ભયાનક છે, તેના પરથી આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી હતી કે મૃતકોનો આંકડો સેંકડોને પાર કરી જશે. એવું જ થયું, પહેલા ૩૦, પછી ૫૦, પછી ૭૦ લોકો, મધ્‍યરાત્રિએ મૃત્‍યુની સંખ્‍યા ૧૨૦ થઈ અને થોડી જ વારમાં તે ૨૦૭ થી વધીને ૨૮૮ થઈ ગઈ. અત્‍યાર સુધી સામે આવેલા આંકડાઓ અનુસાર ૧૦૦૦ લોકો ઘાયલ છે. ઓડિશાના મંત્રી સચિન પ્રદીપ જેનાએ આ જાણકારી આપી. મૃતકોને ૧૨-૧૨ લાખની સહાય જાહેર થઇ છે. પીએમ મોદીએ ૨-૨ લાખની સહાય જાહેર કરી છે.

શનિવારે સવારે ઘટનાનું ચિત્ર વધુ સ્‍પષ્ટ થયું હતું. બહનાગા બજાર વિસ્‍તારમાં આખી રાત હોબાળો થયો હતો. જાણવા મળ્‍યું છે કે ટ્રેનના કોચના કાટમાળમાં હજુ પણ ઘણા મૃતદેહો ફસાયેલા છે. કોરોમંડલ એક્‍સપ્રેસના ઘણા એસી કોચ આગલા પાટા પર પલટી ગયા, તેથી તેમાં મૃત્‍યુઆંક સૌથી વધુ છે. જયારે NDRFને બોગીઓ વચ્‍ચે ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્‍યો હતો, ત્‍યાં ઘણા ઘાયલ છે જેઓ ક્ષતિગ્રસ્‍ત બોગીઓમાં ફસાયેલા છે. ઠેર ઠેર મૃતદેહો - સામાન - અંગો વેરવિખેર પડેલા જોવા મળે છે. ભયાનક દ્રશ્‍યો જોવા મળી રહ્યા છે.

સેનાએ પણ બચાવ કાર્યમાં મદદ માટે હાથ લંબાવ્‍યો છે. કોરોમંડલ એક્‍સપ્રેસ જયાં માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી ત્‍યાંથી મુસાફરોના મૃતદેહ કાઢવામાં આવી રહ્યા છે.

સીએમ નવીન પટનાયકે શુક્રવારે ટ્રેન દુર્ઘટનાને લઈને મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ ૩ જૂને રાજયમાં એક દિવસનો રાજય શોક જાહેર કરવામાં આવ્‍યો છે.જેથી સમગ્ર રાજયમાં ૩ જૂને કોઈ તહેવારની ઉજવણી કરવામાં આવશે નહીં. ઓડિશાના માહિતી અને જનસંપર્ક વિભાગે આ માહિતી આપી છે.

અકસ્‍માત સંદર્ભે આપેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે. ટ્રેન નંબર ૧૨૮૪૧ (કોરોમંડલ એક્‍સપ્રેસ)ના કોચ B2 થી B9 સુધીના કોચ પલટી ગયા. તે જ સમયે, A1-A2 કોચ પણ પાટા પર ઉંધા થઈ ગયા. જયારે, કોચ B1 તેમજ એન્‍જિન પાટા પરથી ઉતરી ગયું અને અંતે કોચ H1 અને GS કોચ પાટા પર જ રહ્યા. એટલે કે, કોરોમંડલ એક્‍સપ્રેસમાં મૃત્‍યુ પામેલા લોકોની સંખ્‍યા મહત્તમ હોઈ શકે છે અને એસી બોગીમાં સવાર લોકોના વધુ જાનહાનિની   સંભાવના છે.

જયારે, ટ્રેન નં. ૧૨૮૬૪ (બેંગલોર હાવડા મેલ)ના એક જીએસ કોચને નુકસાન થયું હતું. આ સાથે જ પાછળની બાજુનો જીએસ કોચ અને બે બોગી પાટા પરથી ઉતરી ગઈ અને પલટી ગઈ. જયારે કોચ A1 થી એન્‍જિન સુધીની બોગી પાટા પર જ રહી હતી. આ ટ્રેન અકસ્‍માતની તપાસ એ.એમ. ચૌધરી (CRS/SE સર્કલ). શનિવારે સવારે જ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.

સવારે ૩.૦૦ વાગ્‍યે બચાવ કાર્ય ચાલુ હતું ત્‍યાં સુધીમાં NDRFના જવાનોએ ઘણા મૃતદેહો બહાર કાઢ્‍યા હતા. કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે ટીમ ગેસ કટરનો ઉપયોગ કરી રહી છે. તે જ સમયે, મંત્રી મનશ ભુઈનિયાના નેતૃત્‍વમાં બંગાળ સરકારની એક ટીમ ઘટનાસ્‍થળે પહોંચી હતી. બીજી તરફ, કટકના ડીસીપી પિનાક મિશ્રાએ કહ્યું કે કટકમાં મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલ છે, તેથી વધુ ઘાયલોને અહીં ખસેડવાની સંભાવનાને લઈને હોસ્‍પિટલ એલર્ટ પર છે અને કટકની આખી ટીમ તૈયાર છે. તેમણે કહ્યું કે અમે સુરક્ષા વ્‍યવસ્‍થા કરી છે જેથી કરીને અહીં આવતા ઘાયલોને કોઈપણ મુશ્‍કેલી વિના પ્રવેશ મળી શકે.' બીજી તરફ, રેલ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને રક્‍તદાન કરવા માટે ભદ્રકની જિલ્લા મુખ્‍યાલય હોસ્‍પિટલ ખાતે ઘણા રક્‍તદાતાઓ એકઠા થયા હતા.

ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્‍ચે ટક્કર થઈ હતી. આ દુર્ઘટના બાદ હાહાકાર મચી ગયો છે. બહાનાગા રેલવે સ્‍ટેશન પાસે શાલીમાર ચેન્નઈ કોરોમંડલ એક્‍સપ્રેસ ટ્રેન શુક્રવારની સાંજે લગભગ સવા સાત વાગ્‍યાની આસપાસ આ દુર્ઘટનાનો શિકાર બની હતી. એક રેલવે અધિકારીના જણાવ્‍યા મુજબ, બેંગાલુરૂ હાવડા સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેન હાવડા જઈ રહી હતી અને એ સમયે પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કેટલાંક ડબ્‍બા બીજા પાટા પર જઈને પડ્‍યા હતા. પાટા પરથી ઉતરી ગયેલા આ ડબ્‍બા શાલીમાર ચેન્નઈ કોરોમંડલ એક્‍સપ્રેસ ટ્રેન સાથે ટકરાયા હતા. જે બાદ તેના પણ ડબ્‍બા પલટી ખાઈ ગયા હતા. અધિકારીએ જણાવ્‍યું કે, કોરોમંડલ એક્‍સપ્રેસના ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા બાદ એક માલગાડી સાથે ટકરાયા હતા. આ દુર્ઘટનામાં ૨૮૮ લોકોના મોત થયા છે અને ૧૦૦૦ જેટલાં લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્‍તોને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે અને બચાવ કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બીજી તરફ, રેલવે મંત્રી અશ્વિન વૈષ્‍ણવે મૃતકો અને ઘાયલોને સહાયની જાહેરાત કરી છે.

ઓડિશાના બાલાસોરમાં બે મુસાફરોની ટ્રેન એક માલગાડી સાથે ટકરાઈ હતી અને આ દુર્ઘટના બાદ બચાવકર્મીઓ ફસાયેલા લોકોને બચાવવા માટે જોડાયા છે. આ દુર્ઘટનામાં અત્‍યારસુધીમાં ૨૮૮ લોકોનાં મોત થઈ ચૂક્‍યા છે. જયારે આ દુર્ઘટનામાં ૧૦૦૦ જેટલાં લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના બાદ પમિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જી દુર્ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા.

૨ જૂન, ૨૦૨૩ના રોજ બાલેશ્વર જિલ્લાના બહાનાગામાં થયેલી આ રેલવે દુર્ઘટનાને ધ્‍યાનમાં રાખતા ઓડિશાના મુખ્‍યમંત્રી નવીન પટનાયકે એક દિવસનો રાજકીય શોકનો આદેશ આપ્‍યો છે. સમગ્ર રાજયમાં ૩ જૂનના રોજ કોઈ પણ જાતનો ઉત્‍સવ મનાવવામાં નહીં આવે. સૂચના અને જનસંપર્ક વિભાગ, ઓડિશા દ્વારા આ જાણકારી જારી કરવામાં આવી છે.

ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. બહાનાગા રેલવે સ્‍ટેશન પાસે શુક્રવારની સાંજે મુસાફરોની ટ્રેન કોરોમંડલ એક્‍સપ્રેસના ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દરમિયાન અહીંથી નજીકના પાટા પરથી પસાર થઈ રહેલી યશંવતપુરથી હાવડા જઈ રહેલી એક્‍સપ્રેસ ટ્રેન સાથે ડબ્‍બા ટકરાયા હતા. આ દુર્ઘટનામાં ૨૮૮થી પણ વધુ મુસાફરોનાં મોત થઈ ચૂક્‍યા છે. ત્‍યારે દુર્ઘટના સમયે કોરોમંડલ એક્‍સપ્રેસ ટ્રેનમાં સવાર એક મુસાફરે સમગ્ર હકીકત જણાવી હતી.

રેલવે મંત્રી અશ્વિન વૈષ્‍ણવે બાલાસોર રેલવે દુર્ઘટના પર દુઃખ વ્‍યક્‍ત કર્યુ હતું અને રાહત કાર્યોની જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે, આ એક દુઃખદ દુર્ઘટના છે અને બચાવકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. આ દુર્ઘટના બાદ રેલવેની ટીમ ખડકપુર અને ભુવનેશ્વર સાથે NDRF, SDRF તથા સ્‍થાનિક ટીમો ઘટના સ્‍થળે રવાના થઈ હતી. ઘાયલો અને મૃતકોને તાત્‍કાલિક હોસ્‍પિટલ પહોંચાડવામાં આવ્‍યા હતા. અમે ઉચ્‍ચ સ્‍તરીય તપાસના આદેશ આપ્‍યાા છે, જેથી કરીને દુર્ઘટનાનું કારણ જાણી શકાય. બીજી તરફ, બાલાસોરના ફાયર વિભાગના અધિકારી રમેશ ચંદ્ર માઝીએ જણાવ્‍યું કે, ફાયર સેવા દ્વારા અહીં હાલ ૨૦ જેટલી ગાડીઓ અને ૨૫૦ અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર છે. અમારા વિભાગ દ્વારા ૩૦૦થી પણ વધુ લોકોને બચાવવામા આવ્‍યા છે. મૃતકોની ચોક્કસ સંખ્‍યા કહી શકાય એમ નથી, કારણ કે અમે બચાવકાર્યમાં જોડોયા છીએ.

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પગલે ગુજરાત ભાજપે રાજ્‍યમાં આજના તમામ કાર્યક્રમો સ્‍થગિત કર્યા

ઓડિશામાં બનેલી રેલ્‍વેની દુઃખદ દુર્ઘટના પગલે કેન્‍દ્ર સરકારએ ૯ વર્ષ પુરા કર્યા તેની ઉજવણીના તથા ગુજરાત ભાજપ દ્વારા રાજકોટ ખાતેની પત્રકાર પરિષદ, રાજકોટ ૬૮-૬૯-૭૦-૭૧નો મિલન સમારોહ સહિતના કાર્યક્રમો આજના દિવસ માટે સ્‍થગિત કરવામાં આવેલ છેઃ દરમિયાન અકિલા' પરિવારે આજે બે મિનિટ મૌન પાળી ઓરિસ્‍સા દુર્ઘટનાનો ભોગ બનેલા તમામને શ્રદ્ધાંજલિ અર્પી હતી

(12:04 pm IST)