Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ઓટો સેકટરમાં અભૂતપૂર્વ તેજી

પેટ્રોલ મોંઘુ છતાં કારનું વેચાણ ૩ ગણુ વધ્યું : લોકોને કયાં મોંઘવારી નડે છે ?

નવી દિલ્હી,તા. ૩: એક તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલ ના વધતા ભાવ સામાન્ય પ્રજાને દઝાડી રહ્યા છે. ત્યાં બીજી તરફ ઓટો સેકટરમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. લોકોમાં એવી ધારણા હતી કે કોરોના અને લોકડાઉનને કારણે દેશમાં મંદીનો માહોલ સર્જાશે.

પરંતુ અહીં વાત જ કંઈક અલગ જોવા મળી રહી છે. અનેક રાજયમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર થયો છે. જો કે તેમ છતાં કાર ઈન્ડસ્ટ્રીમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યો છે. ૩૪ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૮.૮૪ રૂપિયાનો તોતિંગ વધારો થયો. આવી સ્થિતિમાં પણ મે મહિના કરતા જૂનમાં કારનું વેચાણ ૩ ગણુ વધ્યું છે.

કોરોના મહામારીમાં અનેક ધંધા રોજગાર ઠપ્પ થયા. જો કે બીજી લહેર બાદ ઓટો સેકટરમાં ઝડપી રિકવરી જોવા મળી. જૂન મહિનામાં મોટા ભાગની કાર કંપનીઓના વેચાણ ગ્રોથમાં સરેરાશ ૩ ગણો વધારો જોવા મળ્યો. છેલ્લા ૧ મહિના કરતા પણ વધુ સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક રાજયોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ને પાર થઈ છે. છતાં કારના વેચાણમાં વૃદ્ઘિ નોંધાઈ છે. ઈંધણના વધતા ભાવને જોતા લોકો હવે ઈલેકટ્રીક વાહનો તરફ વળ્યા છે.

ઓટો માર્કેટની લીડર મારૂતિ સુઝુકીના વેચાણ ૩ ગણા વધીને ૧,૪૭,૩૬૮ યુનિટ્સ રહ્યાં છે. જે મે મહિનામાં ૪૬,૫૩૩ યુનિટ નોંધાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં ૩૧૭ ટકાનો વધારો થયો છે. ગત વર્ષે જૂન મહિનામાં ૫૭,૪૨૮ યુનિટ્સ નોંધાયા હતા. 

મારૂતિ બાદ આવતી હ્યુન્ડાઈએ પણ માર્કેટમાં સારો એવો કબજો કર્યો છે. હ્યુન્ડાઈનું જૂન મહિનામાં વેચાણ વધીને ૫૪,૪૭૪ યુનિટ્સ છે. જો કે મે મહિનામાં ૩૦,૭૦૩ યુનિટ્સ વેચાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં ૭૭ ટકાનો વધારો થયો છે.

હોન્ડા કંપનીની કારના વેચાણમાં પણ સારી એવી વૃદ્ઘિ આવી છે. હોન્ડાનું જૂન મહિનામાં વેચાણ વધીને ૪૭૬૭ યુનિટ્સ છે. જો કે મે મહિનામાં ૨૦૩૨ યુનિટ્સ વેચાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં ૨૩૫ ટકાનો વધારો થયો છે.

ટાટા મોટર્સની વાત કરીએ તો જૂન મહિનામાં વેચાણ વધીને ૪૩,૭૦૪ યુનિટ્સ છે. જો કે મે મહિનામાં ૨૪,૫૫૨ યુનિટ્સ વેચાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં ૭૮ ટકાનો વધારો થયો છે.

નિસાન મોટર્સ પણ આ લીસ્ટમાં સામેલ છે. નિસાનનું જૂન મહિનામાં વેચાણ વધીને ૩૫૦૩ યુનિટ્સ છે. જો કે મે મહિનામાં ૧૨૫૩ યુનિટ્સ વેચાયા હતા. એટલે કે મે કરતા જૂન મહિનામાં વેચાણમાં ૨૮૦ ટકાનો વધારો થયો છે.

દેશભરના મોટા ભાગના રાજયોમાં જૂનમાં લોકડાઉન દૂર થતાની સાથે જ ગ્રાહકોની ભાવનાઓ બદલાઈ. પોઝિટિવ ટ્રેન્ડ હોવા છતાં કારનું વેચાણ જાન્યુઆરીની સરખામણીએ ઓછું છે. જાન્યુઆરીની સરખામણીએ હજુ પણ કારના વેચાણમાં ૮-૨૭ ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓટો નિષ્ણાતોનું કહેવું છે કે જેમ-જેમ દેશમાં અનલોક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેમ કારના વેચાણમાં ધીરી ધીરે વધારો નોંધાયો છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વેચાણમાં જૂન મહિનામાં ૩૨,૯૬૪ યુનિટ રહ્યાં હતા. જો કે જાન્યુઆરીની સરખામણીએ ૧૬ ટકા ઓછું વેચાણ થયું છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના ડિરેકટરે જણાવ્યું કે બજાર ખુલતા અને કસ્ટમર સેન્ટિમેન્ટ શ્રેષ્ઠ થવાની સાથે જ વેચાણમાં સુધારો થયો છે. ઓટો કંપનીઓ વેચાણને વેગ આપવા માટે બજારમાં આકર્ષક મોડલ રજૂ કરી રહ્યાં છે.

(10:03 am IST)