Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ખતરાની ઘંટડી : કોરોના 'ભરખી' રહ્યો છે બાળકોની તંદુરસ્તી : ઘરોમાં કેદથી બાળકો ચિડીયા થઇ ગયા છે

દોઢ વર્ષથી ઘરોમાં પુરાઇ રહેલા બાળકોના માનસ ઉપર પડી છે વિપરીત અસર

નવી દિલ્હી તા. ૩ : કોરોના મહામારીએ બાળકોના માનસ પર વિપરિત અસર કરી છે. દોઢ વર્ષના સમયથી ઘરમં કેદ બાળકોની ગતિવિધિ ઓછી થઈ રહી છે. તેના પરિણામે બાળકોના રિએકશન સમય સહિત અન્ય અનેક દુષ્પ્રભાવ જોવા મળી રહ્યા છે. દિલ્હીની હોસ્પિટલમાં આ પ્રકારના કેસ આવી રહ્યા છે.  મનોરોગ વિશેષજ્ઞ કહે છે કે કોરોનાની શરૂઆતથી લોકડાઉનની સ્થિતિની સાથે જ બાળકો પર મોટી અસર થઈ છે. સંક્રમણના ડરથી પેરન્ટ્સ બાળકોને રમવા પણ જવા દેતા નથી. બાળકોનું સામાજિક જીવન જાણે કે ખતમ થઈ રહ્યું છે. શાળાઓ બંધ છે તો તેઓ દોસ્તોને પણ મળી શકતા નથી. આ સાથે ચિંતા અને ડરના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. 

૧૦ વર્ષની નિવેદિતાને દરેક વાત પર ગુસ્સો આવે છે. ભણી શકતી નથી, ઊંઘી શકતી નથી અને તેના પેરન્ટ્સ તેને હોસ્પિટલ લઈ ગયા તો નિદાન કરાયું કે શારીરિક કસરત ઓછી થવાના કારણે તેના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે અને સાથે તેની રોગ પ્રતિરોધક ક્ષમતા પણ ઘટી રહી છે. બાળકીને દવાની સાથે મનોચિકિત્સકના કાઉન્સેલિંગના સીટિંગ પણ કરાવવામાં આવ્યા.

એમ્સના પૂર્વ ડોકટર અને બાળ રોગ વિશેષજ્ઞ ડો. પ્રવીણ કુમાર કહે છે કે શારીરિક કસરતનું પ્રમાણ ઘટી જવાના કારણે અને લાંબા સમયથી ઘરમાં કેદ થઈ રહેવાના કારણે પણ બાળકોને સમસ્યા આવી રહી છે. જેમકે પહેલા નાના બાળકો ૨-૩ વર્ષે બોલતા હતા અને હવે તેમાં સમય લાગી રહ્યો છે. કેટલાક બાળકો યોગ્ય પ્રતિક્રિયા પણ આપી રહ્યા નથી. બાળકોની ખરાબ સ્થિતિને લઈને ખતરો વધી રહ્યો છે. સંભાવિત ત્રીજી લહેરને જોતા બાળકોની રોગ પ્રતિરોધક ક્ષમતાને સારી બનાવવાની જરૂર છે. અન્ય ડોકટરનું કહેવું છે કે આ સમયે માતા પિતાએ બાળકોને સમય આપવાની સાથે સાથે રોજ ઓછામાં ઓછા ૨-૩ કલાક તેમની સાથે પસાર કરવા. આ સાથે બાળકોને ફોન અને લેપટોપ ન આપો. શકય તેટલું તેમને ખુલ્લામાં લઈ જાઓ અને રમવા દો. આ સમયે તેઓ ભીડમાં ન રહે તેનું ખાસ ધ્યાન રાખો. કોરોના સંક્રમણથી બચવાની સાથે સાથે તેમનું સ્વસ્થ રહેવું પણ જરૂરી છે.

એમ્સના પૂર્વ ડોકટર અને બાળ રોગ વિશેષજ્ઞ ડો. પ્રવીણ કુમાર કહે છે કે કુપોષિત બાળકોને કોરોના કે અન્ય કોઈ પણ બીમારીનો ખતરો હોઈ શકે છે. આ માટે જરૂરી છે કે બાળકોના ખાવાનો ખાસ ખ્યાલ રાખવામાં આવે. બાળકોને શાક, ફળ વગેરે ભરપૂર પ્રમાણમાં આપવાની જરૂર રહે છે. તેમને તડકામાં થોડી વાર બેસવા માટે કહો. જો બાળકોના ખાન પાનની આદત સારી હશે તો તેની રોગ પ્રતિરોધક ક્ષમતા પણ સારી રહેશે. તેનાથી તેઓ બીમારીઓ અને કોરોના વાયરસથી બચશે. જયારે કુપોષિત બાળકોને સંક્રમણનો ખતરો વધારે રહે છે.

બાળકોને આવી રહી છે આ મુશ્કેલીઓ

ચિડિયાપણું

રિસ્પોન્સ ટાઈમ ઘટવો

કારણ વિના ગુસ્સો કર્યા કરવું

કામમાં ધ્યાન ન રહેવું

ડાયરિયા અને પેટ દર્દ

રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટી જવી

(10:04 am IST)