Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

સ્ટોક લિમિટ જાહેર

હવે દાળો થશે સસ્તી : સરકારે દાળોના ભાવ પર નિયંત્રણ લાવવા મહત્વનો નિર્ણય લીધો

કોરોના મહામારી અને મોંઘવારીનો ડબલ માર સહન કરી રહેલી જનતાને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ઘણી રાહત થશે

નવી દિલ્હી,તા. ૩: કોરોના મહામારી અને લોકડાઉન તેમજ પ્રતિબંધોને કારણે ધંધા રોજગાર પર માઠી અસર થઇ છે. આ સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થયું છે. આના કારણે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ ઉપરાંત દાળોના ભાવ પણ વધ્યા છે. કેન્દ્ર સરકારે દાળોના ભાવ વધતા રોકવા માટે આ નિર્ણય લીધો છે.

દાળ અને કઠોળ ના વધતા ભાવોથી ચિંતિત કેન્દ્ર સરકારે રિટેલરો સહિત દાળ અને કઠોળના વેપારીઓના સંગ્રહ મર્યાદામાં ઘટાડો કર્યો છે. એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે તમામ દાળોના સંગ્રહની મર્યાદા સ્ટોક હોલ્ડિંગ લિમિટ જે ભાવ વધારાના ઉપાય તરીકે ઓળખાય છે, તે ૨ જુલાઈથી અમલમા મુકી દીધો છે.

સંગ્રહખોરી પર નિયંત્રણ લાવવા સરકારે વેપારીઓ અને આયાતકારો માટે મગની દાળ સિવાય અન્ય તમામ દાળ અને કઠોળની સંગ્રહ કરવાની મર્યાદા ૩૧ ઓકટોબર સુધી નક્કી કરી છે.કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયના સચિવ લીના નંદને તમામ રાજયોના મુખ્ય સચિવોને પત્ર લખીને કહ્યું છે કે દર અઠવાડિયે દાળ અને કઠોળના સ્ટોકની સમીક્ષા કરવાની રહેશે. વ્યાપારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્ટોકની ચકાસણી ઝડપથી થવી જોઈએ જેથી સંગ્રહખોરી અટકાવી શકાય. અગાઉ મંત્રાલયે રાજયોને દાળ અને કઠોળનો સ્ટોક જાહેર કરવા માટે પ્રોસેસરો, નિકાસકારો અને આયાતકારો તેમજ સ્ટોકિસ્ટને નિર્દેશ આપવા જણાવ્યું હતું.સરકારે મગ, અડદ અને તૂરની દાળ પર પ્રતિબંધ હટાવી ૩૧ ઓકટોબર ૨૦૨૧ સુધી નિઃશુલ્ક કેટેગરીમાં મુકયા છે. દાળ અને કઠોળના ભાવમાં થયેલા વધારાને રોકવાના સરકારના પ્રયાસો વચ્ચે ભાવમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. જો કે, હવે તહેવારો આવતા હોઈ, સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. તેથી સરકારે ફરી એકવાર આ સ્ટોક જાહેર કરવાની સૂચના આપી છે. કેન્દ્રએ રાજયોને દર અઠવાડિયે કઠોળના સ્ટોક પર નજર રાખવાની સુચના પણ આપી છે.

(11:33 am IST)