Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

કેપ્ટન અમરિંદરસિંહનો નવો દાવ

પંજાબ કોંગ્રેસનો ડખો જેમનો તેમ

ચંદીગઢ : પંજાબ કોંગ્રેસમાં ઝઘડાને સમાપ્ત કરવાની કોશિષો બેકાર થતી દેખાઇ રહી છે. તમામ પ્રયત્નો કરવા છતાં કોંગ્રેસ નેતાગીરી પંજાબમાં આંતરિક કલહને ખતમ નથી કરી શકતી. સીનીયર નેતા નવજોતસિંહ સિધ્ધુની પાર્ટીની નેતાગીરી સાથેની મુલાકાત પછી આશા હતી કે વિવાદ સમાપ્ત થઇ જશે પણ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહના નવા દાવે તેને વધારે ઉલઝાવી દીધો છે.

કેપ્ટન અમરિંદરસિંહની છાવણી ઇચ્છે છે કે વર્તમાન પ્રદેશ પ્રમુખ સુનીલ જાખડની જગ્યા કોઇ હિન્દુ નેતા જ લે. તેમની દલીલ છે કે તેઓ પોતે શીખ છે ત્યારે બીજા કોઇ શીખને પ્રદેશ પ્રમુખ બનાવવા તે બરાબર નથી. રાજયમાં ૩૮ ટકા હિંદુ વસ્તી છે. એટલે પ્રદેશ પ્રમુખ હિંદુ સમાજના હોવા જોઇએ.

કેપ્ટન છાવણીએ નવા પ્રદેશ પ્રમુખ પદ માટે વિજય ઇંદર સિંગલા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મનીષ તિવારીના નામ પણ રજૂ કરી દીધા છે. સિંગલા રાહુલ ગાંધીના બહુ નજીકના વ્યકિત ગણાય છે. મુખ્યમંત્રીના આ પગલાથી પક્ષની નેતાગીરી મુશ્કેલીમાં મુકાઇ છે કેમકે એવા સમાચારો છે કે સિધ્ધુને પ્રદેશ પ્રમુખ બનાવવા કોંગ્રેસ હાઇકમાન્ડ રાજી થઇ ગયું છે.

(11:35 am IST)