Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

વેક્સિનેશન રેટ સરકારના ટારગેટ કરતા 27 ટકા ઓછો : રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

વેક્સિનેશન ટ્રેકર ગ્રાફિક શેર કરીને સરકાર પર સાધ્યું નિશાન

નવી દિલ્હી :કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ કોરોના વેક્સિન અંગે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે વેક્સિનેશન ટ્રેકર ગ્રાફિક શેર કરતા જણાવ્યું કે મહામારીની સંભાવિત ત્રીજી લહેરથી બચવા માટે ભારતનો વાસ્તવિક કોવિડ-19 વેક્સિનેશન રેટ સરકારના ટારગેટ કરતા 27% ઓછો છે.

  રાહુલ ગાંધીએ વેક્સિન સાથે જોડાયેલા એક ગ્રાફને શેર કરતા ટ્વીટ કર્યું છે. આ ગ્રાફમાં જણાવવામાં આવ્યું છે કે સંભાવિત ત્રીજી લહેરથી બચવા માટે કેન્દ્ર સરકારનો એક દિવસમાં 69.5 લાખ ડોઝ આપવાનો ટાર્ગેટ છે. પરંતુ એક દિવસમાં સરેરાશ 50.8 લાખ વેક્સિન ડોઝ જ આપવામાં આવી રહ્યા છે. માટે વાસ્તવિક વેક્સિનેશન રેટ અને સરકારના લક્ષ્‍યની વચ્ચે 27%નો ગેપ છે.

  અત્રે ઉલેલ્ખનીય છે કે કોરોના વેક્સિન સંદર્ભે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલા પણ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જુલાઈ આવી ગયો છે. પરંતુ વેક્સિન આવી નથી. રાહુલ ગાંધી છેલ્લાં ઘણાં મહિનાથી કોરોના વેક્સિન મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યાં છે. તેમણે સરકારને અપીલ કરી છે કે દેશના દરેક નાગરિકને તાત્કાલિક ઢબે કોરોના વેક્સિન લગાવવામાં આવે. જેનાથી આગામી સમયમાં કોરોના મહામારીથી બચાવી શકાય. રાહુલના આ ટ્વિટ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન અને કેન્દ્રીય રેલવે પ્રધાન પીયુષ ગોયલે કોંગ્રેસ નેતાઓ પર વેક્સિન મુદ્દે નિમ્ન કક્ષાની રાજનીતિ ન કરવાની અપીલ કરી હતી.

(12:55 pm IST)