Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

હવે પ્લાસ્ટિકની બોટલના બદલે પેપર બેગમાં મળશે પાણી : હૈદરાબાદમાં શરૂ થયું 'ઈકો ફ્રેન્ડલી અભિયાન'

પ્લાસ્ટિકની બોટલોમાંથી 10 ટકાથી પણ ઓછાનું રિસાયક્લિંગ: હૈદરાબાદ સ્થિત એક સ્ટાર્ટ-અપ એ પર્યાવરણની રક્ષા માટે એક પગલુ ભર્યું

નવી દિલ્હી : દુનિયાભરમાં પ્રદૂષિત થતા પર્યાવરણને બચાવવા માટે અનેક પ્રકારના અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. જ્યારે હવે હૈદરાબાદ સ્થિત એક સ્ટાર્ટ-અપ એ પર્યાવરણની રક્ષા માટે એક પગલુ ભર્યું છે. આ અંતર્ગત વધતા પ્લાસ્ટિક કચરાને જોતા અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખતા પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ પાણીની ઈકો-ફ્રેન્ડલી બોટલ તૈયાર કરવામાં આવી છે. એટલે કે હવે પ્લાસ્ટિકની જગ્યાએ પેપર બેગમાં પાણી મળશે.

આઈટી વિશેષજ્ઞ સુનીથ તાતિનેની અને ચૈતન્ય અયિનપુડીએ પ્લાસ્ટિક કચરાને ઓછો કરવાના ઉદ્દેશ્યથી સ્ટાર્ટ-અપ 'કૈરો વોટર'ની શરૂઆત કરી. 'કૈરો વોટર' માટે બંન્નેએ પોતાની કૉર્પોરેટ સેક્ટરની નોકરી છોડી દીધી.

સ્ટાર્ટ-અપ કૈરો વોટરના સહ-સંસ્થાપક સુનીત તાતિનેનીએ જણાવ્યું કે, એક વ્યક્તિ જે લાંબી યાત્રા કરી રહ્યો છે, તે ઓછામાં ઓછા એક લીટર પાણીની પાંચ બોટલો ખરીદશે. આ પ્લાસ્ટિકની બોટલોમાંથી 10 ટકાથી પણ ઓછાનું રિસાયક્લિંગ થઈ રહ્યું છે. આ એક ખુબ જ ગંભીર મુદ્દો છે.

તેમણે કહ્યું, 'આ મુદ્દાનું સમાધાન શોધવા માટે અમે કાર્ડબોર્ડ બૉક્સનો ઉપયોગ કરીને પાણી પેક કરવાનું શરૂ કરી દીધું છે, જેમાં ભરપૂર પાણી રિસાયકલ કરવા યોગ્ય 'બેગ-ઈન-બૉક્સ' બેગમાં ભરી દેવામાં આવે છે.'

સુનીથે જણાવ્યું કે હાલ પેપર બેગના પાણીના ડબ્બા 5 લીટર અને 20 લીટરના બે પ્રકારોમાં ઉપલબ્ધ છે. કિંમત વિશે પૂછવા પર તેમણે કહ્યું કે 5 લીટરનો ડબ્બો 75 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે 20 લીટર પાણીના ડબ્બા માટે 120 રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે.

(12:56 pm IST)