Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ડિજિટલ ઈન્ડિયાના ૬ વર્ષ પૂરા થવા પ્રસંગે પેટીએમ આપશે ૫૦ કરોડ રૂપિયાનું કેશબેક

દેશના વેપારીઓ અને ગ્રાહકોને પેટીએમ એપ દ્વારા કરવામાં આવતા દરેક વ્યવહાર માટે મળશે કેશબેક : આ કેશબેક અભિયાનની શરૂઆત કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના ૨૦૦ જિલ્લાઓમાં કરાશે

નવી દિલ્હી,તા. ૩: ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન પેટીએમએ શુક્રવારે એક મોટી જાહેરાત કરીને ૫૦ કરોડ રૂપિયાનું કેશબેક જાહેર કર્યું છે. ડિજિટલ ઈન્ડિયાના ૬ વર્ષ પૂરા થવા પ્રસંગે કંપનીએ આ કેશબેક પ્રોગ્રામની શરૂઆત કરતી વખતે જણાવ્યું હતું કે ભારતના વેપારીઓ અને ગ્રાહકોને પેટીએમ એપ દ્વારા કરવામાં આવતા દરેક વ્યવહાર માટે કેશબેક આપવામાં આવશે.

પેટીએમ દ્વારા શરૂ થતાં આ કેશબેક અભિયાનની શરૂઆત દેશના ૨૦૦ જિલ્લાઓમાં કર્ણાટક, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી કરવામાં આવશે. જોકે આ ૨૦૦ જિલ્લાઓ કયા હશે, તે હજી જાહેર કરાયું નથી.

પેટીએમના CEO વિજય શેખર શર્માએ કહ્યું કે ભારતે તેના ડિજિટલ ભારત મિશનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ દરેકને તકનીકી રીતે મજબૂત બનાવે છે. પેટીએમની ગેરંટીડ કેશ બેક તે લોકોને આપવામાં આવશે જેઓ દેશના ટોચના ઉદ્યોગપતિ છે અને તેઓએ ડિજિટલ ભારતને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

શેખરે વધુમાં જણાવ્યું હતું કે, કેશબેક ઉપરાંત દિવાળી પહેલા પેટીએમ એપ દ્વારા સૌથી વધુ ટ્રાન્ઝેકશન કરનારા વેપારીઓને વિના મૂલ્યે સાઉન્ડબોકસ અને IoT ડિવાઇસ પણ આપવામાં આવશે. જણાવી દઈએ કે ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧ જુલાઈ, ૨૦૧૫ ના રોજ કરી હતી. તેનો હેતુ ભારતને ડિજિટલ રીતે મજબૂત બનાવવાનો છે.

(3:00 pm IST)