Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

હવે થાપણની મુદત પાકે તો ત્વરિત કલેઈમ કરવો પડશે નહિતર નુકશાન

રીઝર્વ બેન્કે ફીકસ ડીપોઝીટના નિયમોમાં કર્યો મહત્વનો ફેરફારઃ સમય સીમા પુરી થયા બાદ દાવા વગર પડી રહેતી રકમ પર મળતા વ્યાજના નિયમોમાં ફેરફાર કર્યો : ફીકસ ડીપોઝીટ મેચ્યોર્ડ થયા બાદ પણ રકમ પર કલેઈમ નહી કરવામાં આવે તો તમને ઓછુ વ્યાજ મળશેઃ રીઝર્વ બેન્કનો નિયમ બધી બેન્કોને લાગુ પડશે

નવી દિલ્હી, તા. ૩ :. ભારતીય રીઝર્વ બેન્કે ફીકસ ડીપોઝીટ/ટર્મ ડીપોઝીટના નિયમોમાં એક મહત્વનો ફેરફાર કર્યો છે. રીઝર્વ બેન્કે બેંકોમાં જમા ફીકસ ડીપોઝીટની સમય સીમા પુરી થયા બાદ દાવા વગરની રકમ પર મળતા વ્યાજના નિયમોમાં ફેરફાર કર્યો છે. રીઝર્વ બેન્કનો નવો નિયમ તમામ સરકારી બેન્કો, લઘુ નાણાકીય બેન્ક, સહકારી બેન્કો વગેરેની ફીકસ ડીપોઝીટ પર લાગુ પડશે. વર્તમાન નિયમો હેઠળ જો ફીકસ ડીપોઝીટનો ગાળો પુરો થઈ જાય અને રકમનુ ચૂકવણુ ન થાય સાથે જ બેન્ક પાસે એ રકમ દાવા વગર પડી રહે તો તેના પર સેવીંગ એકાઉન્ટ પર મળતા વ્યાજના હિસાબથી વ્યાજ આપવામાં આવે છે. આ રકમ અનકલેમ્ડ એમાઉન્ટના સ્વરૂપમાં પડી રહે છે.

રીઝર્વ બેન્કના નોટીફીકેશનમાં જણાવાયુ છે કે એફડીની મેચ્યુરીટી બાદ દાવાવાળી રકમ પર મળતા વ્યાજની સમીક્ષા કરવામાં આવી છે. સમીક્ષા બાદ એવો નિર્ણય લેવાયો છે જે ફીકસ ડીપોેઝીટની મેચ્યુરીટી બાદ રકમ પર કલેમ ન થાય અને એ રકમ બેંકો પાસે દાવા વગરના સ્વરૂપમાં પડી રહે તો તે રકમ પર વ્યાજ દર સેવીંગ એકાઉન્ટના હિસાબથી કે મેચ્યોર્ડ એફડી પર નિર્ધારીત વ્યાજનો દર જે ઓછો હોય તે આપવામાં આવશે. અત્રે નોંધનીય છે કે ફીકસ ડીપોઝીટ હકીકતમાં એવી રકમ છે જે બેન્કોમાં એક નિશ્ચિત સમય માટે નક્કી કરવામા આવેલ વ્યાજ પર જમા કરવામાં આવે છે.

નવા નિયમો હેઠળ અનકલેમ્ડ એફડીના મામલામા હવે જો મેચ્યોર્ડ એફડી પર નિર્ધારીત વ્યાજ દર સેવીંગ એકાઉન્ટથી મળતા વ્યાજથી વધુ હોય તો ફાયદો થશે અને જો ઓછુ હોય તો નુકશાન જશે. અત્રે નોંધનીય છે કે એફડી પર મળતુ વ્યાજ ટેકસના દાયરામાં આવે છે. એટલે કે જો તમને ફીકસથી આવક થતી હોય તો તમારે ટેકસ સ્લેબના હિસાબથી ટેકસ ચૂકવવો પડે છે.

હવે મેચ્યુરીટી ડેટ પુરી થયા બાદ પણ જો તમે રકમ પર કલેઈમ નહી કરો તો તમને વ્યાજ ઓછુ મળશે. હવે તમારે એફડીની મુદત પાકે તો તરત જ કલેઈમ કરી લેવો પડશે નહીતર નુકશાન જશે. નવા નિયમો અનુસાર જો તમે પાકતી મુદત પછી પણ કલેઈમ નહી કરો અને પૈસા બેન્કમાં પડયા રહેશે તો તમને બચત પર વ્યાજનું નુકશાન ઉઠાવવુ પડશે.

(3:47 pm IST)