Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

શિક્ષક માટે ધોનીની અરજીમાં પિતા તરીકે તેંડૂલકરનું નામ

છત્તીસગઢમાં શિક્ષકો માટે અરજી મગાવાઈ હતી : ધોનીના નામે ફોર્મ ભરનારને ઈન્ટરવ્યુ માટે બોલાવાયો પણ તે હાજર ન રહેતાં અરજી બોગસ હોવાનો ભાંડો ફૂટ્યો

નવી દિલ્હી, તા. ૩ : ભારતના બે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને એમએસ ધોનીનુ નામ એવા મામલા સાથે જોડાયુ છે જે જાણીને લોકો આશ્ચર્ય પામવાની સાથે સાથે મલકાઈ પણ રહ્યા છે.

આ હેરાન કરનારો મામલો છત્તીસગઢનો છે.જ્યાં શિક્ષકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી.આ પૈકી એક ફોર્મ એમ એસ ધોનીએ ભર્યુ હતુ અને ફોર્મ ભરનારા પિતાની કોલમમાં સચિન તેંડુલકરનુ નામ લખ્યુ હતુ.વાત આટલેથી અટકતી નથી. મજાની વાત એ છે કે, ફોર્મની ચકાસણી બાદ એમ એસ ધોનીના નામથી ફોર્મ ભરનારને ઈન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ પણ કરી દેવાયો હતો.શુક્રવારે એમ એસ ધોની સહિતના પંદર ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા.બાકીના ઉમેદવારો તો હાજર રહ્યા હતા પણ એમ એસ ધોની ગાયબ રહ્યો હતો.એ પછી અધિકારીઓને શંકા ગઈ હતી અને જોત જોતામાં આ બોગસ અરજી હોવાનુ સામે આવી ગયુ હતુ.

એમ એસ ધોનીએ પોર્માં પોતે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ હોવાનુ કહ્યુ છે.સોશિયલ મીડિયા પર આ વાત આગની જેમ ફેલાઈ હતી.જોકે હવે અધિકારીઓએ આ મામલામાં પોલીસ કાર્યવાહી કરવાનુ નક્કી કર્યુ છે.કારણકે તેમની આબરુના પણ ધજાગરા થયા છે.કારણકે બોગસ એપ્લિકેશન હોવા છતા તેને ઈન્ટરવ્યૂ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવી તે વાત પણ એટલી જ ચોંકાવનારી છે.

હવે પોલીસ કાર્યવાહી દરમિયાન તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવુ લાગી રહ્યુ છે.

(7:39 pm IST)