Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

૨૦૨૦-૨૧માં ૧૨૫ દેશોમાં ૩૦૦૦૦ કરોડના ચોખાની નિકાસ

વિદેશોમાં પણ ભારતના બાસમતી ચોખાની બોલબાલા : વિદેશમાં વધેલી માંગ અને મળતી સારી કિંમતના કારણે બાસમતી ચોખાની ખેતીનો વ્યાપ પણ ભારતમાં વધ્યો છે

નવી દિલ્હી, તા. ૩ : વિદેશોમાં ભારતના બાસમતી ચોખાની બોલબાલા વધી રહી છે.હવે ભારતના બાસમતી ચોખા દુનિયાના ૧૨૫ દેશોમાં પહોંચી ચુકયા છે.

ભારતના બાસમતી ચોખાની માંગ દિવસને દિવસે વધી રહી છે.જેના પગલે વિતેલા ૨૦૨૦-૨૧ના વર્ષમાં દુનિયાના ૧૨૫ દેશોમાં ભારતે ૩૦૦૦૦ કરોડ રુપિયાના બાસમતી ચોખાની નિકાસ કરી છે.જેના પગલે ખેડૂતોને પણ આર્થિક રીતે ફાયદો થયો છે.વિદેશમાં વધી રહેલી માંગ અને મળતી સારી કિંમતના કારણે બાસમતી ચોખાની ખેતીનો વ્યાપ પણ ભારતમાં વધી રહ્યો છે. ભારતના બાસમતી ચોખા ચીન, પાકિસ્તાન, અમેરિકા સહિત દુનિયાના ૧૨૫ દેશોમાં નિકાસ થયા છે.એક મીડિયા રિપોર્ટમાં મેરઠના બાસમતી એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટના મુખ્ય વૈજ્ઞાનિક ડો.રિતેશ શર્માને ટાંકીને કહેવાયુ છે કે, એક વર્ષમાં ભારત દ્વારા ૩૦૦૦૦ કરોડ રુપિયાના ૪૬ લાખ મેટ્રિક ટન બાસમતી ચોખા વિદેશ મોકલવામાં આવ્યા છે. ભારત સરકારે પણ યુપી, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા જમ્મુ કાશ્મીર જેવા કેટલાક રાજ્યોને બાસમતી ચોખાની મંજુરી આપવામાં આવી છે.બાસમતી એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યુટ દ્વારા પ્રમાણિત થયા બાદ જ બાસમતી ચોખાને વિદેશમાં એક્સપોર્ટ કરવાની મંજૂરી આપવામાં આવે છે.કારણકે આ ચોખાની ગુણવત્તા સારી હોય તેનુ ધ્યાન રાખવામાં આવે છે.ભારત સરકારે જે રાજ્યોને બાસમતી ચોખા માટે મંજૂરી આપી છે તે રાજ્યના જ ચોખાને એક્સપોર્ટ માટે પસંદ કરવામાં આવે છે.

આ ચોખાની ખેતી કરનારા ખેડૂતોને પણ હવે તેના કારણએ આર્થિક ફાયદો મળી રહ્યો છે.જોકે વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે, બાસમતી ચોખાને રોગ લાગવાની શક્યતા પણ વધારે રહેતી હોય છે.એટલે તે અંગે પણ ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા છે.

(9:03 pm IST)