Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ઉત્તરાખંડની દેવભૂમિ ભાજપની સત્તાની લાલચ,સત્તા મેળવવા હરીફાઈ અને નિષ્ફળતાનું ઉદાહરણ બની

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે હવે ઉત્તરાખંડની પ્રજા ચૂંટણીની રાહ જોઈ રહી છે

ઉત્તરાખંડના સીએમ તીરથસિંહ રાવતના રાજીનામાં બાદ રાજકીય સમીકરણો બદલાય રહ્યાં છે. કોંગ્રેસે ઉત્તરાખંડના સીએમ તીરથસિંહ રાવતના રાજીનામા બાદ ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ભાજપ પર સત્તાની વહેંચણીનો આરોપ લગાવ્યો છે. તેમજ કહ્યું કે પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા મુખ્ય પ્રધાનને રમકડાંની જેમ બદલી રહ્યાં છે.આ અંગે કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે હવે ઉત્તરાખંડની પ્રજા ચૂંટણીની રાહ જોઈ રહી છે કારણ કે સ્થિર અને પ્રગતિશીલ સરકાર માટે કોંગ્રેસને તક આપી શકે.

 

તેમણે પત્રકારોને કહ્યું કે, ઉત્તરાખંડની દેવભૂમિ, ભાજપની સત્તાની લાલચ, સત્તા મેળવવા માટે હરીફાઈ અને ભાજપની નિષ્ફળતાનું ઉદાહરણ બની રહી છે.સુરજેવાલાએ આક્ષેપ કર્યો કે, રાજ્યના લોકોએ ભાજપને સંપૂર્ણ બહુમતી આપીને સરકાર બનાવવાની તક આપી, પરંતુ ભાજપે માત્ર સત્તા મેળવવા અને તેની વહેંચણીનું કામ કર્યું. ભાજપ માટે આ તક સત્તાનો ફાયદો ઉઠાવવાની તક બની ગઈ છે.

આ ઉપરાંત દિલ્હી, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં ભૂતકાળની ભાજપ સરકારોમાં અનેક મુખ્ય પ્રધાનો બદલવાના સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભાજપ પાસે એક જ ટર્મમાં મુખ્ય પ્રધાનો બદલવાનો ઇતિહાસ છે.રમકડાની જેમ ભાજપ મુખ્યમંત્રી બદલી નાખે છે. ઉત્તરાખંડમાં આવું જ થઈ રહ્યું છે. સૂરજેવાલાએ આરોપ લગાવ્યો કે આ સ્થિતિ માટે પીએમ મોદી અને જેપી નડ્ડા જવાબદાર છે.

ભાજપ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, "અગાઉ પણ ઉત્તરાખંડમાં ભાજપે ત્રણ મુખ્ય પ્રધાનો બદલ્યા હતા અને આ વખતે પણ ત્રીજા મુખ્યમંત્રી બનાવવાની તૈયારી છે. અમે કહીશું કે આવતા છ મહિનામાં, બે-ત્રણ વધુ બદલો જેથી દેશમાં મહત્તમ મુખ્યમંત્રીઓની સંખ્યા બદલવાનો રેકોર્ડ સ્થાપિત થાય.

કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દેવેન્દ્ર યાદવે આરોપ લગાવ્યો કે, તે ભાજપના નેતૃત્વની બેદરકારી હતી જેમણે ઉત્તરાખંડમાં એક એવા મુખ્યમંત્રીને બેસાડી દીધા હતા જે વિધાનસભાના સભ્ય નથી. ભાજપે ખુશહાલ દેવભૂમિને બદહાલ કરવા માટે આ બધુ કર્યું છે.

(12:58 am IST)