Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

અમેરિકા સાથેના સૈન્ય અને સુરક્ષા સંબંધિત કાર્યક્રમ સ્ટેટ પાર્ટનરશિપ પ્રોગ્રામ(એસપીપી)માં સામેલ થવાનો ઈનકાર કરતુ નેપાળ

નેપાળની શેર બહાદુર દેઉબા સરકાર નો નિર્ણય લીધો હતો: નેપાળ સરકારના નિર્ણયની અમે પ્રશંસા કરીએ છીએ: ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિન

નવી દિલ્‍હી : નેપાળે અમેરિકા સાથેના સૈન્ય અને સુરક્ષા સંબંધિત કાર્યક્રમ સ્ટેટ પાર્ટનરશિપ પ્રોગ્રામ(એસપીપી)માં સામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. નેપાળની શેર બહાદુર દેઉબા સરકારે આ નિર્ણય લીધો હતો. દેઉબા સરકારને લાગે છે કે આ ચીનવિરોધી સૈન્ય ગઠબંધનમાં સામેલ કરવાની અમેરિકી ચાલ છે.

દેઉબા સરકાર 2015, 2017 અને 2019માં પૂર્વ સરકારોની જેમ શરૂઆતમાં પોતાની આપત્તિઓનો સામનો કરવા એસપીપીથી પ્રભાવિત હતી પણ અંતે તેણે ભાગીદારીનો અસ્વીકાર કરવો પડ્યો કેમ કે નેપાળમાં જનમાનસ સ્પષ્ટ રીતે વિદેશી સૈન્ય કાર્યક્રમો વિરોધી છે. નેપાળ સરકાર એવો કોઈ આંતરરાષ્ટ્રીય કરાર કરવા માગતી નથી જે ભારત અને બીજી બાજુ ચીન વચ્ચે નાજુક સંતુલિત સંબંધોને ખતરામાં નાખે. દેઉબા સરકારના આ નિર્ણય અંગે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે નેપાળ સરકારના નિર્ણયની અમે પ્રશંસા કરીએ છીએ.

અમેરિકાએ નેપાળ તરફથી બે વખત આગ્રહ કરાયા બાદ 2019માં તેને એસપીપીનો હિસ્સો બનાવ્યું હતું. નેપાળે પહેલી વખત 2015માં એસપીપીમાં સામેલ થવા અરજી કરી હતી. તે વર્ષે વિનાશકારી ભૂકંપ બાદ નેપાળને માનવીય સહાયની જરૂર હતી. તેના પછી 2017માં ફરી તેણે અરજી કરી હતી. અમેરિકા ચીન પર સકંજો કસવા હિન્દ પેસિફિક ક્ષેત્રમાં તેનો પ્રભાવ વધારવા માગે છે. અમેરિકા આ દેશો સાથે સુરક્ષા સમજૂતી કરી ભારત-પેસિફિક ક્ષેત્રમાં પોતાની સૈન્ય પકડ મજબૂત કરવા ઇચ્છે છે. નેપાળ સાથે એસપીપી સહયોગ તેનો જ એક હિસ્સો હતો.

(11:32 am IST)