Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

રાષ્‍ટ્રીય ગ્રાહક પંચનો મહત્‍વપૂર્ણ ચુકાદો : વકિલ અને અસીલ વચ્‍ચે રૂપિયાની લેવડ-દેવડના કારણે વકિલ પણ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવે : તેની સામે પણ કેસ કરી શકાય

પંચના જસ્‍ટિસ સી. વિશ્‍વનાથ અને રામ સૂરત રામ મૌર્યાની બેન્‍ચે કેસમાં ચુકાદો સંભાળાવ્‍યો

નવી દિલ્‍હી :  વકીલો અંગે રાષ્ટ્રીય ગ્રાહક પંચે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવયો છે. પંચના જસ્ટિસ સી. વિશ્વનાથ અને રામ સૂરત રામ મૌર્યાની બેન્ચે એક કેસમાં કહ્યું કે વકીલ અસીલથી ફી લઈને તેનો કેસ લડે છે અને પોતાની લીગલ સર્વિસ આપે છે. વકીલ અને તેના અસીલ વચ્ચે રૂપિયાની લેવડ-દેવડને કારણે વકીલ પણ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવે છે.

આ ટિપ્પણી સાથે પંચે સેવામાં લાપરવાહી દાખવવાના બે અલગ અલગ કેસમાં વકીલો સામે પણ દાખલ કેસને જિલ્લા ગ્રાહક ફોરમ પાસે મોકલ્યા છે. પંચે ફોરમને કહ્યું છે કે તે આ બંને કેસ પર તથ્યો અને કાયદા અનુસાર નવેસરથી સુનાવણી કરી પોતાનો ચુકાદો આપે. પંચે બે અલગ અલગ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે કોઈ વકીલ દ્વારા તેના અસીલને અપાતી સેવાઓ ગ્રાહક સુરક્ષા કાયદાના દાયરામાં આવે છે કે નહીં?

આ સંદર્ભમાં સુપ્રીમકોર્ટ દ્વારા ડી.કે.ગાંધી વિરુદ્ધ એમ.મેથિયાસ મામલે આપેલો ચુકાદો મહત્ત્વપૂર્ણ છે. આ ચુકાદામાં કહેવાયું હતું કે મફત સેવાઓ આપવી અને ખાનગી સેવા આપવાના મામલાને છોડીને અન્ય તમામ સેવા ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવે છે.

ગાઝિયાબાદના વેદ પ્રકાશ અગ્રવાલે વકીલ સામે ગ્રાહક પંચમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મુજબ અલ્હાબાદ હાઈકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવા તેેણે વકીલનો સંપર્ક સાધ્યો હતો. વકીલે તેનાથી દસ્તાવેજ લીધા અને અનેકવાર પૈસા લીધા પણ અરજી દાખલ ન કરી. જ્યારે તેણે પૈસા પાછા માગ્યા તો વકીલે આપવાની ના પાડી દીધી. એટલા માટે ફરિયાદમાં વકીલને નિર્દેશ આપવાની માગ કરાઈ હતી કે તે તેના 20 હજાર રૂપિયા 18 ટકા વ્યાજ સાથે પરત કરે અને 2 લાખ રૂ. વળતર અને 20 હજાર રૂ. કેસનો ખર્ચ અલગથી આપે.

ગાઝિયાબાદની જ અંજુ અગ્રવાલે એક વકીલ સામે જિલ્લા ગ્રાહક પંચમાં ફરિયાદ કરી હતી. મહિલાએ કહ્યું કે અંજુ અગ્રવાલ અને પ્રીતિ ગોયલ વિરુદ્ધ યુપી સરકાર નામે એક અરજી ગાઝિયાબાદના એક વકીલના માધ્યમથી અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી. મહિલાએ આરોપ મૂક્યો કે તેના વકીલે બીજા પક્ષ સાથે મિલીભગત કરી સુનાવણી વારંવાર સ્થગિત કરાવી અને મામલો રદ થયો. મહિલાએ વકીલ પાસે 41 હજાર 250 રૂપિયા પાછા અપાવવા અને 2 લાખ રૂ. માનસિક હેરાનગતિ બદલ વળતરની માગણી કરી હતી.

(12:54 pm IST)