Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

KCR ના ગઢ તેલંગણામાં આયોજિત ભાજપની ' વિજય સંકલ્પ સભા ' માં પી.એમ. મોદીની ગર્જના : તેલંગણાના લોકો ડબલ એન્જિનની સરકાર દ્વારા પરિવર્તન ઈચ્છે છે : 2019ની ચૂંટણીમાં ભાજપને મળેલા સમર્થનમાં સતત વધારો થઇ રહ્યો છે : સબકા સાથ, સબકા વિકાસ સૂત્ર સાથે કેન્દ્ર સરકારની નીતિઓનો લાભ કોઈપણ જાતના ભેદભાવ વિના દરેક નાગરિકને પહોંચાડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી

તેલંગણા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે KCR ના ગઢમાં જોરદાર ગર્જના કરી. તેમણે કહ્યું કે તેલંગાણાના લોકો પરિવર્તન ઈચ્છે છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેલંગાણા ડબલ એન્જિન સરકાર ઈચ્છે છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ પીએમ મોદીએ ભાજપની વિજય સંકલ્પ સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધવા માટે પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ દરમિયાન હાજર હતા.

તેમણે ઉમેર્યું હતું કે સરકારની નીતિઓનો લાભ દરેકને ભેદભાવ વિના મળી રહ્યો છે
આ દરમિયાન વડા પ્રધાન મોદીએ કહ્યું કે તેલંગાણાના ગરીબોને મફત રાશન મળવું જોઈએ, ગરીબોને મફત સારવાર મળવી જોઈએ, દરેકને ભેદભાવ વિના ભાજપ સરકારની નીતિઓનો લાભ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે આ છે સબકા સાથ, સબકા વિકાસ. પીએમએ કહ્યું કે 2019ની ચૂંટણીમાં તેલંગાણામાં ભાજપને જે જનસમર્થન મળ્યું હતું તે સતત વધી રહ્યું છે.

આ દરમિયાન વડાપ્રધાને મહિલાઓ માટેની વિશેષ યોજનાઓની પણ ચર્ચા કરી હતી. પીએમએ કહ્યું કે દેશની મહિલાઓ પણ આજે અનુભવી રહી છે કે તેમનું જીવન સરળ બની ગયું છે, તેમની સુવિધા વધી છે. હવે તેઓ રાષ્ટ્રના વિકાસમાં વધુ યોગદાન આપી શકે છે. તેલંગાણાના દરેક ગરીબ, પછાત, દલિત અને મધ્યમ વર્ગને ભાજપની આ સેવા ભાવનાનો લાભ મળી રહ્યો છે.તેમ જણાવ્યું હોવાનું એચ.ઈ.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:14 pm IST)