Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

પાકિસ્તાનમાં સેમસંગ કંપની સામે ભારે રોષ ફાટી નિકળ્યો : કંપનીના હોર્ડિંગની તોડફોડ થઈ

સેમસંગ કંપનીના કર્મચારીઓ પર ધાર્મિક અપમાનનો આરોપ લગાવાયો : પોલીસ દ્વારા 27 કર્મચારીઓની ધરપકડ કરાઈ

નવી દિલ્લી તા.03 : પાકિસ્તાનમાં સેમસંગ કંપની સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કંપની સામે આરોપ લગાવવામાં આવ્યો છે કે, મોલમાં સેમસંગ કંપનીનુ વાઈ ફાઈ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવામાં આવ્યુ હતુ અને તેના ક્યૂ આર કોડને લઈને બબાલ શરુ થઈ હતી. અને એક ટોળાએ કંપનીના હોર્ડિંગોની તોડફોડ કરી હતી

પાકિસ્તાનનાં કરાચીમાં આવેલા એક મોલમાં સેમસંગ કંપનીના કર્મચારીઓ પર ધાર્મિક અપમાનનો આરોપ મુકવામાં આવ્યો હતો અને ટોળાએ કંપનીના હોર્ડિંગોની તોડફોડ કરી હતી.

ત્યારે બેકાબૂ બની રહેલા લોકોને શાંત પાડવા માટે પોલીસે કંપનીના 27 કર્મચારીઓની ધરપકડ કરી છે. દરમિયાન લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને લોકોને મોબાઈલ કંપનીના બિલબોર્ડ પર બનેલા ક્યુ આર કોડ સામે વાંધો હતો અને લોકોનુ કહેવુ હતુ કે, તેનાથી અલ્લાહનુ અપમાન થઈ રહ્યુ છે. એ પછી એક નવી વાત ફેલાઈ હતી કે, સેમસંગના કર્મચારી દ્વારા વાઈ ફાઈ નેટવર્કને ધર્મનુ અપમાન થાય તેવુ નામ આપવામાં આવ્યુ હતું.

લોકોએ કરાચીમાં ઠેર ઠેર આગચંપી પણ કરી હતી જેને લઈ પોલીસે પછી તમામ વાઈ ફાઈ બંધ કરાવી દીધા હતા. દરમિયાન સેમસંગ કંપનીએ આ મામલે માફી માંગી લીધી છે. તો બીજી તરફ પોલીસે 27 કર્મચારીઓની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરુ કરી છે.

(12:10 am IST)