Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

અધિકમાસની અસર : બળેવ અને ગણેશચતુર્થી અઢાર દિવસ મોડી

ગત વર્ષે આસોમાં આવેલાં અધિક માસને કારણે આ વર્ષે તહેવાર મોડાં : નવરાત્રિ પહેલાંના તહેવારો થોડા લેઇટ, નવરાત્રિ પછીના તહેવારો વહેલાં

નવી દિલ્હી,તા. ૩ : દર ત્રણ વર્ષે એક વાર પંચાગમાં અધિક માસનો ઉમેરો થાય છે. જે અનુસાર ગત વર્ષે અધિક પુરૂષોત્ત્।મ એટલે કે અધિક માસ આવ્યો હતો. અધિક માસને કારણે આ વર્ષે હિન્દુ પંચાગના તહેવારો ઉપર તેની સીધી અસર પડતાં આ વર્ષે એકંદરે તહેવારો થોડા મોડા આવી રહ્યાં છે. રક્ષાબંધન અને ગણેશોત્સવ એટલે કે ગણેશ ચતુર્થી સહીતના તહેવારો આ વર્ષે થોડા મોડા આવી રહ્યાં છ. આ બંન્ને તહેવારો એકંદરે ૧૮ દિવસ મોડા આવી રહ્યાં છે.

જયોતિષાચાર્ય કેયુર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર હિન્દુ પંચાગ પ્રમાણે સામાન્ય સંજોગોમાં ચંદ્ર દર ૨૭ દિવસે રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય ગ્રહ દર ૩૦ દિવસે રાશિ પરિવર્તન કરે છે. સૌર મંડળના અત્યંત મહત્વના આ બે ગ્રહોના રાશિ પરિવર્તન વચ્ચે એકંદરે ત્રણ દિવસનો તફાવત રહે છે. આ તફાવતને કારણે દર ત્રીજા વર્ષે એક પૂરો મહિનો બને છે.

આમ દર ત્રણ વર્ષે એક માસનો ઉમેરો થતાં તેને અધિક માસ એટલે કે પુરૂષોત્ત્।મ માસ તરીકે ઓળખવામા આવે છે. આમ બે લાગલગાટ આવતાં અધિક માસ વચ્ચે સરેરાશ ર૮ થી ૩૬ મહિના સુધીનો સમયગાળો રહે છે. ચંદ્ર અને સૂર્યના આ રાશિ પરિવર્તનને કારણે આ સ્થિતિ સર્જાય છે.

ગત વર્ષે ૨૦૨૦ના સપ્ટેમ્બર મહિનામાં હિન્દુ પંચાગનો છેલ્લો આસો મહિનો આવ્યો હતો. આસો માસની સાથે સાથે અધિક માસ પણ આવ્યો હતો. હવે આગામી ૨૦૨૩માં ફરી એક વાર અધિક માસ આવશે.

જેના કારણે આ વર્ષે છેલ્લા આસો મહિના પહેલાં આવતાં નાગ પાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, નોળી નોમ તેમજ રક્ષાબંધન તેમજ ત્યાર બાદ જન્માષ્ટમી, કેવડા ત્રીજ અને છેલ્લે ગણેશ ચતુર્થી સહીતના તહેવારો ઓછામાં ઓછાં ૧૮ થી ૨૦ દિવસ મોડા આવી રહ્યાં છે. જો કે તેથી ઉલ્ટું નવરાત્રી, વિજયા દશમી અને દિવાળી સહીતના તહેવારો થોડાંક દિવસ પહેલાં આવનાર છે.

તારીખ અને તિથિ આગામી તહેવારો

૧૩ ઓગસ્ટ શુક્રવાર  નાગ પાંચમ - રાંધણ છઠ

૧૪ ઓગસ્ટ શનિવાર શિતળા સાતમ

૧૬ ઓગસ્ટ સોમવાર નોળીનોમ

૧૯ ઓગસ્ટ ગુરૂવાર  પવિત્રા બારસ

૨૨ ઓગસ્ટ રવિવાર રક્ષાબંધન

ર૭ ઓગસ્ટ શુક્રવાર  નાગપાંચમ

ર૮ ઓગસ્ટ શનિવાર રાંધણ છઠ્ઠ

ર૯ ઓગસ્ટ રવિવાર શીતળા સાતમ

૩૦ ઓગસ્ટ સોમવાર જન્માષ્ટમી

૩૧ ઓગસ્ટ મંગળવાર  છડી નોમ

૦૬ સપ્ટેમ્બર સોમવાર  શ્રાવણ માસની સમાપ્તિ

૧૦ સપ્ટેમ્બર શુક્રવાર ગણેશચતુર્થી

(10:31 am IST)