Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

કોરોનાની ત્રીજી લહેર આ મહિનાથી : ઓકટોબરમાં કેસ હશે ચરમ પર : કદાચ રોજ દોઢ લાખ દર્દી આવશે

વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી : જો કે ત્રીજી લહેર અગાઉ જેટલી ઘાતક નહિ હોય

નવી દિલ્હી,તા.૩: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટમાં શરૂ થશે અને ઓકટોબરમાં તેની પીક આવશે તેવી ચેતવણી નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે. કોરોનાની બીજી લહેરની પીકની આગાહી કરનાર રિસર્ચર્સ તેમજ નિષ્ણાતો દ્વારા ત્રીજી લહેરનાં સંકેતો આપવામાં આવ્યા હતા. જો કે નિષ્ણાતો મુજબ, ત્રીજી લહેરની તીવ્રતા અને ઘાતકતા બીજી લહેરની સરખામણીમાં દ્યણી ઓછી તેમજ નબળી હશે. નિષ્ણાતો દ્વારા ગાણિતિક મોડલ દ્વારા ગણતરી કરીને ત્રીજી લહેર સામે લોકોને સાવધ કરવામાં આવ્યા છે.

આઈઆઈટી હૈદરાબાદનાં રિસર્ચર્સ મથુકુમલ્લી વિદ્યાસાગર તેમજ આઈઆઈટી કાનપુરનાં મનિન્દ્ર અગ્રવાલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે નવી ત્રીજી લહેરમાં દરરોજ નોંધાતા કેસની સંખ્યા દ્યણી ઓછી હશે. નવી લહેરમાં નિયંત્રિત સ્થિતિમાં દરરોજ ૧ લાખ જેટલા નવા કેસ નોંધાશે અને ખરાબમાં ખરાબ સ્થિતિમાં દરરોજ નવા ૧.૫ લાખ કેસ નોંધાશે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. દેશમાં બીજી લહેરની પીક વખતે મે મહિનામાં દરરોજ ૪ લાખ જેટલા નવા કેસ નોંધાતા હતા. જયાં કોરોનાનાં નવા કેસની સંખ્યા હાલ વધારે છે તેવા રાજયો જેવા કે કેરળ અને મહારાષ્ટ્ર કોરોનાની સ્થિતિ બદલી શકે છે તેમ વિદ્યાસાગરે જણાવ્યું હતું.

હાલ દેશમાં કોરોનાનાં દરરોજ નોંધાતા કેસની સંખ્યા ૪૦,૦૦૦ની આસપાસ સ્થિર થઈ છે પણ વધુ ઝડપથી સંક્રમણ ફેલાવતો ડેલ્ટા વેરિઅન્ટ સ્થિતિને વકરાવી શકે છે. ભારતમાં બીજી લહેર માટે જવાબદાર આ વેરિઅન્ટ આખા વિશ્વમાં ફેલાયો છે. આર્થિક ગતિવિધિઓ માટે દેશમાં નિયંત્રણો હળવા કરાયા છે જેને કારણે મોટી સંખ્યામાં એકઠી થતી ભીડ નવા કેસની સંખ્યા વધારવા કારણભૂત બનશે. સરકાર દ્વારા હાલ સંક્રમણ વધતું રોકવા વેકિસનેશન તેમજ પોઝિટિવ કેસ શોધીને સારવાર કરવા પર ભાર મુકાયો છે. કેરળમાં જુલાઈથી નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ તેમજ ઉત્ત્।ર પૂર્વનાં રાજયોમાં નવા કેસ વધી રહ્યા છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં જજ બિઝનેસ સ્કૂલનાં પ્રોફેસર પૌલ કટ્ટુમેન કહે છે કે કેટલાક મોટા રાજયોમાં જો કોરોનાનાં કેસ વધશે તો તે સ્થિતિને બગાડી શકે છે.

(10:34 am IST)