Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

પાકિસ્તાન સર્જીને અમે ભૂલ કરી છે : ફાતિમા ઝીણા

ફાતિમા ઝીણાએ એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે 'માય બ્રધર' જેમાં મહમદ અલી વિશે અને પાકિસ્તાન વિશે ઘણું લખ્યું છે, રહસ્યો ખોલ્યા છે : કહેવાય છે કે ફાતિમાનું કુદરતી મૃત્યુ થયું નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી : ફાતિમા ઝીણાએ તેનો સંદેશ રેડિયો પાકિસ્તાન પર વાંચવાનું શરૂ કરતા જ પાકિસ્તાની સરકારે અટકાવ્યો : જેનો બહુ મોટો વિવાદ થયો હતો : ૧૯૫૧માં રેડિયો પ્રસારણના વિવાદ પછી ફાતિમા ઝીણા : પાકિસ્તાનના રાજકારણના પડદા પરથી જાણે ગાયબ જ થઈ ગયા : મહમદ અલી ઝીણાના મૃત્યુ પછી ફાતિમા ઝીણાએ રાજનીતિની લગામ સંભાળી : ફાતિમા લોકપ્રિય હતા પણ પાકિસ્તાની રાજનેતાઓથી ખુબ દુઃખી હતા : ફાતિમાએ ભાઈ મહમદ અલી ઝીણાને ટેકો ન આપ્યો હોત, તો કદાચ પાકિસ્તાન કયારેય બન્યું ન હોત

પાકિસ્તાન કોણે બનાવ્યું? ભારતના ભાગલાનો ગુનેગાર કોણ હતો? આ સવાલના જવાબમાં જે નામ સામે આવે તે છે મોહમ્મદ અલી ઝીણા. જો તમે થોડું વધુ વિચારશો, તો પછી લિયાકત અલી અથવા અલ્લામા ઇકબાલનું નામ ધ્યાનમાં આવશે. પરંતુ એક એવું નામ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એ નામ ભારતમાં તો ઠીક પાકિસ્તાન  પણ ભૂલી ગયું છે. આ નામ છે 'ફાતિમા ઝીણા'. જે મુહમ્મદ અલી ઝીણાની નાની અને સૌથી પ્રિય બહેન હતી. મુહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાન માટે તેમની જીદનો સૌથી મોટો ટેકો ફાતિમા ઝીણાનો હતો. જે પોતાના જીદ્દી ભાઈ સાથે દરેક મોર્ચે ખડકની જેમ ઉભી રહેતી. જોકે ફાતિમાએ આ રીતે તેના ભાઈ ઝીણાને ટેકો ન આપ્યો હોત, તો કદાચ પાકિસ્તાન કયારેય બન્યું ન હોત. તેથી જ પાકિસ્તાનમાં તેમને 'મદાર-એ-મિલાત' એટલે કે 'રાષ્ટ્ર માતા' એવું બિરૂદ આપવામાં આવ્યું છે. જોકે ફાતિમાએ તેના અંતિમ દિવસોમાં અફસોસ વ્યકત કર્યો હતો કે, 'પાકિસ્તાન સર્જી ને અમે ભૂલ કરી છે.' એવું શા માટે કહ્યું? તે જાણવું જરૂરી છે.

ફાતિમાનો જન્મ ૩૧ જુલાઈ ૧૮૯૩ ના રોજ પૂંજાભાઈ ઝીણા અને મીઠીબાઈના સાતમા સંતાન તરીકે કરાંચી ખાતેના તેમના ભાડાના મકાન વજીર હવેલીમાં થયો હતો. તેના અન્ય ભાઈ બહેનોમાં મહમદ અલી ઝીણા, અહમદ અલી, બુન્દે અલી, રહેમત અલી, મરિયમ અને શિરીનનો સમાવેશ થાય છે. તેના ભાઈ બહેનોમાં તે મહમદ અલી ઝીણાની સૌથી નજીક હતા અને ૧૯૦૧માં તેમના પિતાના નિધન બાદ મહમદ અલીના પાલક બન્યા હતા. ૧૯૦૨ માં તેઓએ મુંબઈની બાંદ્રા કોન્વેન્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૧૯ માં તેમણે કલકત્તા વિશ્વવિદ્યાલયની ડો. આર. અહેમદ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં પ્રવેશ મેળવી દંત ચિકિત્સકની પદવી મેળવી. સ્નાતકની પદવી મેળવ્યા બાદ ૧૯૨૩માં તેમણે મુંબઈ ખાતે એક દંત ચિકિત્સાલય (ડેન્ટલ કિલનિક)ની શરૂઆત કરી હતી. ૧૯૧૮ માં મહમદ અલીના લગ્ન રતનબાઈ પેટીટ સાથે થયા ત્યાં સુધી તેઓ તેમના ભાઈ સાથે જ રહેતા હતા. ફેબ્રુઆરી ૧૯૨૯ માં રતનબાઈનું નિધન થવાથી તેઓ પોતાનું ચિકિત્સાલય બંધ કરી મહમદ અલી ઝીણાના નિવાસસ્થાને સ્થળાંતરીત થયા અને ઘરનો કાર્યભાર સંભાળ્યો. તેમનું આ આજીવન સાહચર્ય ૧૧ સપ્ટેમ્બર ૧૯૪૮માં તેમના ભાઈ મહમદ અલી ઝીણાના મૃત્યુ સુધી રહ્યું. મહમદ અલીના મૃત્યુ પછી ફાતિમા ઝીણાએ રાજનીતિની લગામ સંભાળી. દેશના ભાગલા વખતે તેમણે મહાજીરોના સમાધાનની જવાબદારી નિભાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ ઝીણાના મૃત્યુ પછી તેણીને રાજકારણથી દૂર રાખવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા.

હવે બન્યુ એવું કે, તે ઝીણાના 'મિશન પાકિસ્તાન'ની સૌથી મોટી શાસક હતા. ફાતિમા ઝીણા તેમના ભાઇનું રહસ્ય જાણતા હતા કે જેની દુનિયાને જાણ થઈ હોત તો પાકિસ્તાનનો નકશો આ પૃથ્વી પર કયારેય આકાર ન લેત. જાણીતા સમાચાર ન્યુઝ ૨૪ ના એકઝીકયુટીવ પ્રોડ્યુસર શ્રી પ્રખર શ્રીવાસ્તવની કલમ નો સંદર્ભ લઇએ તો તેમણે લખ્યું છે કે, ખરેખર ૧૯૪૫ ની આસપાસ, ઝીણાનું પાકિસ્તાનનું સ્વપ્ન વાસ્તવિકતાની નજીક હતું. પાકિસ્તાનનું ભાગ્ય ઝીણાનાં ભાગ્ય સાથે જોડાયેલું હતું. પરંતુ કોને ખબર હતી કે ઝીણાનું ભાગ્ય અને પાકિસ્તાનનું ભાગ્ય બે જુદા જુદા માર્ગો પર ચાલે છે. ઝીણાના જીવનમાં એક એવો વળાંક આવી રહ્યો હતો જેણે પાકિસ્તાનનું સપનું પૂર્ણ થાય તે પહેલાં જ તેને છીનવી નાખ્યું હોત. સવાર-સાંજ માત્ર પાકિસ્તાન ઝીણાના મગજમાં હતું. પરંતુ તેનું શરીર તેની કિંમત ચૂકવતું હતું. મહમદ અલીને હંમેશાં ખાંસીના હુમલા થતાં. એકવાર ખાંસી થઈ જાય પછી તે અટકવાનું નામ લેતી નહીં. મહમદ અલીની બહેન ફાતિમા ઝીણા પોતે એક ડોકટર હતી. મહમદ અલીની પત્ની રતનબાઈના મૃત્યુ પછી જિન્ના સાથે કાયમ રહેવા માટે નોકરી છોડીને તેણે ભાઇની સંભાળ રાખવા માટે લગ્નનો ઇનકાર પણ કર્યો હતો. બીજી બાજુ, ઝીણા ૧૯૪૦ થી શ્વાસનળીના દર્દી હતા. તે સમયગાળા દરમિયાન મુંબઈના ડોકટર જે.એલ.પટેલ, મહમદ અલીના ડોકટર હતા. ઝીણાની તબિયત લથડતા ડોકટર પટેલે ૧૯૪૬ માં તેને એકસ-રે કરાવવાની સલાહ આપી અને એક દિવસ ઝીણા અને તેની બહેન ફાતિમાને તેમના કિલનિકમાં એકસ-રેનું પરિણામ કહેવા બોલાવ્યા.

ડોકટર પટેલે મહમદ અલી અને તેની બહેન ફાતિમાને જે કહ્યું તે સાંભળીને બંને ભાઈ-બહેન ચોંકી ગયા. ઝીણાને જીવલેણ ટીબીએ જકડ્યા હતા. ટીબી વાયરસે ઝીણાના ફેફસાંને ઓગાળી દિધા હતા. મૃત્યુ ઝડપથી જિન્ના તરફ આગળ વધી રહ્યું હતું. તે સમયે ટીબીનો કોઈ ઇલાજ નહોતો અને ઝીણાને ટીબીનું લાસ્ટ સ્ટેજ હતું. ડોકટરે ફાતિમાની સામે જિન્નાહને કહ્યું હતું કે તેની જિંદગીના થોડા મહિના જ બાકી છે. ઝીણા જાણતા હતા કે જો તે મરી જાય તો પાકિસ્તાનની લીટીઓ આ દુનિયાના નકશા પર કયારેય ખેંચાય નહીં. ઝીણાના જીવલેણ રોગનું રહસ્ય હજી સુધી કોઈને ખબર નહોતું. તે માત્ર તેમના ડોકટર જે.એલ.પટેલ અને તેની બહેન ફાતિમા જ જાણતા હતા. મહમદ અલી જાણતા હતા કે ડો.પટેલ ખૂબ જ વ્યાવસાયિક છે અને તેઓ દર્દીની બીમારીનું રહસ્ય કોઈને જાહેર કરશે નહીં. પરંતુ તેઓને તેની બહેન ફાતિમાથી ડર હતો. પરંતુ  ફાતિમાએ તેના ભાઈની માંદગીનું રહસ્ય આખી દુનિયાથી છુપાવ્યું હતું. ફાતિમા ઝીણાએ એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે 'માય બ્રધર' જેમાં મહમદ અલી વિશે અને પાકિસ્તાન વિશે ઘણું લખ્યું છે, રહસ્યો ખોલ્યા છે. જે મુજબ તેના ભાઇને ટીબી થયું ત્યારે લિયાકત અલીને પાકિસ્તાનની કમાન સોંપી ઝીણા ઇલાજ માટે ગયા ત્યારે પાછળથી લિયાકત અલીએ ઝીણાને તેના જ પાકિસ્તાનમાંથી ખસેડી દીધા હતા. જયારે ઝીણા પાકિસ્તાન પરત આવ્યા ત્યારે તેને જે એમ્બ્યુલન્સમાં લઇ જવાયા તેનું પેટ્રોલ અચાનક ખાલી થઇ ગયું. તેના વિરૂધ્ધ આવું ષડયંત્ર રચાયું. જેણે પાકિસ્તાન બનાવ્યું તેની મદદ કરવા પણ કોઇ ન આવ્યું. ફાતિમાએ મહમદ અલી પર ૧૯૫૬ માં જ 'માય બ્રધર' નામનું એક પુસ્તક લખ્યું હતું, પરંતુ પાકિસ્તાન સરકારે ૩૨ વર્ષ સુધી તેને પ્રકાશિત કરવાની મંજૂરી આપી ન હતી. ૧૯૮૭માં, આ પુસ્તક આખરે બહાર આવ્યું અને ઝીણાથી સંબંધિત ઘણા રહસ્યો બહાર આવ્યા.

મહમદ અલી ઝીણાના મૃત્યુ પછી બે વર્ષ સુધી પાકિસ્તાન સરકારે ફાતિમા ઝીણાને કોઈપણ પ્રકારનું નિવેદન આપવા પર પ્રતિબંધ મૂકયો હતો. જયારે ઝીણાની મૃત્યુની ત્રીજી વર્ષી હતી ત્યારે આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. ૧૯૫૧માં ફાતિમા ઝીણાએ તેનો સંદેશ રેડિયો પાકિસ્તાન પર વાંચવાનું શરૂ કર્યું પરંતુ ઝીણાના મોતને કાવતરૃં ગણાવતા પાકિસ્તાની સરકારના કાન ચમકયા. ફાતિમાએ તે દિવસે ઝીણાની એમ્બ્યુલન્સ કેવી રીતે ખરાબ થઇ તે કહેવાનું શરૂ કર્યું અને રેડિયો પાકિસ્તાને તકનીકી ખામીના ગણાવી રેડિયો પ્રસારણ તુરતજ બંધ કર્યું. ૧૯૫૧ માં રેડિયો પ્રસારણના વિવાદ પછી ફાતિમા ઝીણા પાકિસ્તાનના રાજકારણના પડદા પરથી જાણે ગાયબ જ થઈ ગયા (કે ગાયબ કરી નાંખવામાં આવ્યા?). પાકિસ્તાને તેને ભૂલવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ તે પછી ફાતિમાએ ૧૯૬૫ ની ચૂંટણીમાં એન્ટ્રી લીધી હતી. પછી તેમણે પાકિસ્તાનના સરમુખત્યાર અયુબ ખાનને ચૂંટણી પડકાર આપ્યો. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફાતિમાએ અયુબ ખાનને જોરદાર ટક્કર આપી હતી. એવું કહેવામાં આવે છે કે આશરે ૨૦ લાખ લોકો તેને સાંભળવા માટે આવ્યા હતા અને કરાંચીની રેલીમાં તેમને જોવા માટે ૧૫ લાખ લોકોનું ટોળું એકત્રિત થયું હતું. પરંતુ સરમુખત્યાર અયુબ ખાનની સામે જીતવાની સ્થિતિ સહેલી નહોતી. ચૂંટણીમાં ભારે હાલાકી પડી હતી અને ફાતિમા ઝીણાને તે જ પાકિસ્તાનમાં હારનો સામનો કરવો પડ્યો હતો એમ કહો કે તેમને ગંદી રાજનીતિથી હરાવવામાં આવ્યા હતા. ફાતિમા લોકપ્રિય હતા પણ પાકિસ્તાની રાજનેતાઓથી ખુબ દુઃખી હતા.

કહેવાય છે કે, ફાતિમા ઝીણાની હત્યા કરાઇ હતી. પત્રકાર પંડિત અસગર દ્વારા તેમની કલમે લખાયું છે તે મુજબ, કોઈ પણ સંજોગોમાં સરકાર અને વ્યવસ્થા ઇચ્છતી નહોતી કે ફાતિમા ઝીણા તેના વિચારો રેડિયો પર વ્યકત કરે. તેને આમ કરતા રોકવા માટે પાકિસ્તાન રેડિયો પર તેના ભાષણને રોકાયુ હતું. આથી પાકિસ્તાની લોકો ભડકયા હતા. આમ જ રાજકીય મુશ્કેલીઓનો સમય ચાલતો રહ્યો અને પછી ૯ જુલાઈ ૧૯૬૭ ના રોજ ફાતિમા ઝીણાનું અવસાન થયું. ફાતિમાને તેના ભાઇ મહમદ અલીની બાજુમાં જ દફન કરવાનું નક્કી કરાયું. મહિલાઓ અને બાળકોનું ટોળું મોહમ્મદ અલી ઝીણાની કબર તરફ કૂચ કરી રહ્યું હતું. લાખોની ભીડ હતી. પોલીસને રસ્તો બનાવવામાં મુશ્કેલી પડી રહી હતી. લોકોની સંખ્યા ૬ લાખની નજીક હતી. અચાનક કેટલાક લોકોએ ફાતિમાના જનાજા નજીક જવાનો પ્રયાસ કર્યો. તેઓને છેલ્લીવાર ફાતિમાનો ચહેરો જોવાની ઇચ્છા હતી. પોલીસે તેને ખસેડવાનો પ્રયાસ કર્યો ત્યારે હંગામો થયો. પરિસ્થિતિ કાબૂ બહાર નીકળી ગઇ. પોલીસે લાઠીચાર્જ કર્યો. હંગામો એટલો વધી ગયો કે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો. જેના જવાબમાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો. ઘણા પોલીસ જવાન ઘાયલ થયા હતા. એક પેટ્રોલ પમ્પ અને ડબલ ડેકર બસને સળગાવી દેવામાં આવી હતી. આ સંઘર્ષમાં એક વ્યકિતનું મોત નીપજયું. બાળકો અને મહિલાઓને ઇજા થઈ હતી.

આ હલ્લાબોલ પછી, એવું કહેવામાં આવતું હતું કે ફાતિમાનું કુદરતિ મૃત્યુ થયું નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી હતી. આ બાબત પણ કોર્ટમાં ચાલી હતી. એવું કહેવાતું હતું કે તેણીના મૃત્યુના બે દિવસ પહેલા જ તેણે લગ્નમાં હાજરી આપી હતી તે બિલકુલ સ્વસ્થ હતા અને અચાનક ૯ જુલાઈએ તેમના મૃત્યુની ઘોષણા કરવામાં આવી હતી. તેના મૃત્યુ પછી, લોકોને તેને છેલ્લે જોવાની મંજૂરી પણ અપાઇ નહતી. અફવાઓ પણ ફેલાઇ હતી કે ફાતિમાના શરીર પર ઘાના નિશાન છે. ઘણા નેતાઓએ હત્યાની સંભાવના વ્યકત કરી હતી. આ હત્યાનો આરોપ અયુબ ખાન પર હતો. પરંતુ કોઈ તપાસ થઈ ન હતી. ફાતિમા ઝીણા તેની સાથે ઘણા રાઝ લઇને ગયા. તેના પરિવારના સભ્યોના મતે ફાતિમાએ અંતિમ દિવસોમાં અફસોસ વ્યકત કર્યો હતો કે, પાકિસ્તાન સર્જીને અમે ભૂલ કરી છે.

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

: સંપાદન સહયોગ :

અશ્વિન છત્રારા

(11:40 am IST)